3.10 - કાવ્ય ૬ર યામિનીને કિનાર / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


અંધકાર કવિનો મનગમતો વર્ણ્ય વિષય છે. અહીં કાવ્યની છ પંક્તિના પ્રથમ ખંડમાં સંધ્યા સમયે ઊતરતા અંધકારનું અને એ આછા અંધારઘેર્યા પાર્થિવ-પ્રાકૃતિક તત્ત્વોનું છાયાચિત્ર અંકાયું છે. પછીની છ પંક્તિના બીજા ખંડમાં એ અંધારની અસરથી પ્રસરતી ‘ગહન ગરવી’ શાંતિનું ચિત્ર અંકાયું છે. એ શાંતિનો પ્રભાવ કવિના મનમાં ‘રમ્ય ગાન’ જગવે છે. છેલ્લી બે પંક્તિમાં પૃથ્વી અને વ્યોમ વચ્ચેનું અંતર સંધાઈ જાય છે – અંતરમાં જાગતા ગાનના પડઘા રૂપે વ્યોમમાં ફૂટતા તારકોથી. કવિનો આ મનહર તરંગ કવિચિત્ત અને પ્રકૃતિ વચ્ચેનો સંવાદ સાધી આપે છે ‘અરવ પગલે ઊતરે અંધકાર’ જેવી અભિવ્યક્તિમાં અમૂર્તને મૂર્ત કરી આપવાની કવિની પ્રતિભાશક્તિ અને નિરૂપણશૈલીનો એક વધુ નમૂનો જોવા મળે છે. અંત ‘વ્યોમ વ્યોમ' દ્વારા આકાશની અનંતતા અને અનેકતા સૂચવાઈ છે.

યામિની-રાત્રિ, ધૂંધળી-ધૂંધળાશ, બીડ-ઘાસનું મેદાન, વાંકી શિંગી-વાંકા શિંગડાંવાળા પશુ, નિર્ઝરી-ઝરણું.


0 comments


Leave comment