4.21 - મારું મન બન્યું આજ પાગલ / રાજેન્દ્ર શાહ


મારું મન બન્યું આજ પાગલ,
આષાઢ કેરા વાયરે દોડે
આભ ઘેરી જ્યમ બાદલ.

ધૂળની ધરે ડમરી, ઝરે
ક્યાંક અવિરમ હેલી,
વનમાં પેલાં વિહગ ભેળું
જઈને કરે કેલી,
કોઇની નેણે વીજ ભરે, ને
કોઈનાં લૂછે કાજલ.
મારું મન બન્યું આજ પાગલ.

પ્હાડમાં ગાજે ઘોર ને તોયે
વાંસની વાય છે વેણુ,
કૈંક અડીખમ તોડતું, ચૂમે
કોઈની ચરણ રેણુ.
ચાંદની કેરાં જલ ડો’ળે ને
દાખવે ગગન તારલ.
મારું મન બન્યું આજ પાગલ.

આજ તો ઘેલું મન મારું આ
કોઈ ન માને બાધા,
આકુલ એના પ્રાણની જાણે
કોઈ મળી ગઈ રાધા;
જગ-જમુના-તીર હો નાચે
આજ બની ઘન શ્યામલ.
મારું મન બન્યું આજ પાગલ.


0 comments


Leave comment