2.25 - પહાડ, દરિયા, રણનો સંભવ આપણી વચ્ચે નથી / હેમેન શાહ


પ્હાડ, દરિયા, રણનો સંભવ આપણી વચ્ચે નથી,
પણ પરસ્પર જાતો પગરવ આપણી વચ્ચે નથી.

કંઈ રિસાવામાં ને મન આળું થવામાં ફેર છે.
બીજું કે ભૂલકણું શૈશવ આપણી વચ્ચે નથી.

કેમ તે વિસ્તારપૂર્વક વાત સમજાવ્યા કરે?
કેમ ચુપકીદીનું લાઘવ આપણી વચ્ચે નથી?

કંઈક આછો, કંઈક આકર્ષક હતાં જેના થકી
આજ એ વાસંતી પાલવ આપણી વચ્ચે નથી.

પૂર્વજોનાં વૃક્ષની શાખાઓ તો મોજૂદ છે,
એ સમયનો કિન્તુ કલરવ આપણી વચ્ચે નથી.

બે મિનિટ થંભાવી દો રંગીન મહેફિલ દોસ્તો,
એક હરતોફરતો માનવ આપણી વચ્ચે નથી.


0 comments


Leave comment