1.8 - ઓ મારાં આદ્યા ભૂંગળ-શિક્ષિકા ! / સુંદરજી બેટાઈ


ભૂલું જીવનનું મારું કેમ બ્રાહ્મ મુહૂર્ત એ ?
ઉઠાડ્યો ઊઠતો કેમે મુહૂર્તે બ્રાહ્મમાં હુંયે.

વસમી એ થતી વેળા : ભૂભાસ્ભર આંખથી
પરાણે ખેંચતાં હાંફી જતો ભૂંગળ-ભારથી.

એ પ્રાન્તો, એ શહેરો ક્યાં ? ક્યાં નદી ? ક્યાં સરોવરો ?
કેમે ના ગોઠવાતા એ સ્મૃતિમાં પ્હાડ-ડુંગરો !

પાક-પેદાશમાંથી તો પા-શેરે ન મને મળ્યું !
ગોખ ગોખ કર્યું ઝાઝું–કોઠે છાંટોય ના ઠર્યું,;

અથવા કૈં ઠર્યું તેયે પરખે અવળું નડ્યું !
પીળી એ પુસ્તિકા સાથે ભૂ-જ્ઞાને અવખે પડ્યું.

મથ્યાં પેટાવવા મારું સ્મૃતિનું મન્દ કોડિયું;
પેટી પેટી ઠર્યું પાછું : શું કરું હું ? તમેય શું ?

તમ એ તેજ વાત્સલ્ય ને મારું સ્મૃતિમાન્દ્ય એ
ટક્કરાયાં હશે કેવાં ! થયું જે ભવિતવ્ય તે !

ગંગોત્રી-જમનોત્રી શાં પાવની સ્મૃતિદીપિકા !
વન્દું પ્રથમ ઓ મારાં આદ્યા ભૂંગળ-શિક્ષિકા !

(૪-૯-૧૯૭૨)
(મને પરાણે ભૂંગળ-ભૂગોળ શીખવવા મથતાં મારાં માતામહી)


0 comments


Leave comment