2.28 - આ અભણ આબોહવા બદલાય તો કંઈ થઈ શકે / હેમેન શાહ


આ અભણ આબોહવા બદલાય તો કંઈ થઈ શકે,
પ્હાડ, ઝરણાં, વૃક્ષ જો સમજાય તો કંઈ થઈ શકે.

નાના વર્તુળમાં જ એ સીમિત રહેશે ક્યાં સુધી ?
રોશની દુનિયા ઉપર પથરાય તો કંઈ થઈ શકે.

પાણી ને પથ્થરનું સંગીત કાં અધૂરું લાગતું?
સૂર તરણાંનો અગર સંભળાય તો કંઈ થઈ શકે.

ચાંદની રાતે સરોવર બનવું તો સૌને ગમે,
આગિયા બનવાની હિંમત થાય તો કંઈ થઈ શકે.

માત્ર મર્યાદાઓ જોવાથી કશું વળતું નથી,
લાક્ષણિકતા પણ જરા દેખાય તો કંઈ થઈ શકે.

પ્રેમનો ઉત્તર ત્રિરાશિ માંડવાથી નહિ મળે,
ઘેલછા આંખોમાં ઉમેરાય તો કંઈ થઈ શકે.


0 comments


Leave comment