2.26 - ગોળ હો કે લંબચોરસ આપણી વચ્ચે જ છે / હેમેન શાહ


ગોળ હો કે લંબચોરસ આપણી વચ્ચે જ છે.
આપણી મહાકાય આળસ આપણી વચ્ચે જ છે.

હું ને તું પૃથ્વીના તદ્દન ગૂઢ બે છેડા છીએ,
હોય મક્કા કે બનારસ આપણી વચ્ચે જ છે.

કાં ઉકેલાતી નથી રોમાંચની આદિમ લિપિ?
ચાંચ મેળવતાં એ સારસ આપણી વચ્ચે જ છે.

શહેરની કેમે કરી ગિરદી વિખેરાતી નથી,
રાત્રિએ પણ એ જ સરઘસ આપણી વચ્ચે જ છે.

એક દિન સામે અચાનક વૃદ્ધ ચહેરો આવશે,
હાલ તો દર્પણમાં ધુમ્મસ આપણી વચ્ચે જ છે.


0 comments


Leave comment