4.13 - દીપક રે હોલવાયો / રાજેન્દ્ર શાહ


દીપક રે હોલવાયો,
શૂન્ય ઘરમાં નિબિડ નિશીથ
અંધકાર છાયો.
દીપક રે....
દીપક રે હોલવાયો.

ઘરની ચાર દીવાલની સીમમાં
મોકળી'તી મુજ ભોંય,
અસીમ તિમિર માંહીં ન નીરખું
કોઈની તનિક છાયઃ
હાથ વડે અડકાય નહિ એની
ભીંસમાં દેહ દબાયો.

દૂરને આભથી ડોકિયું કરતો
તારલો બોલે ‘આય.’
પંથ મારે નહિ તેજ છે એનાં
(ત્યાં) કેમ કરી પહુંચાય?
નિંદરની ચિર સોડ ચહું, નહિ
જંપતો જીવ હરાયો.

નેણની જ્યોત જતાં નહિ રે મને
મારો ય લેશ આધાર,
લાખ ભૂતાવળ ભમતી ચોગમ
જગવે હાહાકાર;
ઓરે અદીઠ તેં દીપ ઠારી, મુજ
પ્રાણને શીદ જલાયો ?


0 comments


Leave comment