2.30 - માત્ર ટકી રહેવાની કોશિશ પારાવાર અને ચુપકીદી / હેમેન શાહ
માત્ર ટકી રહેવાની કોશિશ પારાવાર અને ચુપકીદી,
બાકી છે મિતભાષી અટકળનો આધાર અને ચુપકીદી.
એની સાથે તડકો, ફૂલો, ઝાકળ ચાલ્યાં ને મુજ સાથે
પરદા, બારી ભીંતો જેવા ટેકેદાર અને ચુપકીદી.
શહેર હજી તો મટકું માંડે ત્યાં તો લાગે ઘરને કાંડે,
ઉઝરડા જેવું તાજું પ્રાતઃ અખબાર અને ચુપકીદી.
રાતે ટ્રેન મહીં બેઠા છો. ચમકારા અંધારા ગણતાં,
બંધ કરેલા પુસ્તકનો આ ઉપસંહાર અને ચુપકીદી.
પંખી પ્રાકૃત તરણાં લાવે, પ્રેમી એકલતા સરખાવે,
હું ય સિતારા ચીતરવા માટે તૈયાર.... અને ચુપકીદી.
0 comments
Leave comment