1.5 - પરંતુ બન્યું હોત જો– / સુંદરજી બેટાઈ
અનેકપથ પાથરી વિકટ ને ઋજુ જાળ શી
ધર્યા–જનમ સર્વનેય સરખી લલાટે લખી !
ચઢાણ વસમાં; પ્રતીપ ઉતરાણ ઊંડાણનાં;
વિલોપન દૃગો તણાં; શ્વસનરોધનો; પાપનાં
અરે સ્ખલન કારમાં કળણ; ટેકણોનાં કદી
ક્ષણાર્ધક અ-પૂર્વદૃષ્ટ સુખ કૌમુદીકામણાં;
વસામવું અચિન્ત્ય લાધ્યું ક્ષણવારકું, તો નડ્યું
વિમાસવું પદેપદે, કસવું જોખ્યું ને જોગવ્યું :
કર્યું અટન કેટલું લઘુક લેઈ ઝોળી ખભે !
અરે લઘુકમાં અસારભર ગોપવ્યા કેટલા !
ઘણે ઘણુંય એકઠું કર્યુંય સારવી-તારવી,
રહ્યું-રહી ગયું ઘણેરું વણસારવ્યું-તારવ્યું :
કરું અટન, ક્યાંય છો અટન–અન્ત દેખું નહિ !
પરંતુ બન્યું હોત જો અટન માત્ર તીર્થાટન ?
(૧૧–૧–૧૯૬૯)
0 comments
Leave comment