10 - વાંસળીથી જુદો વાંસનો સૂર / કંદર્પ ર. દેસાઈ


    જાણે કે એક દુઃસ્વપ્ન પૂરું થયું છે. અલબત્ત, એની વિદ્રુપ અને લંબાતી છાયામાંથી બહાર આવતાં ખાસ્સું થાકી જવાયું હતું પણ આજે એક કલુષિત સઘળા સંદર્ભોથી હું મુક્ત છું. જાણે કોકરવરણા પાણીમાં નિરાંતે નાહીને હમણાં જ બહાર આવી હોઉં એવી તાઝગી ને એટલી હળવાશ અનુભવું છું. આ બધો જાદુ જો કોઈનોય હોય તો આ પહાડોનો જ છે. દૂર દિગન્ત લગી પથરાયેલા આ પહાડો અને એનાં આ રજતધવલ નાનાંમોટાં શિખરો ! આ ગિરિમાળાએ જ મારામાં જીવનસંચાર કર્યો છે ફરીથી. આ નિરંતર વહેતી બિયાસે જ શીખવી છે મને આત્મનિર્ભરતા. અડચણોને ઓળંગીને માર્ગ કાઢતા-કરતા રહેવાનો મહિમા એણે જ બોધ્યો છે ખળખળ વહેતાં રહીને ! વળી, અહીં જ મળ્યા છે દુનિયાદારીના બોજથી મુક્ત અને પોતાના આગવા રિધમથી જીવવા મથતા માણસો. નહીં કશી લાચારી કે નહીં અણીદાર અભિમાન ! આ બધાંની વચ્ચે જ સાંપડ્યું છે મને નવજીવન. પેલા સાવ અજાણ યાત્રિકે બ્લડ ડોનેટ ન કર્યું હોત તો, આ પહાડો, આ નદી, આ નીલરંગી આકાશ અને આ બ્લડ-બૅંકની, જીવવું સાર્થક કરતી પ્રવૃત્તિ, અરે, ખુદ પોતે પણ ક્યાં, કેમ કરીને હોત ? ગઈ કાલે જીવનના કપરા વળાંકે ઘટેલી એ ઘટનાના છુટ્ટા ફરફરતા તંતુઓ આજે જીવનવૃક્ષના મૂલાધાર બની ગયા છે અને એની જાણ સુધ્ધાં ન રહી !

   બહુ ધીમેથી, ચુપચાપ આ બધું બનતું રહ્યું. પાકેલા ફળ જેવી સુગંધ ઉમેરાતી રહી. પાનખરમાં ખરતાં પીળાં પાંદડાં જેવી સહજતાથી મેં એ દિવસો, એ માહોલ ને મિત્રોને છોડી દીધા. ઊભી કરી મારી – પોતાની આગવી દુનિયા. મમ્મી-પપ્પા ગયાં પછી એકલી તો પડી ગઈ હતી પણ ટકી જવાયું. લગ્નનો આશ્રય ન જ લીધો. વ્યાવસાયિક આંટીઘૂંટીઓ, પર્વતારોહણ અને બ્લડ-બૅંકની પ્રવૃત્તિઓમાં વીતતા સમય બાદ એવી કોઈ ક્ષણ બાકી ન બચતી જે મને વીતેલી વાતોની યાદ અપાવે. આ જિવાતા સમયે જ વીતેલી ક્ષણ સાથે મને જોડી આપી.

   એક રાત્રે ફોન આવ્યો હતો, ‘એ’ પોઝિટિવ ગ્રૂપના લોહીની જરૂર છે. તરત બે-ત્રણ વૉલેન્ટિયર્સ સાથે હૉસ્પિટલ પહોંચો.’
   પહોંચતા જ ખબર પડી કે એ પેશન્ટ આલોક હતો. જીપને હાઈવે પર ફેટલ અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવર તો સ્થળ પર જ... પણ આલોકની સ્થિતિ પણ ગંભીર જ હતી. ઑપરેશન લાંબું ચાલશે. બ્લડ પૂરું ન મળે તો... ધાર્યું હોત તો એ ઘડીએ જ પાછી વળી જાત પણ હવે હું ક્યાં પહેલાંની સુરભી હતી ? લાગણીઓ ને સંજોગોના દબાણને બાજુએ રાખી કેવળ વ્યક્તિ કે ઘટનાને જોવાની ટેવ મેં કેળવી હતી. આમ મનની ઉપરવટ જઈને સંયત થવું એ જાણે મારા વ્યક્તિત્વનો ભાગ બની ગયું હતું. આલોકની નજરમાં રહેતા આશ્ચર્યને જોઈ શકું છું... શું... આ... એ જ હું ? એની સારવાર વધુ કાળજીભરી રીતે થાય એ માટે મારે તો ફક્ત એટલું જ કહેવાનું હતું કે આ મારા મિત્ર છે. એ તો ઠીક, બીજાં પણ ઘણાં કામ બાકી છે. સૌથી પહેલાં, પ્રતિમાને બોલાવવી પડશે. સવાર સુધીમાં એ આવી જશે એટલે આલોકની દેખરેખ તો જાણે એ જ રાખશે. એ સિવાય પણ – જમવાની વ્યવસ્થા કરવી, જ્યુસ બનાવવો, આવતાં-જતાંને સંભાળવા...

   એક બીમારની સારવાર – કેટકેટલી વસ્તુઓ સાચવવાની – બધું જ સહજતાથી સંભાળી લીધું. પ્રતિમા તો સાવ ડઘાઈ ગયેલી, અસુરક્ષિત અને નિઃસહાય. ન તો એ કશું સમજી શકતી હતી ન કરી શકતી હતી, સિવાય કે આલોકની સામે અસહાય નજરે તાકી રહેવું ! વીસેક દિવસે જ્યારે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો, એ રીતસર પગમાં પડી.

   ‘દીદી, તમે મારું સૌભાગ્ય પાછું આપ્યું.’ સાંભળીને હું આડું જોઈ ગઈ. મારું કાર્ય હવે પૂરું થયું હતું તેથી ત્યાંથીય પાછા વળી શકાત. પણ – આલોકની આંખની ભીનાશનો આદર કરી હું એમનાં ઘરે ગઈ. નાનકડું બેઠા ઘાટનું મકાન. ફરતો એવો જ નાનો બગીચો. ત્રણ રૂમ ને જરૂર પૂરતું રાચરચીલું. ખાસ્સું સાફસૂથરું ઘર. ક્યાંય કશું આડુંઅવળું નહીં, ગૃહિણીનો હાથ જાણે હમણાં જ ફર્યો છે. ઘરમાં ફક્ત બે જણ. પતિની સારી સરકારી નોકરી. બે બાજુની આવક તેથી પ્રતિમાને કશું કરવાપણું નથી.

   - એક ક્ષણ, ફક્ત એક ક્ષણ મને પ્રતિમાની ઈર્ષા આવી. આ બધું મારું હોત. ના, આ મારા હક્કનું હતું. આ નરમ ગાલીચો ને રંગીન ટી.વી. ! એકાદ ડગલું ખોટી દિશામાં મુકાઈ ગયા પછી તરત પાછા ફરવાની આદત કામ લાગી. ના, આ મારું નથી. જો મારું હોત તો ટી.વી. પર ગોઠવેલું ફ્લાવરવાઝ ત્યાં ન હોત. કેમ કે ટી.વી. પર કોઈ વસ્તુ મૂકવી મને ગમતી નથી. આ તો પ્રતિમાનું ઘર. સહજભાવથી કહ્યું, ‘કેટલું સરસ ગોઠવ્યું છે ! બધું એકદમ સાફ ને વ્યવસ્થિત. તારું ઘર સાચ્ચે જ સરસ છે પ્રતિમા.’

   ફિક્કું હસીને પ્રતિમા જોઈ રહી. પ્રશંસા સાંભળીને તેના ચહેરા પર કોઈ ઉમળકો ન આવ્યો. આલોક પણ ચૂપ. હું તો મારા મૂડમાં બોલ્યે જાઉં છું. સોફા કેવા સરસ સચવાયા છે ! મારા એક સંબંધીએ પણ આવા જ નરમ રેકઝીનના સોફા વસાવેલા. પછી શું થયું ખબર છે ? એમના તોફાની બારકસોએ માથે કૂદકા મારી મારીને ફાડી નાખેલા. આવા નરમ રેકઝીનનું શું ગજું કે...’

   અચાનક જ પ્રતિમા રડી પડી. એ પોતાના રુદનને જરાય રોકતી નથી. ઘણા સમયથી દબાવેલું ધ્રુસકું વછૂટી પડ્યું હોય એમ મોકળાશથી રડતી રહી. મારી સ્તબ્ધતાનો પાર નથી. ડૂસકાતાં ડૂસકાતાં એણે હૈયું ખોલ્યું. બીજાશયમાંથી ફળ છૂટું પડતું નથી. છેક મુંબઈ સુધી જઈ આવ્યાં પણ... પ્રતિમા હજીયે રડી રહી છે ને આલોક ચૂપ છે. મારું મન ક્ષણેક ડામાડોળ બન્યું. નજર સામે દેખાયો, લોહી નીતરતો માંસલ લોચો.

   આલોક ભણી જોયું. કેવળ કરુણાનો જ અનુભવ થયો. હું ઊભી થઈને પ્રતિમાને આશ્વસ્ત કરવા એનો ખભો થાબડી રહી. આથી વધુ હું શું કરી શકું ? આ ક્ષણો તણખલે તણખલે બંધાતા માળાની જેમ મનમાં એકત્રિત કરે છે મારા વિગતને...

   કૉલેજના એ દિવસો. વાર્ષિકોત્સવના રિહર્સલ દરમ્યાન ધડૂકતો ઢોલ. ઢોલનો એ ધબકાર આલોક અને હેમંતને મારી નજીક ખેંચી લાવ્યો. લોહીમાં વહેતા લય જેટલી સ્વાભાવિકતા એ મૈત્રીમાં હતી. આલોક અને હેમંત, લગભગ સાથે જ હોય. ત્રીજી ઉમેરાઈ હું. હતી તો એ સ્વાભાવિક મૈત્રી પણ હું જોઈ શકું છું કે આલોક મારામાં વિશેષ રસ ધરાવે છે. મારી સીધીસાદી વાતને પણ એ વિશિષ્ટ માને અને એ માટે ગમે તે કરી છૂટવા મથે. જોકે હેમંત જરા જુદો છે. સહેજ નીચો, મજબૂત બાંધો. ચહેરા પર હળવું વ્યંગભર્યું સ્મિત. બોલવે ચાલવે થોડો રફ. ક્યારેક બ્લેકહ્યુમર પણ કરી લે. ન સમજી શકાતી ચીજો પ્રત્યે બાળકને હોય એવું કુતૂહલ મને હેમંત માટે છે. પણ આ મૈત્રીના આરંભ સમયની અપરિચિતતાનો ભાવ મને એનાથી દૂર રાખે છે. હું ખુશીખુશી આલોકની પીઠ પર ધબ્બો લગાવી દઉં છું પણ હેમંત સાથે હાથ મેળવતાંય સંકોચાઈ જઉં છું. મારો આ સંકોચ શું એના ધ્યાન બહાર હશે ? ન જ હોય.

   જોકે આબુમાં એ સંકોચ પણ ખરી ગયો. પર્વતારોહણના ઍડવાન્સ કોર્સ માટે અમે આબુ ગયાં હતાં. પંદર દિવસનો કોર્સ. પહાડો ચઢવાની તાલીમ લેવી પણ તેથીય વધારે તો મોજમસ્તી કરવી. દિવસને જયાફતની જેમ ઉડાવવો. હું, આલોક ને હેમંત – અમારી ત્રિપુટી બધાંથી તદ્દન અલગ તરી આવતી. એથી જ લગભગ હંમેશા થાય છે એમ જ અમને એક ગ્રુપમાં રાખવાને બદલે જુદાં જુદાં ગ્રુપમાં મૂકી દીધાં. જોકે એ વાતે અમે જરાય દુઃખી ન હતાં કેમકે એ સ્થિતિમાં જ નહીં, એ સ્થિતિનો આનંદ કેમ માણવો તે તો અમારા હાથમાં હતું ને ?

   સખત થકવી દેનારા એ દિવસો. સવારના સાડાચાર વાગ્યાથી શરૂ થતો ભરચક્ક દિવસનો આરંભ જોગીંગ, કસરતો, સફાઈ, નાસ્તો ને પછી ગોટુ ધ પોઈન્ટ. પહાડો ચઢવા ઊતરવા – જુદી જુદી પદ્ધતિઓથી – સ્ટમક રેપલીંગ ને ચીમની ચઢવી. – આ બધું હું પહેલાં શીખી ચૂકી છું. પણ અહીં જરા વધુ કઠિન છે ને રુટ્સ વધુ લાંબા છે. તેથી સ્ટેમીના પણ વધારે જોઈએ. બપોરે મોડેથી જમવાનું ને પછી થોડો આરામ, પછી એક થિયરી ક્લાસ. આંખ આગળ માઉન્ટ એવરેસ્ટ તરવરી ઊઠે ને પછી વળી, પાછું ફિલ્ડ પર. સાંજ પડતા તો સાવ ચૂંથાયેલા, ચોળાયેલા પાણીમાં ભીંજાયેલા ભીનાભદ્દ કાગળ જેવા થઈ જવાય પણ જમ્યા પછી અડધા એક કલાકે કૅમ્પફાયર માટે વ્હિસલીંગ થાય કે તરત રોમેરોમમાં અજબ તરવરાટ ઊભરાઈ જાય. આગની ફરતા બધાં બેસી જઈએ દોડતાંક ને શરૂ થાય જલસો. અમારા ઈન્સ્ટ્રક્ટર બે ખાનાંવાળા માણસ. આખો દિવસ મોઢા પર લશ્કરી શિસ્ત હોય પણ કૅમ્પફાયર વખતે માણસ બદલાઈ જાય. મુઠ્ઠીમાં સળગતી બીડી છુપાવીને બેસતા કલમ રાજપૂત મને હજીયે યાદ છે. કૅમ્પફાયરનો અગ્નિ કજળી જતો પણ અમારો ઉત્સાહ જરાય શમતો નહીં. અંતકડી, ફિશપોન્ડ, જોક્સ ને સાવ નાદાન એવી અવનવી ગમ્મતોમાં રાત ક્યાંય વેરાઈ જતી.

   એ પંદર રાતમાં શિરમોર હતી નાઈટ કૅમ્પીંગની રાત. અમારા બેઇઝ કૅમ્પથી લગભગ બારેક કિલોમીટરનાં અંતરે મોડી સાંજે ચાલતા જવાનું ને પછી નાઈટહૉલ્ટ ત્યાં જ કરવાનો, સાવ ખુલ્લામાં માત્ર તાપણાંના સહારે. દરેકને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી હતી. તે ઉપરાંત દરેક ગ્રૂપે જુદા જુદા સમયે રાત આખી ચોકીપહેરો કરવાનો હતો. તે સમયે મળશે કાળી કૉફી ને બે ટુકડા બ્રેડ. મારા ગ્રૂપની ડ્યુટી પછી હેમંતના ગ્રૂપનો વારો હતો. તેમાં અનિતા એકલી જ હતી. કહે, ‘સુભી, થોડી કંપની આપજેને !’ ભલે, આમેય તરત તો ઊંઘ આવવાની ન હતી. ને વળી, આ સુંદર રાત્રી. ગાઢ જંગલની છત પર ફેલાયેલું તારોડિયું આકાશ. તડ તડ બોલતી તાપણાની હૂંફને ઠારતી આબુની જાન્યુઆરીની કડકડતી ઠંડી. બહુ ઓછી આવે છે એવી રાતો જીવનમાં. વીંછુડો આગળ વધતો હતો ને મારી આંખ ઘેરાવા લાગી. કલાકેક પછી હું ચાલી ગઈ.

   સવારે ઊઠીને ઊંઘરેટી આંખે આલોકને શોધવા લાગી.
   મેં કહ્યું, ‘કાલની રાત કેવી સુંદર હતી ! હું ને હેમંત તો ક્યાંય સુધી જાગતા બેઠાં...’
   ‘શું ?’ શંકાની એક લકીર આલોકના ચહેરાને તરડી રહી.
   ‘હા, મારી ડ્યુટી તો પૂરી થઈ ગઈ હતી પણ એવું સુંદર આકાશ.... થયું કે જોતી જ રહું એટલે...’ હું પૂરું કરું એ પહેલાં જ કહે,
   ‘એમ ? ભલે. પહેલાં જોઈ આવ. કૉફી બની કે નહીં ?’ આલોકના અવાજની બરડતા મને અડકી. હોય એ તો, એવું થોડું છે કે દરેક વખતે એણે મારી વાતોમાં રસ લેવો જ જોઈએ; લઈ જ શકે !

   પંદર દિવસ અરવલ્લીના પહાડોમાં ભલે રખડ્યાં પણ આબુ હજી ક્યાં જોયું છે ? નખી લેઇકમાં બોટિંગ કરવાનું તો હજી બાકી છે. હું કહું છું, ‘રોકાઈશું હજી.’ આલોક રોકાવા તૈયાર છે પણ હેમંત નહીં.
  
   ‘મમ્મીનો ફોન હતો. તરત જ જવું પડશે.'
   ‘ભલે તું જા, હું રોકાઈશ.’ મેં કહ્યું. આલોક દ્વિધાભરી નજરે જોઈ રહ્યો, અમારા બેઉ તરફ. હેમંતે જ એની મુશ્કેલી સરળ કરી આપી.
   ‘સુરભીને સાવ એકલી કેમ મુકાય ? તું રોકાઈ જા આલોક.'

   દિવસો પછી નિરાંતે મઝાથી ન્હાઈ. શરીર આખું જાણે વાળીચોળીને સાફ કર્યું. ભીના વાળને સૂકવવા હું ગેલેરી તરફ જતી હતી. રસ્તો રોકીને બેઠો હતો આલોક. હળવેથી વાળ લહેરાવ્યા એની તરફ ને પરોવાયેલાં મોતી વેરાયાં આલોકના ચહેરે. બહુ ઝડપથી આવેગની એક ક્ષણ પસાર થઈ ગઈ. આલોક ઊઠ્યો. એ જોઈ રહ્યો છે મને. હું હસું છું ને વળતી જ પળે એણે ઉઠાવી લીધી મને. નખી લેઇકમાં બોટિંગ કરવું આને જ કહેતા હશે શું ? થડડડ થડ કરતો નાદ ભીતરથી ફૂટી નીકળતો પણ હવે હું જરાય ખેંચાણ નથી અનુભવતી. ઘૂમરીઓની વચ્ચે જ ઘૂમી રહ્યું છે આ શરીર, આ મન, આ બ્રહ્માંડ, સતત વિસ્ફોટિત લયબદ્ધ આવર્તનોની જેમ.

   આલોક સાથેના સંબંધને એક નવું પરિમાણ મળ્યું ને એ પરિમાણે એક કડી ઊભી કરી હતી. જે કેવળ મને અને આલોકને જ સાંકળતી હતી. હેમંત પાછળ, દૂર રહી ગયો હતો. એ અંતર હેમંતે પારખ્યું. ના, અમારી નિકટતા એણે જોઈ અને ખટકી. અલબત્ત, એ ખટકો હું બહુ મોડો જોઈ શકી. કદાચ વહેલો જોયો હોત તો...

   લાઇબ્રેરીમાં એક ખૂણામાં બેસી પુસ્તકની આડશે મેં મારું મ્હોં છુપાવ્યું હતું. ‘તને એક સમાચાર આપવાનાં છે આલોક.’
   ‘શું ?’ વાંચતા લય તૂટે એ એને ગમતું નથી એટલે ખાસ કુતૂહલ દાખવ્યા વિના ટૂંકાણમાં પતાવ્યું. થયું કે વાત કરું જ નહીં પણ હવે કહ્યા વિના ચાલે એમ નથી. જો દિવસો આમ જ વીતતાં જાય તો –

   મેં પુસ્તક હઠાવ્યું. એનાં મ્હોં પર નજર ઠેરવીને એની હથેળી પર હાથ મૂકી કહ્યું, ‘હું મા બનવાની છું, તારું બીજ મારામાં અંકુરિત થઈ રહ્યું છે આલોક !’ ઝટકાભેર એણે હાથ ઉઠાવી લીધો ને લમણા પર વાગતાં પથરાની જેમ એક નર્યો સવાલ અથડાયો. ‘મારું કે હેમંતનું ?'

   દૂર દૂર ઊંડી ખીણમાં ફેંકાઈ ગઈ ! મહાપરાણે માંડમાંડ બોલી શકી !
   ‘હેમંતનું ? તું શું...’
   ‘હા હા, મને બધી ખબર છે. એણે જ મને કહ્યું. મારા પહેલાં તું એની સાથે.... યાદ તો છેને પેલી નાઈટ કૅમ્પીંગવાળી રાત.’ એક એક શબ્દ સુરંગ સમો ફૂટતો હતો. કાળાધબ્બ એના ચહેરા પરથી નરી કડવાશ ટપકતી હતી, ‘કેવી સરસ તારાભરી રાત હતી એ... ખરુંને ?'

   હું ઊભી થઈ ગઈ. કશાય અવાજ વિના એક તિરાડ છેક અંદર સુધી લંબાઈ ગઈ. પેટ ઉપર હાથ મુકાઈ ગયો. કેવા અને કેટલા અભરભર્યા વિશ્વાસથી મેં અમારા અનામ શિશુને કોલ આપ્યો હતો ! હું અવતારીશ તને અમારી આ સ્વપ્નભૂમિ પર. આ માટી, આ નદી ને પહાડો પર ઘુમાવીશ. આપણે સાથે ચઢીશું કેડીઓ ને ઓળંગીશું દુર્ગમ શિખરો. પણ... પણ.... પગ તળે જમીન જ ન રહી.
  
   એક ક્ષણ તો થયું કે હું શા માટે જીવું છું ? મેં જે વિશ્વાસભંગ અનુભવ્યો છે તે સાક્ષાત્ મૃત્યુ નથી તો શું છે ? એ ક્ષણે જ અનુભવાયું કે હું હેમંત અને આલોકની કેટલીક નજીક હતી ? મારી લગભગ બધી જ પ્રવૃત્તિઓ એ બેની આસપાસ જ ગૂંથાયેલી હતી ને એકાએક સઘળી માયા દૂર થઈ ગઈ ને છવાયેલો અવકાશ છતો થઈ ગયો. આ અવકાશ ભરી શકાશે ? મારા ભાગે તો આવ્યું છે જીવવાનું, અસહ્ય ખાલીપણું જીવવાનું ને જીરવવાનું.

   જાણે કે મરણેચ્છાને વશ હું નીકળી પડી હિમાલયમાં ટ્રૅકીંગ માટે, ઍબોર્શન પછી તરત શ્રમ ઉઠાવવાની ડૉક્ટરની મનાઈ છતાંય મનમાં હતું, બહુ બહુ તો શું થશે ? મરી જવાશે એટલું જને ! એમ થશે તોય એક અંતે તો પહોંચાશે પણ બન્યું સાવ ઊલટું. હિમાલયનાં સાંનિધ્યમાં મેં જાણે નવું જીવન મેળવ્યું. દેવહુમાની જેમ હું મારી જ રાખમાંથી બેઠી થઈ. સમૂહમાં જીવવાનો એક નવો જ અનુભવ, એકમેકની કાળજી લેવી, મદદરૂપ થવું – આ દુર્ગમ પહાડોની વચ્ચે માત્ર વિશ્વાસના સહારે જીવવું... મારામાં એક નવી જીવનશ્રદ્ધા ઊગી. કુંઠિત આત્મવિશ્વાસને કૂંપળો ફૂટી અને જાણે હું પુન:જીવન પામી. આ કઈ રીતે થયું તે હું નથી જાણતી. જાણવા ઇચ્છતીય નથી ને છતાં એ રહસ્ય મને સતત ખેંચી રહ્યું છે. વરસે વરસે હિમાલયની કોઈ અજાણ પર્વતમાળામાં ચાલી આવું છું. પેલા અજ્ઞાત તત્ત્વ સામે સંવાદ સાધવા મથું છું. જે ખોલે છે મને, મારા મનમાં ઊંડાણને. એમ આ સૃષ્ટિની અકળતાને અનુભવવા જાણે ઊઘડે છે કોઈ દિશા !

   – પણ આજે જ્યારે બિયાસને કાંઠે બેઠી બેઠી વિચારું છું તો થાય છે, આ મારું પલાયન તો નથીને ? જીવનથી હું ભાગી-છટકીને તો નથી આવીને ?
   સાજા થયા પછી પણ આલોકનું મળવું ચાલું રહ્યું. ક્યારેક એકલો, ક્યારેક પ્રતિમા સાથે. લાગે કે કશુંક કહેવા મથે છે પણ કહી શકે નહીં. પણ એક સાંજે પોતાના દુઃખની વાત કરતાં, વીતેલાં સ્નેહસંબંધને યાદ કરતાં ખુલ્લા દિલે માફી માંગી. ‘આવી મૂરખાઈ તો હું જ કરું, હેમંતની વાત સાચી માની લીધી ને મારી - આપણી લાગણીનું ગળું ટૂંપી દીધું. ના, એ બાળક મારું જ હતું !’ જરાક અટકીને કહે, ‘હેમંતે જ કહ્યું હતું. એણે તો ખાલી ગપ્પું જ માર્યું હતું. પોતે વધારે સબળ પુરુષ છે એવું બતાવવાની નરી બડાઈ ! મેં આપણી વાત કરી હતી એના જવાબમાં એણે ઉપજાવી કાઢી હશે.’

   બેઉ હાથે કાન દાબી દઉં છું. અંદર જાણે કે જ્વાળામુખી ધખધખે છે. બધું ગરમ ગરમ ઉપરતળે થઈ રહ્યું છે. થાય છે, ક્યાંક લાવા બહાર ધસી આવશે તો... આ વાત છેક આજે, પેલા અકસ્માતમાં મેં સેવા-સહાય કરી એટલે જ કે... વાસ્તવિકતા, સત્ય, તથ્ય સમયે પ્રગટવાં, બલ્કે સ્વીકારાવાં જોઈએ. આ પુરુષો – છલ, રમત ને માયાજાળ. એ વખતે હેમંતે કહેલું તો એની વાત સાચી માની લીધી. આજે હેમંતે ફરી પહેલાંથી કશુંક જુદું કહ્યું તો એ પણ સાચું... શું આલોકને પ્રશ્ન જ નહીં થતો હોય કે હેમંત ક્યારે સાચું બોલ્યો ? હેમંતે આલોકને જે કંઈ કહ્યું તે એણે સ્વીકારી લીધું ! એને પ્રશ્ન પણ ન થયો ? જે સુરભી સાથે એણે પરમ આત્મીય ક્ષણોનો અનુભવ કર્યો હતો એ સુરભીને, એક ડંફાસ મારતાં મિત્રની વાત માની લઈને મનથી ઉતારી દેવાની અને વળી, પાછા એ જ મિત્રના કહેવાથી આ સુરભીને સોનાની માની લેવાની ? જો એમ જ હોય તો સુરભીનું ખુદનું શું ? શું સુરભી ગણિતનો કોઈ કૂટપ્રશ્ન છે કે તેનું પદ આમ માંડો તો જવાબ આમ આવે ને પદ તેમ માંડો તો જવાબ તેમ આવે. અરે, સુરભીની વાત જવા દો, આલોકની પોતાની પણ કોઈ પ્રતીતિ ખરી કે નહીં ? આ તો નર્યું લંગર વગરનું વહાણ જાણે ! ને આલોક એ પણ જાણતો હશે કે હેમંતે મને પ્રપોઝ પણ કર્યું હતું ? સળસળ કરતી જ્વાળા ભભૂકે છે. આ હેમંત – કાળા વ્યંગ જેવી કાળી મનની ચાદર... આ એની રમત હશે શું ? કદાચ એનો સ્વભાવ પણ હોય. શાંત જળમાં પથરા ફેંકી વમળો પેદાં કરવાં. અમસ્તોય એ તો હવે રાજકારણમાં પડ્યો છે – વારુ, પણ આલોકનું શું ? એના આ અફસોસ પાછળ પણ કોઈ હેતુ નહીં જ હોય એની શી ખાતરી ?

   ધીરેથી હાથપગ પસારતાં કાચબાની જેમ એની વાત ખૂલે છે. કોઈ ને કોઈ બહાનું શોધી મળતાં રહેતાં એક દિવસ વાતનું મ્હોં પણ બહાર આવ્યું. કાફેમાં બેઠાં હતાં. કહે, ‘સુરભી, હજી પણ એક બાળક આપણું હોઈ શકે –' પહેલાં તો એ શું કહે છે એ હું સમજી જ ન શકી પણ પછી તો જીવ ચૂંથાવા લાગ્યો, જાણે વાસી ધાન ખવાઈ ગયું ! અહીં જ ઊલટી થઈ જશે કે શું ? પણ આ તો બોલ્યે જ જતો હતો – ‘મને ખબર છે સુરભી, તું મને હજીયે ચાહે છે. ચાહે છેને ? ને જો મારા ગુનાનો બદલો મને મળી જ રહ્યો છે. મને પ્રાયશ્ચિત્ત કરવા દે. તું કહે તો તને પત્નીનો દરજ્જો આપીશ ને ઇચ્છે તો માતૃત્વ છાનું રાખીશું. બસ ફક્ત એકવાર, મારું પોતાનું બાળક, હું પુરુષ છુંને ?’

   એ મને પૂછે છે પણ તાકે છે કોઈ બીજી તરફ. દિવસોથી દબાયેલી વાત – તો આ જ હેતુ એનો ? આલોકના ચહેરે મને છાણમાં ખદબદતી સફેદ જીવાત દેખાઈ. મને થયું હવે ભલે જેવો છે તેવો પૂરો પ્રગટ થઈ જાય. મેં પૂછ્યું :
   ‘તેં પ્રતિમાને વાત કરી છે ? પૂછ્યું છે ?’
   ‘એમાં એને શું પૂછવાનું ?’

   મેં આલોક સામે જોયું, એની આંખોમાં નજર નોંધી. નથી પિતૃપદ માટેની વ્યાકુળતા, વિહ્વળતા કે નથી કશી આર્દ્રતા ! પ્રતિમા સાથે ઉચ્ચારેલાં સપ્તપદીનાં વચનો પણ એને યાદ હશે કે કેમ એ સવાલ પણ નિરર્થક છે. હા, એના ચહેરે છે એક અભિમાન, પુરષ હોવાનું ને તેની પાછળથી ડોકિયાં કરે છે એક પશુ. શિકાર ફસાય તેની રાહ જોતું રાની પશુ ! તેને પિતા થવું છે ! હુંહ. સારું થયું હું બચી ગઈ ! એને પિતા થવું છે પણ પતિ નહીં. આવા કરોડરજ્જુ વિનાના માણસના હાથમાં કદાચ મારું બાળક સલામત હોત, હું નહીં. તોય, છેલ્લે એક સવાલ પૂછવાનું ટાળી ન શકી.

   ‘શું કરે છે હેમંત ? એને તો ખબર હશે ને તારા આ પ્રાયશ્ચિતની? કદાચ સુઝાડ્યું પણ એણે જ હશે નહીં ?’
   આલોકનો ચહેરો ઝંખવાઈ ગયો. હું મારા ઘર તરફ વળી.

   તે પછી પણ એ આવ્યા કરે છે. એ જ જૂનો પુરાણો આગ્રહ મમતાથી દોહરાવે છે. જુદી જુદી લાલચો દેખાડે છે. આટલા રૂપિયા મૂકીશ, મકાન લઈશ, પ્રતિમાને ડિવોર્સ આપીશ. એના પ્રયત્નો મિથ્યા છે. મારા મૌન સામે અથડાઈને પાછા પડે છે. એ પરાજય સ્વીકારી શકતો નથી તેથી એ દાવ બદલે છે. પ્રેમનું દબાણ. ગળગળો થાય છે. આજીજી કરે છે. એને આંખો ભીની કરતાં આવડે છે પણ નજરમાંની પેલા પશુની રાનાઈ અછતી રહેતી નથી. મને થાય છે કે એને વાસ્તવિકતાનું ભાન કરાવી દઉં ! પણ ચૂપ રહું છું. દયા માત્ર, સહાનુભૂતિ પણ ન પ્રેરી શકતા એના આવા વર્તનથી કંટાળી જતાં હું નીકળી પડી, મને અત્યંત પ્રિય એવા આ પહાડોના સાંનિધ્યમાં !

   નિરભ્ર આકાશ અહીં શિખર પરથી વધુ નજીક, વધુ આત્મીય ને વધુ સ્વચ્છ લાગે છે. મારું મન પણ શાંત અને સાફ થતું જાય છે. આવેગના તાણાને વિચારના વાણાથી અલગ પાડી શકું એવું સાફ સ્વચ્છ લાગે છે. પ્રદૂષિત જગત પાછળ રહી ગયું છે અને આ હિમધવલ ઉન્નત ગિરિ શિખરો ! કેવું અને કેટલું અફાટ સુખ વેરાયું છે આ એકાંત ભૂમિ પર ! થાય છે કેવી પરિવર્તનશીલ અને ક્ષણભંગુર છે આ જિંદગી ! ગઈકાલે હતું તે આજે નથી ને આજે છે તે કદાચ આવતીકાલે... ગઈકાલે હું જેની સામે યાચકની સ્થિતિમાં હતી એ જ આલોક આજે મારી સામે ઊભો છે, આ ઘૂંટણીયે પડ્યો છે ને બે હાથ જોડી યાચી રહ્યો છે ! પણ એ જે માગી રહ્યો છે એ તો હું પોતાને મિટાવીને જ આપી શકું અને હું પોતે મટી જઈને દાતા થવાનો દંભ નહીં કરું ! એ ભલે આવે મારે ત્યાં, હું સહી લઈશ એને, આખરે મનુષ્ય તો છે જને ? પણ - એ બે હાથ જોડી ઊભો છે. એને કેમ કહું કે મનુષ્યના આ બે હાથ આમ દંભપૂર્વક જોડવા માટે નથી.
[‘શબ્દસૃષ્ટિ’ ડિસેમ્બર, ૧૯૯૭]


0 comments


Leave comment