6 - તું જ / જવાહર બક્ષી


તું જ ભૂરાશ છે સ્વચ્છ આકાશની, તેં જ દીધી તરસ વિસ્તરીને
ચાંદની રાતનો સોમરસ તું જ છે, તું જ પિવડાવ પ્યાલા ભરીને

તું જ મલયાનિલોમાં વહીને મને મત્ત રાખે મહક પાથરીને
દૂરથી દે નહીં દાવ સબંધના, શ્વાસમાં આવ શ્વાસો ભરીને

તું જ દર્પણ નગરમાં બધાંને છળે દ્રશ્ય - અદ્રશ્ય ચહેરા ધરીને
આજ દ્રષ્ટિને ઇચ્છા અસલ રૂપની, આંખડી મીઠી કર નીતરીને

એક વેળા તને ઓળખીને પછી કોઈ પણ ભય નથી ભૂલવાનો
હર સમય, હર સ્થળે છદ્મવેશે મળે, જાઉં ક્યાં હું તને વિસ્મરીને

તું જ નાદ, ઉન્માદ પણ તું જ છે, વાદ – વિવાદ છોડી ગઝલ થા
શબ્દનાં તેજમાં, ભાવનાં ભેજમાં, સ્હેજમાં ઢળ હવે અક્ષરીને


0 comments


Leave comment