4.14 - ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી / રાજેન્દ્ર શાહ


ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી;
માઝમ રાતનું સોણલું સર્યું, કિરણને કર આંખ હો જાગી.
ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી.

રંગ ને રૂપે રમતી તરલ
નીરખી'તી કૈં છાયા,
આવતી મારે હાથ ના તો યે
પ્રાણમાં પ્રગટી માયા;
તરસ્યું હરણ દૂરના પેલાં ઝાંઝવાને નીર જેમ હો રાગી.
ભૂલ ભાંગી મારી ભૂલ હો ભાંગી.

ઝંખનાથી યે પામતાં ઝાઝું
ધન્ય હું બડભાગી,
અવ ન શિશિર-દાહ, ધરાને
મલયની લ્હેર લાગી,
સુષુમણાની મોરલી મારી મોહન સૂરને લય હો વાગી.
બહોળ ભાંગી મારી ભૂલ હો ભાંગી.


0 comments


Leave comment