3.14 - ગીત ૬ ઇંધણા વીણવા ગૈતી / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


ગ્રામકન્યાના મુખમાં મુકાયેલું ગીત. એના હૈયામાં જાગેલા પ્રેમભાવને એ પોતાની સૈયર સમક્ષ રજૂ કરે છે તેમાં મુગ્ધ કન્યાના મનોભાવનું યથાતથ નિરૂપણ છે. પ્રેમાનુભૂતિનું રોમેન્ટિક ગીત. ‘બપ્પોરની વેળા' અન્ય રીતે નાયિકાના પ્રેમોન્માદનું પણ સૂચન કરે છે.

ઇંધણાં-બાળવા માટેનાં સુકાઈ ગયેલાં લાકડાં, સૈયર-સખી. દખ્ખણનો વાયરો-મલયાનિલ. દક્ષિણ દિશામાં આવેલાં ચંદન-વનમાંથી આવતો આ પવન શૃંગારને ઉદ્દીપ્ત કરનારો મનાયો છે. આથી, કોકિલનો કંઠ, વનની વનરાઈ, દખ્ખણનો વાયરો વગેરે પ્રાકૃતિક તત્ત્વનો પ્રણયની ઉદ્દીપન વિભાવસામગ્રી તરીકે અહીં ઉપયોગ થયો છે. અડૈયાં-અડાયાં, ગાય ભેંસનું જમીન પર સુકાઈ ગયેલું છાણનું પોચકું, જે છાણા તરીકે વપરાય છે. વાતરક-કવિના વતન કપડવંજ પાસેની વાત્રક નદી.

‘લીલી તે પાંદડીમાં....ખીલ્યાં રે લોલ’ - વગડામાં ઇંધણા વીણવા ગયેલી ગ્રામકન્યાએ પ્રિય મિલનનું સુખ માણ્યું તેનાથી કોળેલા હૈયાનું ચિત્ર અહીં અંબોડે ખોસેલાં અને ખીલેલાં ફૂલના નિરૂપણથી સૂચિત થાય છે.


0 comments


Leave comment