2.39 - સ્પષ્ટ સઘળું થાય છે જાગ્યા પછી / હેમેન શાહ


સ્પષ્ટ સઘળું થાય છે જાગ્યા પછી,
માગવું શું? જાગૃતિ માગ્યા પછી.

એક ખટકો જિંદગીભર રહી જશે,
પાછું વાળી ના જુઓ, ત્યાગ્યા પછી.

એક ઘાએ ખેલ પૂરો ના થયો,
ખૂબ તરફડવું પડ્યું, વાગ્યા પછી.

યા તો કૂદો આંખ મીંચી આ ક્ષણે,
યા તો બસ ઊભા રહો તાગ્યા પછી.

વાત અધવચ્ચે મૂકી ચાલી ગયો,
બોજ બેહદ આકરો લાગ્યા પછી.


0 comments


Leave comment