3.9 - કાવ્ય પ૭ શ્રાવણી મધ્યાહ્ને / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


કવિની કાવ્યગુણે ઉત્તમ રચનાઓમાંની એક. પોતાના વતન કપડવંજથી ઉત્કંઠેશ્વર સુધીના શ્રાવણી મધ્યાહ્ને ખેડેલા પ્રવાસનું કાવ્ય. સુચારુ શબ્દચિત્રો અને કલ્પનાવૈભવથી ઓપતી કલાકૃતિ. કવિનો આ પ્રવાસ બધી જ્ઞાનેન્દ્રિયો ખુલ્લી રાખીને થયેલો છે, તેથી માર્ગમાં ચોપાસનું સૌંદર્ય પંચેન્દ્રિયથી ગ્રાહ્ય બન્યું છે. આવાં ઈંદ્રિયગ્રાહ્ય અનુભવોને સાકાર કરવાની કવિની શબ્દશક્તિનો. જેમ અન્યત્ર તેમ અહીં, અચ્છો પરિચય પામી શકાય છે.

કાવ્યનો આરંભ શ્રાવણની અલસ ધીમી મધ્યાહ્નની વેળાના વર્ણનથી થાય છે. એમાં વસંતતિલકા છંદની એવી જ ધીરગંભીર ચાલ ઉપકારક બની રહે છે. પ્રથમ પંક્તિમાં ‘વેળ' શબ્દમાં ‘વે' પાસેનો યતિભંગ કાવ્યપઠન વખતે સતેજ ભાવક પાસે એ ‘વે....ળ' એવા પઠન દ્વારા ‘વેળ'ની અલસતા છતી કરી રહે છે અને પછીની પંક્તિમાં અદ્ભૂત મૌલિક કલ્પન ‘ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ’ શ્રાવણી મધ્યાહ્નની અલસતાને ચાક્ષુસ કરી આપે છે. પછી સમગ્ર કાવ્યમાં પ્રથમ પંક્તિમાં આવતા વિશેષણ ‘પ્રશાંત'નો વિવિધ પેરે અનુભવ કરાવવામાં આવ્યો છે. ધીમા સ્પંદમાન ઉરે આ પ્રવાસી કવિ આખરે શિવના મંદિરે પહોચે છે ત્યાં જે આધ્યાત્મિક અનુભવ થાય છે તે કાવ્યની પરાકાષ્ઠા છે :
‘કૈલાસનાં પુનિત દર્શન...ધન્ય પર્વ
ના સ્વપ્ન, જાગૃતિ, તુરીય ન, તો ય સર્વ !'

‘ઋષભ-નંદિ-ની પાસ' ટેકો દઈને બેસતાં કવિને માનસીજલનું હિમાલયદર્શન થાય છે. કવિ સદેહે-સ્થૂળ દેહે - તો ઉત્કંઠેશ્વરમાં છે. પરંતુ સૂક્ષ્મ દેહ કૈલાસ પહોંચી જાય છે. આમ, શ્રાવણી મધ્યાહ્નના લૌકિક અનુભવથી ‘કૈલાસના પુનિત દર્શન' પાસે અલૌકિક અનુભવમાં કાવ્ય ઉપશમે છે, પરંતુ પ્રવાસ દરમ્યાનના લૌકિક દર્શનના જે રમ્ય શબ્દચિત્રો આપ્યાં છે તે જ કાવ્યની કલાસંપત્તિ છે.

‘ભારો ઉતારી લગાર.’ કોઈ ગ્રામજન તડકામાં થાકીને માથે ઊંચકેલો ભારો ઉતારી પથમાંના વિસામા પર જરી વિશ્રામ લે છે તે ચિત્ર દ્વારા આખું નાનું ગામ મધ્યાહ્ને વિશ્રાંતિ લઈ રહ્યું છે તેનું નિરૂપણ.

‘...જલધિ બે ભરતીની મધ્ય’ -
ગ્રામજનોનો સમુદાય સવારે અને સાંજે પ્રવૃત્તિમાં ઊભરાતો હોય છે તે બે પ્રહરની જનપ્રવૃત્તિને બે ભરતી કહી છે. પ્રવૃત્તિશીલ બપોરનું ચિત્ર.

‘મારે ગમા-અણગમા શું હતું કશું ના’ - કવિની મનોદશા. જે વ્યક્તિ ગમા-અણગમાથી પર છે તે જ નચિંત મને સકલને પામી શકે છે. આવા જીવનસ્પર્શી વિચારો આ કવિની કવિતાનો એક વિશેષ છે. માટે જ આગળ જતાં ‘દુર્વાથી બેઉ ગમ વાડ થકી દબાયો’ છે તેવા વન્ય પંથનું તાર્દશ શબ્દચિત્ર આંકી અન્યોક્તિ દ્વારા નિજ મનની છવિનું જ જાણે ચિત્ર સ્પષ્ટ કરે છે : ‘ઝિલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિરંગ' અહીં કવિની ‘નિરૂદ્દેશે' રચનાનું સ્મરણ થશે.

‘કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ’ - અહીંનો શ્લેષ વિચારદ્યોતક છે. કંકાસિની પર કળીઓ બેસવાથી એ પ્રફુલ્લિત લાગે છે. એવી રીતે કંકાસિની સ્ત્રી સંતાનજન્મે આનંદિત બની રહે છે એ પણ વ્યંજિત હોઈ શકે.

‘ત્યાં પંક માંહી....રમતાં નિરાંતે' - આવાં સ્વભાવચિત્રો આપવાની કવિની શૈલીમાં સૂક્ષ્મ નિરીક્ષણશક્તિનાં દર્શન થાય છે. આવી ચિત્રાત્મકતા પણ આ કવિની શૈલીનો વિશેષ છે.

‘ઊંડાણને ગહન...પરિતૃપ્ત પ્રજ્ઞ' - પ્રકૃતિ - દૃશ્યમાંથી ચિંતન સારવવાની કવિની લાક્ષણિકતાનું ઉદાહરણ. નાનું તળાવ વિરાટ ગહન વ્યોમનું પ્રતિબિમ્બ ઝીલે છે એ પ્રાકૃતિક ચિત્ર દ્વારા અને એમાં ‘પ્રજ્ઞ’ પદના વિનિયોગ દ્વારા આત્મપ્રજ્ઞ વ્યક્તિનો ઉલ્લેખ છે. આત્મપ્રજ્ઞો નિજમાં પરિતૃપ્ત હોય છે અને આત્મામાં ગહન બ્રહ્મને સમાવે છે, ધારણ કરે છે, એ વેદાંતી વિચારનો અહીં કાવ્યમય વિનિયોગ છે.

‘તેજે ત્યહીં તિમિર ઘુંમટનાં ઝળુંબે' - અમૂર્ત એવા અંધકારને ઝળુંબતો વર્ણવી તેનું મૂર્તીકરણ કર્યું છે, કવિની વર્ણનશૈલીનો આ પણ વિશેષ છે.

‘ઘંટારવ યદપિ ના રણકાર કીધો.....શું પીધો !’ – એવી પ્રગાઢ શાંતિ હતી કે કવિને શંભુના મંદિરમાં વગાડવા માટે જ લટકાવેલા ઘંટને વગાડવાનું પણ મન થતું નથી. વગર વગાડ્યે જ જાણે એના ગુંજારવનો અમલ એ માણે છે. પ્રગાઢ શાંતિના પ્રભાવનું ચિત્ર.

‘કેવી હવા...પક્ષ્મ-રોમે !' ધીમી ફરફરતી હવાનું અસ્તિત્વ પક્ષ્મની રોમાવલિનાં આછાં કંપનથી સૂચિત થાય છે. વળી પાછી અમૂર્તને મૂર્ત કરી આપવાના કવિકીમિયાની સાક્ષી પૂરતી ઉત્તમ કલાત્મક પંક્તિ.
=
અલસ-મંદ, લસતી-સરકતી, ક્લાન્ત-થાકેલું (અહીં થાકીને ધીમું પડેલું), વિલંબિત-ધીમા, આસીન-બેઠેલું, વિષણ્ણ-ઉદાસ, જલધિ- સાગર, કંઠાર-કિનારો, પંકિલ-કાદવવાળો, દુર્વા-એક પ્રકારનું ઘાસ, ગમ -બાજુ, પ્રસૂન-કળી, પુષ્ય, જવારા-જવ વગેરેના તાજા ઊગેલા અંકુરો, ખંજન-એક પક્ષી, કીર-પોપટ, લેલાં-એક પ્રકારનાં પંખીઓ, મહિષી -ભેંશ, દાદૂર-દેડકા, બંધુર-સુંદર, રત-ઋતુ, શાલ્મલી-શીમળાનું ઝાડ, સ્પૃહા-આકર્ષણ, પ્રજ્ઞ-જ્ઞાની, સદન-ઘર (અહીં મંદિર), અશ્વત્થ-પીપળો, જાહ્નવી-ગંગા, સિક્ત-અભિસિક્ત, પલળતું, ઝળુંબે-ઝૂલી રહે છે, અમલ- કેફી દ્રવ્ય, ઋષભ-નદી-શિવ-મંદિરમાં શિવની મૂર્તિની સમક્ષ પગવાળીને બેઠેલી સ્થિતિમાં દર્શાવાયેલો આખલો, પક્ષ્મ-પાંપણ, માનસી-જલ - માનસરોવરનાં પાણી, ચંદ્રમૌલિ-શંકર, કૌમુદી-ચાંદની, તુરીય-તુર્યાવસ્થા.
=
જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા એમ ચાર અવસ્થામાંની આ ચોથી અવસ્થામાં સમસ્ત ભેદજ્ઞાનનો નાશ થઈ જાય છે અને આત્મા તથા બ્રહ્મ એક જણાય છે. અદ્વૈતના અનુભવની આ સ્થિતિ છે, એમ વેદાંત વર્ણવે છે.


0 comments


Leave comment