2.32 - સૂર્યની તો સીધી ચોખવટ હોય છે / હેમેન શાહ


સૂર્યની તો સીધી ચોખવટ હોય છે,
ચાંદનીમાં જરા બસ કપટ હોય છે.

હોય રમણીય રસ્તાઓ જે સ્થળ ઉપર,
માર્ગ ત્યાં શોધવાનું વિકટ હોય છે.

જિંદગીભર ઉકેલાઈ શકતો નથી,
મર્મ જે જન્મ વખતે પ્રગટ હોય છે.

ચિત્ર પર ધૂળનો રંગ લાગી ગયો,
કોણ જોનારમાં ઝીણવટ હોય છે?

રોજ દીવાને ટાણે ખજાનો ખૂલે,
ગામને ચોતરે માણભટ હોય છે.


0 comments


Leave comment