1.10 - –ના વિક્ષેપો ! / સુંદરજી બેટાઈ


પેલાં કેવાં કામ્ય છે ઊતરાણો !
વચ્ચે કેવાં રમ્ય વિશ્રમ્ભ-સ્થાનો !
સામે ઊભાં કારમાં શા ચઢાણો !
શું એ ચીંધે કામણાં ઊર્ધ્વયાનો ?

“જંપો ! ઊઠો !” –ના સમો બોલવાનો :
જંપ્યાં તેને બે ઘડી જંપવા દો;
ઊઠે તેને હોંશથી ઊઠવા દો;
ચાલે તેને ચોંપથી ચાલવા દો;
ઊડે તેને ઊડણો મ્હાલવા દો :
ના વિક્ષેપો રોધ કે બોધના હો !

(૨૦-૮-૧૯૭૩)


0 comments


Leave comment