4.23 - કેવડાને ક્યારે / રાજેન્દ્ર શાહ


કેવડાને ક્યારે,
વનરાને રાન આરે,
હીરાગળ ઓઢણી ઊડી ઊડી જાય;
પતંગિયા ! એ’માં તે શું અટવાય !
એનો છેડલો મેલ્ય,
કેડલો મેલ્ય !

આભે ગોરંભ્યો મેહુલો ને માંહીં વીજ રમે અલબેલ,
વાયરાની સાથે જ મેદિની, જેવી મોરલાની સાથે ઢેલ,
પદમણી ! વેણ મારું પાછું મા ઠેલ્ય,
મા ઠેલ્ય ! –
એનો છેડલો મેલ્ય...

મસ મસ ફૂલડે મ્હોર્યો કદંબ ને મ્હોરી છે નાગરવેલ,
સીમાડે સીમાડે પંખીનાં ગાનમાં નાખી જોબનિયે ટેલ,
પદમણી ! વેણ મારું પાછું મા ઠેલ્ય,
મા ઠેલ્ય ! –
એનો છેડલો મેલ્ય...

નહિ આગલા નહિ પાછલા ગોરી ! વચલા તે ચાર દિનો ખેલ;
તારા તે હૈયાની હેલમાં રૂપાળો લાધ્યો મને છ રંગ મ્હેલ,
પદમણી ! વેણ મારું પાછું મા ઠેલ્ય,
મા ઠેલ્ય ! –
એનો છેડલો મેલ્ય...


0 comments


Leave comment