2.29 - સોનેરી અક્ષરોનું છતાં નામ વ્યર્થ છે / હેમેન શાહ


સોનેરી અક્ષરોનું છતાં નામ વ્યર્થ છે,
ભૂતકાળમાં જવાનો આ વ્યાયામ વ્યર્થ છે.

આ ડાયરીના પાનની હોડી બનાવ નહિ,
એનો વહેણ સામે આ સંગ્રામ વ્યર્થ છે.

પામી શકાય માત્ર ગહન ચેતના વડે,
ઢગલો આ અવયવોનો સરંજામ વ્યર્થ છે.

એની ઉપસ્થિતિમાં જો બોલી શકો નહીં,
તો શબ્દકોશ ફાડ ખુલેઆમ, વ્યર્થ છે.

સુરખાબ દરિયા પારથી આવ્યાં જવાબમાં,
છેવટ મેં જ્યારે માન્યું કે પૈગામ વ્યર્થ છે.


0 comments


Leave comment