2.22 - અગર સૃષ્ટિમાં કંઈ જ શાશ્વત નથી / હેમેન શાહ


અગર સૃષ્ટિમાં કંઈ જ શાશ્વત નથી,
હો બિન્દુ કે સિન્ધુ, તફાવત નથી,

વિગતવાર કહેવાની દાનત નથી,
કથા એક પણ તર્કસંગત નથી.

પૂછ્યું મેં, ‘વધારે હું જાણી શકું?’
તરત આવ્યો ઉત્તર, ‘ઈજાજત નથી.’

એ માન્યું કે મેં ચાલ બદલી હતી,
આ રસ્તાઓ પણ તો યથાવત્ નથી.

વિલક્ષણ વિચારો હું ક્યાં સાચવું?
જ્યાં એકાંત સુદ્ધાં સલામત નથી !

ઘણાં શિલ્પ લાવણ્યમય થઈ શકત,
પરંતુ અણીશુદ્ધ નિસ્બત નથી.


0 comments


Leave comment