1.3 - કન્યાકુમારીને / સુંદરજી બેટાઈ


બિલોરી નેત્રોમહિં બાલકોનાં
માણ્યાં લસ્યાં-ઉલ્લસ્યાં વિશ્વકૌતુકો !
જાણ્યા નાણ્યા ઉત્સવ રંગરંગના,
અનન્ય તોયે વસે વિશ્વનીલિમા.

અચંચલા નીલ શી વ્યોમલક્ષ્મી,
ચલાચલા નીલનીલા ઘનશ્રી,
સદૈવ લીલાગતિ નીલ અમ્બુધિ,
ઓ નીલલક્ષ્મી નમું વિશ્વતોમુખી !

નીલાંકમાં કૌમુદી વ્યોમના યથા,
કન્યાકુમારી, જલે નીલ સિન્ધુના
રાજે વિરાજે તથા વિશ્વ વિશ્વમાં
અખંડ અન્તર્દ્યુતિ નિત્યનીલિમા.

નીલાંબરા દેવિ નમું નમું મુદા,
કન્યાકુમારી, સદા નીરનિર્મલા
શી સિન્ધુને ઊર્મિલ અંક સુસ્થિરા !
વંદું મુદામૌન ! નમું મુદાગિરા !

એપ્રિલ, ૧૯૭૧


0 comments


Leave comment