3.13 - ગીત ૩ તને જોઈ જોઈ તો ય તું અજાણી / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


મુંબઈથી થાણા જતાં કવિએ ગાડીમાં રહ્યે રહ્યે અજવાળી બીજનું જે દર્શન કર્યું તેમાંથી સ્ફુરેલું ગીત. જે બીજને કવિ નજરે નિહાળે છે તેને જોયા પછી થાય છે કે આ કોઈ અજાણ્યું તત્ત્વ છે. આમ, કવિની રહસ્યમય જીવનદૃષ્ટિનું અહીં દર્શનતત્ત્વ છે. કવિએ પછીથી આપેલાં ‘નિલાંજના’ જૂથનાં કાવ્યોની ગંગોત્રી અહીં પણ જોઈ શકાય છે. ગીતની પરિભાષા પ્રેમની શૃંગારની છે, પણ ‘રહ:મિલન અભિલાષ’ની જેમ કોઈ રહસ્યમય પરમ તત્ત્વનું ગીત બને છે. આથી, પ્રકૃતિ દ્વારા લાધતા અગમ્ય પરમતત્ત્વના ઇંદ્રિયગમ્ય અને રહસ્યમય અનુભવની કૃતિ.

‘(જાણે) બીજને...ઘૂમટો તાણી -' અજવાળી બીજનું આકાશદર્શન. આમ તો માત્ર બીજલેખા દેખાય છે. પરંતુ તે દિવસે હંમેશાં પૂર્ણ ચંદ્રનો શેષ ભાગ ઝાંખો ઝાંખો પણ દેખાય છે. તેથી ધૂમટો તાણીને ઊભેલી પ્રેયસીની ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે. સરસ કલ્પન. વળી, ઘૂમટો તાણવાના ચિત્ર દ્વારા મિલનોન્મુખ પ્રેયસીનું શૃંગારચિત્ર ઊપસી આવે છે. પણ આ પ્રેયસી તે જ પરમ તત્ત્વ, તે ગીતમાં આવતી પછીની પંક્તિ ‘વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી' દ્વારા વધુ સિદ્ધ થાય છે.

‘વાયુની લહેર.... ના સમાણી?’ - પરમ તત્ત્વનો અનુભવ અકળ છે. જેમ વાયુની લ્હેર સ્પર્શ દ્વારા પમાય છતાંય તેને આશ્લેષી શકાતી નથી, તેમ અહીં પરમ તત્ત્વના અસ્ફુટ અમૂર્ત અનુભવને વ્યક્ત કરાયો છે.

‘પોઢેલો મૃગ...ગૈ એહને' - અજ્ઞાનની નિદ્રામાં પોઢેલા મનના મૃગને પરમ તત્ત્વના દર્શનની એ ક્ષણ -રહસ્યમય ક્ષણ -ચિર પ્યાસ જગવી જાય છે તેના મિલન માટે. આ મિલનની અભિલાષાની તીવ્રતા દર્શાવવા મૃગનું કલ્પન કેટલું બધું કાર્યક્ષમ અને કાવ્યક્ષમ છે !

વસુંધરા-ધરતી, મરુવન-રણ, ઝંકોર-પવનમાં વહેતી ફરફર, સાબર-સાબરમતી નદી.


0 comments


Leave comment