4.17 - સુંદર ! બહુરિ કુટિલ તવ છલના / રાજેન્દ્ર શાહ


સુંદર ! બહુરિ કુટિલ તવ છલના :
પલ રૂપ એક અવર પણ દૂજો
મન કંઇ પામત કલ ના......
સુંદર ! બહુરિ કુટિલ તવ છલના..

મધુર પુકાર સુણી તવ, વિવશ હું
નિકટ ધાઉં રઘવાયો,
થલથલ રે ચહુદિશિ, નિશિવાસર
મુજને અમિત ભ્રમાયો,
દુર્ગમ તવ પથ પર નિત ચલના.....
સુંદર ! બહુરિ કુટિલ તવ છલના.

નિર્મલ મરુજલની લહરી સમ
લોચન લોલ રિઝાવે,
આશતણું અવલંબન ધરી,
નંતર ઉર આ તરસાવે,
નયનન જલ ભરી અંતર જલના....
સુંદર ! બહુરિ કુટિલ તવ છલના.

થક્તિ ગાત્ર મૂરછિત કરણે, તવ
રુચિર સંજીવન સ્પર્શે,
નવલ બલે ઉદ્યત કરી, નવ
ઉન્મેષ મહીં આકર્ષે;
ચહુગમ તું હિ, ન તો ય સંવલના...
સુંદર ! બહુરિ કુટિલ તવ છલના.


0 comments


Leave comment