2.38 - જશો અરધે રસ્તે તો દરવેશ મળશે / હેમેન શાહ


જશો અરધે રસ્તે તો દરવેશ મળશે,
જવું ત્યાંથી ક્યાં એનો આદેશ મળશે.

ન દેખાય ધ્રુવનો સિતારોય જ્યારે,
કરો બંધ આંખો તો નિર્દેશ મળશે.

પરસ્પર વિરોધી વિવિધ ધાતુઓને
તમારા શરીરે સમાવેશ મળશે.

નવેસરથી આખા સજાવેલ ઘરમાં,
મનુષ્યોનો જૂનો પહેરવેશ મળશે.

નથી સ્થાન દઈ શકતું માણસની ઓળખ,
જશો સરયૂ-તીરે ને લંકેશ મળશે.


0 comments


Leave comment