4.19 - બોલ રે ફરી બોલ / રાજેન્દ્ર શાહ


બોલ રે ફરી બોલ.
અરધે બોલે અરવ શાને?
ગુંજતું ગળું ખોલ.
બોલ રે ફરી બોલ.

મધુર તારાં ગીતનો સુણી
ક્ષણ પહેલાં રણકાર,
મુગ્ધ મારું નિખિલ જગત
ઝૂરતો રે સૂનકાર :
પૂર્ણિમા હે ! વીજની સાથે
હોય ને તારો તોલ.
બોલ રે ફરી બોલ.

ધરણી કેરી કુંજમાં તારાં
સુરપુરીનાં ગાન,
અહીંની વેળુ મંદાકિની
જલનાં કરે પાન.
ઉર વસીને વદન તોયે
ઢળતો શીદ નિચોલ?
બોલ રે ફરી બોલ.

માધવી ઋતુ, માનસી જલે
મરાલની જો ક્રીડા,
કમલ ખીલ્યાં પૂર્ણ દલે,
અવ શી એને વ્રીડા?
પાતળો તો યે ઘૂમટો, મારે
ન્યાળવાં લોચન લોલ.
બોલ રે ફરી બોલ.


0 comments


Leave comment