2.36 - લાગતું દેખાવે ભાતીગળ, બધું સરખું જ છે / હેમેન શાહ


લાગતું દેખાવે ભાતીગળ, બધું સરખું જ છે;
વાયુ, પૃથ્વી, અગ્નિ, જળ, કૂંપળ બધું સરખું જ છે.

રંગની એકાદ કેડી પકડી લેજો બાગથી,
એ પછી સ્થિર હોય કે ચંચળ, બધું સરખું જ છે.

ડગ ભરો, ભોંઠા પડો, તો કોણ હસતું હોય છે?
યુગ-યુગાન્તર થાય તો પણ છળ બધું સરખું જ છે.

એ જ સંદેશો, ભલે ભાષા હશે જૂની-નવી,
જીર્ણ મૂળાક્ષર હો કે ઝાકળ, બધું સરખું જ છે.

હોય છે ગજગ્રાહ તો સાંપ્રત સમયની ઓળખાણ,
તે છતાં કાળાન્તરે કેવળ બધું સરખું જ છે.


0 comments


Leave comment