4.26 - મારું પહેલા પરોઢનું સોણલું / રાજેન્દ્ર શાહ


મારું પહેલા પરોઢનું સોણલું
નાનેરી જિંદગીના સૂના આવાસમહીં
આવ્યું કો જાણે પરોણલું...
હાંરે મારું પહેલા પરોઢનું સોણલું...

સૂતેલા પ્રાણ મારા જાગ્યા ઉમંગમાં,
નયનાં વિલોલ મારાં રમતાં કંઈ રંગમાં,
મૂંગી વાણી તે વળી ટહુકી નવ છંદમાં,
પાછલી તે રાતનાં આછાં અજવાળિયાંમાં
મલક્યું શું મન કેરું પોયણું ?...
હાંરે મારું પહેલા પરોઢનું સોણલું...

બહોળા નિહાળું માનસરના તરંગને,
તીરે સુણે હું કોઈ અભિ-આગત હંસને,
રજનીની રાણી ઝરે મીઠી સુગંધને,
આજે આનંદને ન બંધ, લોકલોકમાં
ઝીણું લહરાય મારું ઓઢણું...
હાંરે મારું પહેલા પરોઢનું સોણલું...


0 comments


Leave comment