8 - મહોદ્ગાર / કિશોર જાદવ


    ભીનાં કપડાં કાઢીને ખીંટીએ ટીંગાવ્યાં. ઘણાં વર્ષો પછી અહીં હું આવતો હતો. મારી બુઢ્ઢી માએ અઢળક હર્ષથી મારાં ઓવારણાં લીધાં. મારી બહેનનાં સાસુ, આંગણામાં બેસીને, સૂર્યના ઠંડા તાપમાં, કશાક ઘરકામમાં પરોવાયેલાં હતાં. એમણે પણ ભારોભાર આદરની લાગણી પ્રકટ કરી. હું મારી આડાઈને લીધે કદી પણ પહેલાં અહીં આવતો નહોતો. એમનો પુત્ર નઠારો હતો. એથી મારી બહેનના પ્રશ્નનો ઉકેલ, મેં આડરીતે તાણી રાખ્યો હતો. પણ એનો ય જાણે આપોઆપ ફેંસલો આવી ગયો હતો. (એમાં કદાચ મારા મોટાભાઇનો હાથ હોય!) પણ મારે લીધે જ એમની તરફેણમાં, એ બધું પાર ઊતરી ગયું હોય એમ, એમણે મારા પ્રતિ અહોભાવની લાગણીથી મને નવાજ્યો. ત્યારે, બહાર ક્યાંક કશીક ધમાલ મચી રહી હોય એવો શોરબકોર સંભળાયો.

    ક્ષણવાર બાદ, મારી બહેન આવી. એટલામાં ત્યાં કોઈ નહોતું. એની લાલચોળ આંખોને મેં જોઇ. એણે કશીક દુર્ઘટના રજૂ કરી. એના પોતાના વિષે નહિ. પણ અમારા અસલ રહેઠાણના અમારા પડોશીનો દીકરો કયાંક દૂર જઈને પાછો ફરતો હતો. એના મોટાભાઈ અને સામે લેવા ગયા હતા. (અમારા એ અસલ ઘેરથી ચાર પાંચ માઇલ પર દૂર, હું એકલો નાનપણમાં નિશાળે ભણવા જતો. ત્યારે શિયાળાના ટૂંકા દિવસોને લીધે પાછા ફરતાં, અંધારું થઈ આવતું. એથી મારા ઘરડા બાપુ મને સામે લેવા આવતા; કારણ કે રસ્તો બીક લાગે એવો હતો.) મારી બહેનની આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં હતાં. એ આગળ બોલવા પામી નહિ.

    'રસ્તામાં એ મરી ગયો ? શું થયું પછી ?' મારાથી નહિ રહેવાતાં, હું બોલી ઉઠ્યો. પણ એનો કશો જવાબ એ વાળી શકી નહિ.
   બીજી ક્ષણે હું પાસેના જુદા ઘરમાં આવ્યો. નજીકના ઓરડામાં, કોઇકના હાથે રકાબી-પ્યાલા ભાંગવાનો અવાજ સંભળાયો. હું જ્યાં હતો ત્યાં બે અજાણી વ્યક્તિઓ હતી. કદાચ, એમના હાથે રકાબી-પ્યાલા ભાંગતાં મેં સાંભળેલાં. એમાંના જુવાને સરખા એકે લીલાશ પડતા રંગની ‘જર્સી’ પહેરેલી હતી, મોટી ઉંમરનો બીજો, બાંકડા જેવી ખુરશીમાં બેઠેલો હતો. એના હાથમાં ‘રિવોલ્વર’ જેવું કંઈક હતું. જુવાન ગભરાયેલો લાગ્યો. એથી મેં મારી નાનકડી રમકડાની ઠચાકડીને, બાજુ પર કાઢીને બે ત્રણ વાર ફોડી. (અણીના સમયે. એકાએક આવી ઠચાકડીને સામે ધરીને, દુશ્મનને ચોંકાવી દેવા, એ ઉપયોગી થઈ પડે એમ હતી.) મોટી ઉંમરનાએ, એની રિવોલ્વરને મારા હાથમાં મૂકી. રિવોલ્વરના હાથા પર જડેલી પિત્તળની ટૂંકી સાંકળના છેડે નાની કડી હતી. એમાં મારી આંગળી દાખલ કરવાનો મેં પ્રયત્ન કર્યો. પણ ખોટી આંગળી હું પરોવી રહ્યો હતો. એ જોઈને, પેલાએ મને શીખવાડવાની ચેષ્ટા કરી. પણ એમાં નિપુણ હોવાનો મેં ડોળ કર્યો. ને કડીને ખેંચી. એ સાથે રિવોલ્વર ફૂટી (યા નહિ) એ મને સમજાયું નહિ.

   બાદમાં, પેલા જુવાને મને કંઇક પૂછયું. એના જવાબમાં હું બોલ્યો: “હું ઈમ્ફાલ રહું છું...” (જાણી-બૂઝીને મેં, હું જ્યાંથી આવતો હતો એ ખરી જગ્યા નહિ જણાવતાં, એની આસપાસનું શહેર બતાવ્યું; કારણ કે, મારે માથે ભય હતો.)

   ‘અહીં સખત ગરમી લાગે છે...' (જો કે એટલી બધી લાગતી નહોતી, છતાં અત્યંત ગરમી લાગતી હોય એવો ડોળ કરતાં હું બોલ્યો; કારણ કે હું ઠંડાગાર એવા પહાડી પ્રદેશમાંથી આવતો હતો...) “અમે વાદળોમાં રહીએ છીએ.”

    “જન્તિયા...?" બન્ને બોલી ઊઠયા. (જન્તિયા પહાડનું નામ. એ મને યાદ આવ્યું.) પણ એનો મેં કંઈ પ્રત્યુત્તર આપ્યો નહિ. ત્યારબાદ, જુવાને મારા મોટાભાઈ વિષે પૂછપરછ કરી. એમની એને ધાસ્તી હોય એમ એના પૂછવા પરથી મને લાગ્યું. મેં એને ઘટતી જાણકારી આપી. એથી પેલાએ, મારા મોટાભાઇનો નાહકનો ભય સેવ્યો એવી જાતનું અસ્પષ્ટ વર્તન દર્શાવ્યું. હું એમનાથી છૂટો પડયો. ત્યારે, મોટી ઉંમરની વ્યકિત, દીવાલ તરફ એની વિચિત્ર “રિવોલ્વર” વડે ધનાધન ગોળીઓ છોડવાની વકી કરતી હોય-છોડી રહી હોય એમ લાગ્યું. એની તરફ પીઠ રાખીને, લાંબી પરસાળમાં હું આગળ વધ્યો. પાછળ ફરીને મેં જોયું તો પેલો જુવાન, મારી પાછળ એની પીઠ રાખીને હોટલનો ચાવાળો હોય એમ, પાછળ-પગે આવી રહ્યો હતો-જાણે મારો બચાવ કરવા. ત્યારે મને ભાન થયું કે ખરેખરો ભય એને માથે નહિ પણ મારે માથે તોળાયેલો હતો. હું ફરીથી આંગણામાં આવ્યો. ત્યારે, હજી પણ મારી બહેનનાં સાસુ, એમના એ જ ઘરકામમાં ગૂંથાયેલાં હતાં. એમના પતિને હું મળવા માગતો હોઉં એમ એમણે મને જણાવ્યું : “હમણાં આવશે. આટલામાં કયાંક ગયા છે તે.,' (મારી બહેનનો પ્રશ્ન હજી પણ એવો જ સળગતો હોય, ને એનું નિરાકરણ લાવવા અહીં હું આવ્યો હોઉં એમ, મારા આગમનનું એટલું જ મહત્ત્વ વ્યકત કરતાં, આશાય્રેશમાં એ બોલ્યાં : કારણ કે આ બાબતમાં એમના પતિ સાથે પહેલાં, મારે વાટાઘાટો કરવાની હતી.)

    અને જઈને, હું ચોગાનમાં નાખેલા ખાટલામાં ગોઠવાયો. મારી પાસે મારા એક નિકટના સંબંધી બેઠેલા દેખાયા. નજીકમાં જોયું તો મારા બાપુજી હતા. એ ગુજરી ગયા નહોતા-અત્યંત હ્રદયશીલ, મારા બાપુજી. અમારી પાછળ, ક્યાંક માણસોનાં ટોળાં ફરતાં હતાં. કયાંક ધમાલ હજી ચાલુ હતી.

    મારા સંબધીએ, એમના હાથ-પગ પર, અહીંતહીં લોહીના ટશિયાનાં રૂઝાઈને વળી ગયેલાં ભીંગડાં મને બતાવ્યાં. એમનું જમણું ગલોફું ફૂલી આવ્યું હતું. એવી જ રીતે આખા ચહેરા પર છૂટા છવાયાં લોહીના કાળા ખોપટાં જણાતાં હતાં. “ઊંધો પડી ગયો ત્યારે તો આખો ચહેરો લોહીલુહાણ થઈ ગયેલો.’ એ બોલ્યા. ઈશ્વર કોઇને છોડતો નથી, એમ હું મનોમન બોલ્યો. (મારા એ સંબંધીએ મારી નિઃસહાયતા અને લાચારીનો ગેરલાભ ઉઠાવીને મારી ઘરવખરી પચાવી પાડી હતી. જયારે એની મેં માગણી કરી ત્યારે, એ નામક્કર ગયા હતા અને ખંધાઈપૂર્વક અને પાણીચું બતાવ્યું હતું.)

    હું વર્ષોથી જાણે નાહ્યો નહોતો. મેલની મારા પગ પર પડેલી કાળી-ધોળી ભાતને, હાથ વડે ઘસીને હું ઉખેડવા લાગ્યો. ત્યારે મારા નિકટના સંબંધીએ લાગણીવશ બનીને, તેમજ મારા બાપુજીએ મને નાહી લેવાનું કહ્યું.

    ત્યાંથી, મારા બાપુજી સાથે, ત્રીજા જ ઘરમાંથી નીકળીને પછવાડે વાડાને ઓળંગી, ખપાટિયાંની દીવાલમાં નાની બારી હતી એમાં હું દાખલ થયો. ત્યારે એકાએક મેં જોયું તો અર્ધનગ્ન હતો. પેલી બે અજાણી વ્યકિતઓ મને જયાં ભેટી હતી એ જ આ ઘર હતું એમ મને લાગ્યું. મારી બુઢ્ઢી મા નહોતી. વાંકા વળીને, સાવરણીથી એટલામાં જામેલા ધૂળના થરને હું સાફ કરવા લાગ્યો. તૂટી ગયેલાં રકાબી-પ્યાલાના ટુકડાઓ મેં જોયા. બાદમાં અકબંધ રહી ગયેલી ત્રણ કોરી રકાબીઓ નીકળી આવી. એ બચી ગઈ હતી એમ મેં વિચાર્યું. ફક્ત પ્યાલાઓ જ ભાંગ્યા હતા.
 
    ‘જુઓ આ પ્યાલાઓ ફોડી નાખ્યાં છે પેલાઓએ..’ મારા બાપુજીને મેં જણાવ્યું. એ ત્યાં હતા નહિ. ‘એ આપણા નહોતા અથવા તો એ લોકોએ ભાંગ્યા નહોતાં.' એવી જ મતલબનું બોલતા મારા બાપુજીનો અવાજ સંભળાયો. ત્યારબાદ, એ જાણે મારી પાસે આવીને, આખી રકાબીઓ અને તૂટેલા પ્યાલાઓના ટુકડાઓ જોઈને બોલ્યા : ’જ્યાં દીવો પેટાવવો જોઇએ ત્યાં પેટાવતા નથી અને જ્યાં દીવો નહિ પેટાવવો જોઈએ ત્યાં દીવો પેટાવે છે.’
* * *


0 comments


Leave comment