4.7 - પીળી છે પાંદડી / રાજેન્દ્ર શાહ


પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો,
સોહ્ય છે રે ઝાઝો સવારથી ય સાંજરો.

ઝાકળિયે બેસું હું તો ય રે બપોર લાગે
આસો તે માસના અકારા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
આંબાની ડાળ ઝૂલનારા;

હું તો અંજવાળી રાતનો માણું ઉજાગરો :
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો....

કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
લાગે કાલિંદરી જેવું,
આંબલીની છાંય તે કદંબની જણાય મારા
મનનું તોફાન કૉને કે'વું ?

મેં તો દીઠો રાધાની સંગ ખેલતો સાંવરો:
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.


0 comments


Leave comment