3.8 - કાવ્ય પર વિજન અરણ્યે / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


પ્રકૃતિ પ્રત્યેની કવિની આત્મીયતાનું કાવ્ય થાણાની જંગલ રિદ્ધિના સમૃદ્ધ સ્વાનુભવને અહી કલાત્મક અભિવ્યક્તિ મળી છે. વિજન અરણ્યમાં સામાન્યતઃ નગરજનને અડવું લાગે, પણ કવિને માટે તો ત્યાં ઐન્દ્રિક સૌંદર્યાનુભૂતિનો અખૂટ ખજાનો છે. આથી જ કવિ સાર્થક પ્રશ્નોત્તરથી કાવ્યનો આરંભ કરે છે :
‘એકાકી હું અહીં ?
નહિ.'

કવિને આ વિજન અરણ્યમાં એકાકીપણું લાગતું નથી, કારણ કે અડાબીડ વનમાં એમને ‘વિશ્વની સાંપડી જાણે જાગૃતિ માંહી સિદ્ધિ.’ પછી ? કવિના જ શબ્દો સાંભળો : ‘મુગ્ધ આનંદની આંખે નિહાળું વન્ય રિદ્ધિ આ.’ અતીતના સહારે સાંપ્રતમાં સૌંદર્યસુધા માણે છે કવિ પંચેન્દ્રિય દ્વારા –
‘દર્શને ભવ્ય છે કોઈ, તો કોઈ સ્પર્શ-રમ્ય છે,
કોઈ છે શ્રવણે, કોઈ સ્વાદે, તો કોઈ ગંધથી.’

પંચેન્દ્રિય દ્વારા પ્રકૃતિનું ‘મીઠું સાહચર્ય, પામનાર કવિના હૈયાનો આનંદ એમાં ભળે છે અને પછી તો ‘ગાજી રહે આનંદ- ઘોષણા.’ આ અરણ્યમાં કવિને ‘દર્ભમાં ચરતાં ટોળાં કોમળાંગી મૃગો તણાં’ ગમે છે તો ‘તેવી ગમે ઘેરી ગર્જના હિંસ્ત્ર પ્રાણીની.’ આમ, કોમલ અને કરાલ બન્નેનું સુંદર રૂપ કવિ માણે છે. એની અન્ય કાવ્યાત્મક અભિવ્યકિત જુઓ આ પંક્તિઓમાં :
‘ડાળીએ ડાળીએ ઉડે પંખીના છંદનો રવ,
રેખાની ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું !’

ડાળીએ ડાળીએ ઊડતાં ગાતાં પંખીઓને ‘ઊંડે પંખીના છંદનો રવ’ અને સર્પ વાંકોચૂકો સરે છે તેને ‘સરે સૌન્દર્ય સર્પનું’ કહી અમૂર્તને મૂર્ત રૂપ આપવામાં કવિકલ્પનાનો અને કલ્પનની નિર્મિતિનો આહ્વાદ પામી શકાય છે. અહીં કવિને ‘સંધે બન્યો સાકાર સુંદર' અનુભવવા મળે છે. આ સુંદર સાકાર બન્યો કહેવામાં જ પરમ તત્ત્વની ‘સુંદરમ્' રૂપે અનુભૂતિ થતી લહાય છે. જ્યાં વિજન અરણ્યમાં રામસીતાનાં પૌરાણિક સ્મરણો-સંદર્ભો, પેશવાઈના સુખદ સ્મરણો-સંદર્ભોનો ભવ્ય અતીત છે ત્યાં વનશ્રીનો સુંદર ફાલ પ્રવર્તમાન છે. આથી જ કવિને શ્રી વિજનતામાં પણ એકાકીપણું લાગતું નથી. બલકે એકાકીપણું તો જન-સમુદાયની વચ્ચે લાગતું હતું :
‘એકાકી તો પણે, સૌની
મધ્યમાં વસવાં તો યે હૈયાનો મેળ ના જ્યહીં.’

અહી કોઈને કદાચ આધુનિકતાની બોદલેરી ગંધ આવે. કારણ કે માનવસમુદાયની વચ્ચે કવિને - કાવ્યનાયકને - એકાકીપણું લાગે છે. ‘Solitude in multitude' લાગે છે ! પરંતુ અહીં પ્રકૃતિપ્રેમનો nostalgia મુખ્ય વિષય છે. આથી જ પ્રકૃતિના તત્ત્વો વચ્ચે જે ચિર સાહચર્યનો કવિને અનુભવ થાય તેને ‘નહિ'ની દ્વિરુક્તિ દ્વારા કવિએ કાવ્યના અંતમાં ભારપૂર્વક રજૂ કર્યો છે : ‘એકાકી હું નહિ નહિ.’

‘થાકેલી જાનકીજીની...પાગલ !' - રામવનવાસ સમયે આ દંડકારણ્યમાં જે ઝરણામાં જાનકીજીએ પાય ઝબોળી થાક ઉતાર્યો હશે તેની સ્મૃતિમાં તે ઝરણું આજે પણ પાગલ બની ઊછળી રહ્યું છે.

‘ને જો પેલી... નેત્રનાં જલ.’ - જે પથ્થર પર બેસી જાનકીકરણ પછી તેના વિરહમાં રામ રડ્યા હતા ત્યારે તેમના અશ્રુઓને ઝીલનારી શિલાનો ઉલ્લેખ.

‘એકદા આંહીથી...સર્વ કલ્યાણનો ધ્વનિ.’ - આ અરણ્યમાં ભૂતકાળમાં જે ગુફામાં ઋષિમુનિએ જનકલ્યાણનો ધ્વનિ ગજવતો યજ્ઞ કર્યો તે ઉલ્લેખ.

‘પેશવાઈ તણી....પૂર વિધર્મનાં.' પેશવાઓએ વિધર્મીઓનાં ધાડાંને અહીં યુદ્ધ આપીને આવતાં અટકાવ્યાં હતાં તે ઐતિહાસિક સંદર્ભ.

કેર-એક વનસ્પતિ (‘કેર-કાંટો વાગ્યો'નો ઉલ્લેખ આપણા લોકગીતમાં પણ આવે છે.), કાશ-એક પ્રકારનું ઘાસ, રંધ્ર-છિદ્ર (વનસ્પતિનાં પર્ણપર્ણ વચ્ચે રહેતી જગ્યા), અનિરુદ્ધ-ન રોકાય તેવો, અતીત-ભૂતકાળ, ચક્ષુસ-આંખ, ઈતિ-અંત, કાનન-જંગલ, નિધિ-ભંડાર.


0 comments


Leave comment