1.4 - કરો, બસ કર્યા કરો – ! ? / સુંદરજી બેટાઈ


કરો, બસ કર્યા કરો, ચરણ રાખીને ઉદ્ધર,
ગમે નવ ગમે છતાંય વણભોમ શીર્ષાસન !
ધરી વિકટ સંમુખે પવનપુત્રની મૂર્તિ એ,
ભરી દમ ગણ્યા કરો ગણિત દંડ ને બેઠકે !
કમાન, ચક્કર-કમાન બસ નિત્ય ખેંચ્યા કરો !
ઉટાંગ નિત ચોંટ–ને–લસર સજ્જડે મલ્ખમે !

લઈ ચપટી મિટ્ટી લાલ મસળો, ફૂલ્યા બાહુઓ
બજાવો, લઈ બાજ–ઠેક, વખવીંધી આંખે ગ્રસો !
ઉછાળી, બળુકી પછાટ દઈ ભેરુને રહો હસી !
હસી રહી, જઈ ખસી ઘડી, ફરી રહેવું ધસી !

શવાસન કરી, શરાસન રહ્યાં કરી સર્વને
લખ્યાં દફનવાં ચિરંતન શવાસને આપણે ?
લખ્યો શું વિધિએ નથી વિમલ-દ્યોત ચિન્તામણિ
મુદાસુભગ કો' શિવાસન સમાન પદ્માસને ?

૨–૯–૧૯૭૨


0 comments


Leave comment