2.27 - આ ગઝલનો એક પણ વાલી નથી / હેમેન શાહ


આ ગઝલનો એક પણ વાલી નથી,
શે'ર ખતરાથી કદી ખાલી નથી.

અહીં કળાને પૂજનારા ક્યાં મળે?
આ નગર મુંબઈ છે, વૈશાલી નથી.

સ્વપ્ન આપી કોણ લે મારા સિવાય?
ચાંદનીની ક્યાંય લેવાલી નથી.

છે પરિવર્તન વિષે ઝઘડો મીઠો,
કંઈ સમય સાથે બોલાચાલી નથી !

આમ તાળી પાડી તું બિરદાવ નહિ,
બિન સન્નાટો છે, કવ્વાલી નથી !


0 comments


Leave comment