3.18 - ગીત ૧૫ ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર ! / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


   મનુષ્ય જીવનમાં સુખદુ:ખની ઘટમાળ ચાલ્યા જ કરે છે. પરંતુ પોતાનાં નાનાં નાનાં દુ:ખોનાં ગાણાં ગાવાથી દુ:ખ દૂર થતાં નથી. માટે જ કવિ પ્રેમપૂર્વક પ્રશ્ન કરે છે : ‘ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?’ અને પછી જાણે હેતથી શિખામણ આપે છે : ‘નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !’ દુ:ખની સામે ખમીરથી ટક્કર ઝીલવાનો સંદેશ આપતું આ ગીત એની સાદી ભાષા છતાં કલ્પનાસભર અભિવ્યક્તિ ને ગરિમાયુક્ત વિચારને કારણે મનહર બની શક્યું છે, આથી જ ગીતના અંતે કવિએ દુ:ખની સામે પડકાર ફેંક્યો છે : ‘આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર.’ કવિ આ સંઘર્ષનું પરિણામ શું આવે તે એક કલ્પનથી છેલ્લી પંક્તિમાં સુચવી દે છે: ‘આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમોર.’ મનુષ્ય અને મુશ્કેલીઓના જંગમાં મરદાનગીના વિજયનું આ ગૌરવગાન છે. ‘સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર' જેવી અર્થગર્ભ ચારુ કલ્પના આસ્વાદ્ય છે, તો પછીના અંતરામાં આવતાં ઉદાહરણો પણ એટલાં જ આસ્વાદ્ય.

જાતક-તાજી જન્મેલી, નવી, અલૂણ-મીઠાની તાણવાળો (અહીં એનો અર્થ છે નિર્બલ), દુકૂલ-રેશમી વસ્ત્ર, નિબિડ-ઘોર, અરુણ-ગુલાબી, ભોર-સવાર, કોશ-ભંડાર


0 comments


Leave comment