4.22 - વાયરે ઊડી ઊડી જાય રે પટોળું / રાજેન્દ્ર શાહ


વાયરે ઊડી ઊડી જાય રે પટોળું;
એવું એવું રે અડી જાય કે અમૂંઝણે
મૂંઝાઈ રે’છ મન ભોળું.

પૂંઠે રે મેલી ક્યાંય મારા ઘરની ગલી,
દૂર છે હજી ય ઓલી ખેતરની આંબલી,
અડધે તે મારગે એકલ હેરાન થાઉં
કોની તે સંગ ઉર ખોલું?

છાતી ઢાંકું ને ઊડે માથાનો છેડલો,
ઢીલો તે જાય વળી છૂટી અંબોડલો,
મહુડાની ડાળીએ બેઠેલું કોઈ, મને
જોઈને રિઝાય છે હોલું.


0 comments


Leave comment