1.2 - એપોલો–૧૧ : એક પ્રતિભાવ / સુંદરજી બેટાઈ


સમૃદ્ધસૌન્દર્ય એ કાવ્યપુષ્પક
ઉન્નિદ્ર ઉત્તાન કવીન્દ્રચિત્તનાં;
તત્વાવગાહી જ્ઞાનવિજ્ઞાનયાન
सत्यं परं ઝંખતા યાત્રિકોનાં
ને કૌતુકે વિશ્વ કણે કણે ખણી
વિદારતાં આ અવકાશ–અંતરો,
ગ્રસી રહ્યાં એ ગતિ કાલનીયે,
ઘસી રહ્યાં ચંદ્રવિમાન ઉલ્લસ્યાં:
અસ્પૃષ્ટ કરો તલસ્પર્શ તાકતાં.

પૃથ્વીય આ છે અવકાશયાત્રિકા
એ ચંદ્ર જેવી જનનીય ચંદ્રની;
લાધેલ સૌન્દર્યસમૃદ્ધિમંડિતા
ખૂંદી ખણી કીધ વિમર્દખંડિતા;
પીડી રહી દુર્ગ્રહ પ્રાણવેદના,
કષ્ટે રહી ચેતના વક્રચંદ્રતા.

કૂદી ઊડી તેં કર્યો ચંદ્ર-સ્પર્શ,
હોશે કદી એ મૃત્તિકાપિંડ માત્ર.
છો હોય એ મૃત્તિકાપિંડ માત્ર !
શું એ નહીં ભર્ગવરેણ્યપાત્ર ?
એ ચંદ્રને વિસ્મિતચિત્તચંદ્ર
‘प्रह्लादनं ज्योति’ કહે કવીન્દ્ર;
વિશ્વાત્મની ‘સંતતિ માનસી’ કહે
ગિર પ્રસન્ના ઋષિ કો’ પ્રસન્નની;
નિવારવા અંતરદાહતીવ્રતા
પીએ ગણી અમૃતકુંભ માનવી:
પ્રસન્નતા એ અવસન્ન ચિત્તની
ના રહે બની નૂતનનિત્ય ચિન્મણિ ?

તારા ભલે ઉદ્હત ચંદ્રયાન હો !
હો શુક્રનો, મંગળનોય યાત્રિક !
જોજે બને ભૂમિય અન્ય લોકની
તુંથી ન સૌંદર્ય સૌભાગ્યછિન્ન !
જ્યાં જ્યાં કરે માનવ, પાયરોપણ,
ત્યાં ત્યાં મનોમય બને ન શું પદ્મરોહણ ?

૩૧-૮-૧૯૬૯


0 comments


Leave comment