3.16 - ગીત ૮ પોયણીએ ઊચું જોયું / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


પોયણી અહીં મિલનોત્સુક નાયિકાનું પ્રતીક બની રહે છે. રાત્રે પોયણી ખીલે છે એ પ્રાકૃતિક ઘટનાનો સહારો લઈ એનો કાવ્યાત્મક ઉપયોગ કરાયો છે. ઊંચે આકાશમાં ઊગેલા ચંદ્રને પામવા ઝંખતી પોયણીને ખબર નથી કે નીચે પાણીમાં એનું પ્રતિબિંબ પડે છે તેમાં એ એના બાહુપાશમાં જાણે બંધાઈ ગયો છે છતાંય એને ખબર પડતી નથી અને એ તો એને ઊંચે આકાશમાં તાકી રહી છે ! આ ચિત્રમાં કદાચ કવિની તત્ત્વચિંતક તાસીર પ્રમાણે પોયણી પરમાત્માને પામવા મથતા આત્માનું પ્રતીક પણ હોઈ શકે. ઊંચે આકાશમાં દૂર દૂર ખીલેલો ચંદ્ર એ પરમ તત્ત્વનું પ્રતીક બને. એનું પ્રતિબિંબ નીચે જળમાં પડ્યું છે તેને માયામાં પડેલા બ્રહ્મના પ્રતિબિંબના વેદાંત-વિચાર સાથે પણ સરખાવી શકાય. એ રીતે આ જગતમાં, આ સંસારમાં બ્રહ્મ વ્યાપેલો છે તેને પામવો અને જીવન અને સંસારનું મિથ્યાત્વ નહિ પણ રસિકત્વ માણવું એ વિચાર પણ અહીં વ્યક્ત થયેલો છે. કવિની આ આગવી વિચારધારા છે કે આ સંસાર એ પણ બ્રહ્મની જ લીલા છે તો એનો અનાદર નહિ, પણ આદર થવો જોઈએ અને એમાં અવસાદ નહિ, પણ આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. જળમાં પડતાં પ્રતિબિંબનો અજ્ઞાનવશ અનાદર કરી પોયણી ઊંચે આકાશમાં ખીલેલા ચંદ્રને પામવાનો જે અભિલાષ સેવે છે તેમાં તે પોતાની પાસે પ્રતિબિંબ રૂપે રહેલા ચંદ્રને પણ માણી શકતી નથી. આખું ગીત આમ લૌકિક અને અલૌકિક પ્રેમની સરસ અભિવ્યક્તિ બની રહ્યું છે.

‘ઢૂંઢતી.....ઉજાશમાં ?' તમરાંએ પોતાના ગાન દ્વારા વનવન વહેતો મૂકેલો આ પ્રશ્ન ‘અભિલાષના હુતાશ'માં ‘બહાવરી બનેલ' અનંગદગ્ધ પોયણીની જાણે મજાક કરી લે છે. ચંદ્રના આટલા પ્રકાશમાં પાણીમાં પોતાની પાસે પડેલા પ્રતિબિંબને અને તે દ્વારા બિંબની અનુભૂતિને ન પામતી પોયણી કોને ઢૂંઢી રહી છે ? જો સમજાય તો આસપાસની સુષ્ટિમાં બ્રહ્મ જ વ્યાપ્ત છે તેનો આનંદ ન લેનાર ન તો બ્રહ્મને પામે છે કે ન તો તેની રચેલી સૃષ્ટિને. આવી ગહન વાત કવિએ આ પ્રશ્નમાં આબાદ રીતે મૂકી દીધી છે.

પાશ-બંધન, અંકમાં-ખોળામાં, મયંક-ચંદ્ર, અનંગ-કામ, હુતાશ -અગ્નિ.


0 comments


Leave comment