1.1 - વ્યાસ ઓ વ્યાસ ભારતી ! / સુંદરજી બેટાઈ
:૧:
વિશાલબુદ્ધિ ઓ વ્યાસ ! આપનાં વ્યાસવર્તુલ
આંબ્યાં કોણેય શે જાય ભવ્ય સત્યવતીસુત ?
:૨:
મહાભારતની ભોમે મઢી કાલકલાન્તરે
વિધિવૈચિત્ર્યની લીલા અનન્તવિધ વિસ્તરે !
:૩:
અહો ત્રૈગુણ્યનાં કેવાં કેટલાંય પ્રવર્તન
દીઠાં ને દાખવ્યાં આપે વિવર્તન-નિવર્તન !
:૪:
જળો–શાં વળગ્યાં રહેતાં વૃથા માનાપમાનને
ચીંધી ચીંધી કર્યાં દૃષ્ટ મિથ્યા વિજ્ઞાનજ્ઞાનને.
:૫:
વકર્યું–વિફર્યું ઝાઝું : નર્યું–નીતર્યું સર્વથા
આપના દર્શને-ચિત્રે નીતર્યું શું અનેકધા !
:૬:
સચક્ષુઓ તણી આપે ચીતરી વિકૃતાંધતા;
સામે પલ્લે ધર્યાં આપે ઉત્કૃષ્ટત્વ-નિકૃષ્ટતા.
:૭:
જન્મથી અંધને દીધી ઔદાર્યે દિવ્યનેત્રતા;
કર્મધર્માંધની કીધી પાધરી વિકૃતાક્ષતા.
:૮:
વિફરી વિપ્રતા કેરો ઝૂંટવાવ્યો તમે મણિ;
કદી, સત્યવતીપુત્ર, ઉવેખ્યું સત્ય ના કણી.
:૯:
સ્વલ્પનીય નથી કીધી આપે સત્વ-ઉવેખણા;
પેરે પેરે કરી નિત્ય बृहत् ની બલ-સ્થાપના.
:૧૦:
મન્દતા–અન્ધતા કેવી રહે ક્ષણક્ષણે નડી !
અન્યને છેદતાં પોતે થતી છિન્ન ઘડીઘડી !
વિરમી ના કદી સત્ય ચીંધતી તમ તર્જની.
:૧૧:
લક્ષ્મી ને રાજલક્ષ્મીની તમે પ્રકૃતિવક્રતા
“આ લક્ષ્મી !” કહીને જાણે પ્રગટી નષ્ટભ્રષ્ટતા !
:૧૨:
લવણાબ્ધિ વિલોડીને કર્યું વિષવિમોચન
વિરલાદ્ભુત, યોગીન્દ્ર ! કાવ્યયોગસુદર્શન.
:૧૩:
દીઠી ‘भारतसावित्री’આપે કવિ સદાતન !
ઊર્ધ્વબાહુ બની આપે પૂછ્યો પ્રશ્ન સદાનવ :
“धर्मादर्थश्च कामश्च स किमर्थ न सेव्यते ?”
:૧૪:
કવીન્દ્ર ! શરદસ્વચ્છ વ્યોમશું યોગદર્શન !
અર્ણવોપમ, યોગીન્દ્ર ! નિત્યકાવ્યપ્રહર્ષણ !
કવીન્દ્રોમાં ઋષિ તમે ! ઋષીન્દ્રોમાં તમે કવિ !
કો એવો મન્દભાગી જે આપને ન રહે સ્તવી ?
સ્તવું, વન્દું, પુનઃવન્દું, વ્યાસ ઓ વ્યાસભારતી !
૧૫-૦૯-૧૯૭૨
0 comments
Leave comment