2.5 - મોટી સંશોધનપ્રેરકતા ધરાવતા સૂચિગ્રંથો : ‘જૈન ગૂર્જર કવિઓ’ / પરોક્ષે પ્રત્યક્ષે / રમણ સોની   પુસ્તકોનાં વિમોચનો કરવાની એક રૂઢ પ્રવૃત્તિ તો આપણે ત્યાં અહીં-તહીં ચાલ્યા કરતી હોય છે. પોતાની નવી છપાયેલી ચોપડીને, વાંચ્યા પછી તો કોઈ કદાચ પોંખે કે ન પણ પોંખે એટલે પાંચપચીસ મિત્રો-હિતેચ્છુઓની મદદથી કોઈ સુલભ વિમોચનકારને હાથે પુસ્તકનું પૂંઠું ખોલાવીને પ્રસિદ્ધિનો નાનકડો સુખદ કાર્યક્રમ રચી દેવો – એવી કંઈક નિર્દોષ વિમોચન-પ્રવૃત્તિથી માંડીને જાતસ્થાપનાની તરકીબ તરીકે પુસ્તકના બહોળા પ્રચારની યોજના રૂપે; ક્યારેક, સાહિત્યની કૃતિના પ્રસારતંતુની આવશ્યકતાના રૂપાળા નામે ખૂબ ઘોંઘાટપૂર્વક થતા વિમોચન-પ્રપંચ સુધી એ પ્રવૃત્તિ વિસ્તરી છે. આવું ચાલ્યા કરવાનું. એટલે ઘણા તો, આ પ્રકારના વિમોચન-કાર્યક્રમોને નિરર્થક માનીને ઉદાસીન રહેતા હોય છે. આવા સંજોગોમાં, લાંબા સમયની સાધનારૂપ એક મોટું ઉપયોગી વિદ્યાકાર્ય પૂરું થતાં એની ચર્ચામાં ને એના આનંદ-ઉત્સવમાં સૌ વિદ્યાપ્રેમીઓ અને અભ્યાસીઓને સામેલ કરતા એક વિશિષ્ટ વિમોચન-સમારોહની વાત કરવી જોઈએ. જાન્યુઆરી (૧૯૯૭)ની ૧૯મીએ અમદાવાદમાં યોજાયેલા આ સમારોહનું નિમિત્ત હતું : જૈનસાહિત્યના ઊંડા અભ્યાસી સંશોધક મોહનલાલ દલીચંદ દેસાઈએ આજથી અરધી સદી પહેલાં ‘જૈન ગૂર્જર કવિઓ’ નામે જે મૂલ્યવાન વિસ્તૃત સૂચિગ્રંથો પ્રગટ કરેલા એની આપણા એક સન્માન્ય વિવેચક-સંશોધક જયંત કોઠારીએ કરેલી સંશોધિત બીજી આવૃત્તિના છેલ્લા ત્રણ ગ્રંથો (૮, ૯, ૧૦)નું પ્રકાશન, ને એમ શ્રેણીની પૂર્ણાહુતિ. પ્રકાશક વિદ્યાસંસ્થા મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) દ્વારા આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રામાં અને જ્યેષ્ઠ વિદ્વાન કે.કા. શાસ્ત્રીના વિમોચન-અધ્યક્ષપદે તથા સુરેશ દલાલના અતિથિવિશેષપદે યોજાયેલો આ સમારોહ ખરેખર તો વિમોચન-નિમિત્ત થયેલો સાહિત્યિક કાર્યક્રમ જ હતો. કેમ કે એનાં પ્રાસંગિક વક્તવ્યો પણ મોટે ભાગે તો આ વિદ્યાકાર્યકેન્દ્રી રહેલાં. ઉપરાંત, ‘જૈન ગૂર્જર કવિઓ’ ગ્રંથની સમીક્ષા કરતાં બે વક્તવ્યો પણ એમાં સામેલ હતાં. વળી, બપોર પછીની બેઠકમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવારસાના જતન અને પ્રકાશનના પ્રશ્નો વિશેની એક ચર્ચા-ગોષ્ઠિ પણ યોજાઈ હતી જેમાં નિબંધવાચન થવા ઉપરાંત, કેટલાંક નક્કર સૂચનો-વિચારણા સુધી જઈ શકાયું હતું.

   એક જ ગ્રંથને નિમિત્તે બે સંશોધક-સંપાદકોના ભગીરથ કહેવાય એવા કાર્યનું ગૌરવ થતું હોય એવો આ પ્રસંગ ખરેખર વિરલ હતો. એ એક બીજી રીતે પણ વિરલ હતો. કેમકે, જેની પાછળ વર્ષોનાં પરિશ્રમનો ને સૂઝનો વિનિયોગ થયેલો છે એવી આ ગ્રંથશ્રેણી મૂળે તો એક વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ જ છે છતાં એનો એક મોટા સંશોધનગ્રંથ, ને સંશોધન-ઉપયોગી ગ્રંથ તરીકે મહિમા કરવાનો થાય એવું એનું કાઠું છે, એનું ફલક એટલું વિસ્તૃત છે. કેવળ આંકડાની રીતે જોઈએ તો પણ, મોહનલાલ દેસાઈએ એમના લગભગ ૪૨૦૦ પાનાંના આ ગ્રંથોમાં ૧૪૦૦થી વધુ જૈન કવિઓની ૫૦૦૦ જેટલી કૃતિઓના (ઉપરાંત કેટલાક જૈનેતર કવિઓની કૃતિઓના) વિગતપૂર્ણ આરંભ-અંત નોંધ્યા છે, એ માટે ૪૦૦ જેટલા હસ્તપ્રતસંગ્રહો ને અન્ય સાધનો જોયાં છે. ૮૦૦૦થી વધુ વ્યક્તિનામોની, ૧૭૦૦ જેટલાં સ્થળનામોની ને ૩૦૦૦ જેટલી દેશીઓની પ્રથમ પંક્તિઓની વર્ણાનુક્રમ-સૂચિ કરી છે, તથા પુસ્તકના પહેલા ખંડની સવાત્રણસો જેટલાં પાનાં લાંબી પ્રસ્તાવના રૂપે જૂની ગુજરાતી ભાષાનો ઇતિહાસ આપ્યો છે!

   અને આ બધું કંઈ હાથવગું ન હતું – મુશ્કેલીઓ ભરેલા શ્રમથી ને પૂરાં ધીરજ તથા સૂઝથી જ કરી શકાય એવું હતું. આ સંશોધક અનેક હસ્તપ્રત-ભંડારોમાં ફર્યા, જે ઉપયોગી નજરે પડ્યું તે સંઘરી લીધું અને એક ગંજાવર દસ્તાવેજી સામગ્રીને વૈજ્ઞાનિક વ્યવસ્થાપૂર્વક મૂકી આપી. કરવા જેવું મહત્વનું કશુંય કામ બાકી ન રહી જાય એની કાળજી રાખી. જેમકે, કવિ નર્મદ ‘નર્મકથાકોશ’ કરેલો એનું મહત્વ ને ઉપયોગિતા તરત એમના ધ્યાનમાં આવ્યાં. એમને થયું કે ‘આ જ રીતે જૈન કથાઓનો કોશ હજુ કોઈ વિદ્વાન જૈન કે જૈન સંસ્થા તરફથી બહાર પડેલો નથી એ શોચનીય બિના છે.’ અને ‘જૈન ગૂર્જર કવિઓ’ના બીજા ભાગમાં એમણે પ૦૦ ઉપરાંત નામોનો ‘જૈન કથાનામકોશ’ પણ સામેલ કર્યો.

   દેસાઈએ એમના આયુષ્યનાં અર્ધા ઉપરાંત વર્ષો આ કામને આપ્યાં હતાં – પૂરાં ૩૩ વર્ષ એમણે આ વિદ્યાતપ કર્યું એ સાચે જ અહોભાવ પ્રેરે એવું છે. આ ઉજ્વળ વિદ્યાકાર્ય એમના સમયમાં પણ વિવેચન-સંશોધન ક્ષેત્રના ઘણા વિદ્વાનોનો આદર પામેલું. નરસિંહરાવ જેવા મોટા વિદ્વાને તો કહેલું કે, ‘આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા જેવાના સામર્થ્યની બહાર છે.’

   મોહનલાલ દેસાઈએ આ ઉપરાંત બીજાં પણ ઘણાં બધાં સાહિત્યકાર્યો કરેલાં. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ એમણે આપ્યો; દસથી વધુ સંપાદનગ્રંથો કર્યા અને બે સામયિકો જૈનયુગ તથા ‘જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ’ ઉત્તમ રીતે ચલાવ્યાં, એમાં સંશોધન વિશેના તથા સાહિત્યિક-ઐતિહાસિક-ચરિત્રાત્મક પ્રકારના ૭૦૦ ઉપરાંત લેખો પણ કર્યો. આ બધું જોતાં, જયંત કોઠારીએ એમને માટે વિરલ વિદ્ત્-પ્રતિભા શબ્દો વાપર્યા છે એ યથાર્થ લાગે છે.

   એવું જ કામ જયંત કોઠારીનું છે. અત્યારે સંશોધક-સંપાદક તરીકે તે એમની પ્રતિષ્ઠાના શિખરસ્થાને છે પણ એ પ્રતિષ્ઠાની એક ખૂબ મજબૂત ભૂમિકારૂપે તેમજ એની સમાન્તરે એમનું વિવિધ દિશાનું ઉત્તમ વિવેચનકાર્ય અડીખમ ઊભું છે. વિવેચકની ઊંડી મર્મજ્ઞતા તથા જટિલમાં જટિલ બાબતને પણ વિશદરૂપે મૂકી આપતું અધ્યાપકીય અભિવ્યક્તિકૌશલ – એમનાં આ સર્વ સંપાદન- સંશોધનકાર્યોનો પણ વિશેષ છે.

   જયંતભાઈ ‘જૈન ગૂર્જર કવિઓ’ના પરિશોધિત સંપાદનના સંકલ્પ સુધી પહોંચ્યા એના મૂળમાં ગુજરાતી સાહિત્યકોશના સંપાદક તરીકેની એમની કામગીરી પડેલી છે. એ કામ કરતાં કરતાં, મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસો અને અન્ય સંદર્ભગ્રંથોની સામગ્રીમાં ડગલે ને પગલે સંશુદ્ધિઓ કરવાની આવી, અત્યંત ઉપયોગી નીવડેલાં સમર્થ પુસ્તકોમાં પણ. મધ્યકાલીન સાહિત્યકોશમાંનાં જૈન કર્તા-કૃતિઓ માટે સૌથી વધુ ઉપયોગી થયેલો સમર્થ ગ્રંથ તે આ ‘જૈન ગૂર્જર કવિઓ’. એટલે આ અપ્રાપ્ય ગ્રંથનું કેવળ પુનર્મુદ્રણ નહીં પણ સંશોધિત સંસ્કરણ કરવામાં આવે તો મધ્યકાલીન સાહિત્યના ભાવિ અભ્યાસીઓ, ઇતિહાસકારો, કોશકારો ને સંશોધકોને એ વધુ ઉપયોગી ને ઘણું માર્ગદર્શક બની શકે એવા આશયથી, કોશકાર્ય પછીની નિવૃત્તિના સમયમાં તે આ ગ્રંથના પુનઃસંપાદનમાં લાગી ગયા. એમણે પણ એક તપ જેટલો, ૧૨ વર્ષનો સમય આ કામને આપ્યો. કેમકે એની શુદ્ધિ-વૃદ્ધિ તથા આ કામને વધુ શાસ્ત્રીય ને ઉપયોગી બનાવનારી પુનર્વ્યવસ્થા લાંબો સમય માગી લે એવાં હતાં જ. વચ્ચેનાં પચાસ વર્ષ દરમ્યાન થયેલા સંશોધનો-સંપાદનોની સામગ્રીનો તથા, વધુ તો, મધ્યકાલીન સાહિત્યકોશના કાર્યો સંપડાવેલી જાણકારીનો ને સંકલનશક્તિનો લાભ આ પરિ-શોધનને મળ્યો છે. મૂળ ગ્રંથોનાં ચાર હજાર પાનાંને બદલે નવી આવૃત્તિ પાંચેક હજાર પાનાંની થઈ છે એનું કારણ એ છે કે, કર્તા-કૃતિઓ અંગેની વિગતોમાં છેલ્લા ત્રણ ભાગોમાં સળંગ મુકાયેલી, મૂળ ગ્રંથોમાંની, પૂરક સામગ્રીમાં ઠીકઠીક ઉમેરણો કરવાનાં થયાં છે. આ ઉપરાંત સૂચિગ્રંથમાં પણ પુષ્કળ વિગતો ઉમેરાઈ છે. સૌથી વધુ શ્રમસાધ્ય બનેલો ને સૌથી મોટો (લગભગ નવસો પાનાંનો) બનેલો આ ગ્રંથ (ભાગ ૭) કર્તાઓની, કૃતિઓની, એ કૃતિઓની વિષયવિભાગ અનુસારની તેમજ સંવત અનુસારની અને વ્યક્તિ-વંશ- સ્થળનામોની – એમ વિવિધ દ્રષ્ટિકોણથી કરેલી અનુક્રમણિકા આપતો હોવાથી, હજારો પાનાંમાં ફેલાયેલી ગંજાવર સામગ્રી એના અભ્યાસીને તરત સુલભ કરી આપનાર બને છે. સંદર્ભગ્રંથમાં સૂચિગ્રંથ ચાવીરૂપ ગ્રંથ ગણાય. જયંતભાઈએ લખ્યું છે એમ સૂચિની સહસ્ત્ર આંખોથી જ આવા સંદર્ભગ્રંથના વિશાળ જગતને પામી શકાય છે. એ રીતે જોતાં આ ગ્રંથ નમૂનેદાર - મોડેલરૂપ – બન્યો છે.

   આ – ૭મા – ભાગના નિવેદનમાં સંપાદકે એક વાત એ લખી છે કે, ‘એકલા જૈન ગૂર્જર કવિઓ’ને આધારે પીએચ.ડી. માટેની સો થિસીસો તૈયાર થઈ શકે.’ આ વાંચીને પહેલો પ્રશ્ન તો એ થાય કે એવા સો શહીદ મળી આવશે ખરા? આમ તો પીએચ.ડી. થવાની દોડ-રેખા પર એથીયે વધુ ઉત્સુકો લીલી ઝંડીની રાહ જોતા તત્પર ઊભા છે. પણ એમાંના કેટલા આ ટ્રેક પર દોડશે? પણ જો થોડાક પણ મળી આવવાના હોય તો એમને માટે વિષયનિર્દેશો કરવાનુંય જયંતભાઈ ચૂક્યા નથી! (જુઓ એ નિવેદન.)

   મોહનલાલ દેસાઈએ પહેલા ભાગની પ્રસ્તાવનામાં લખેલું કે ‘આ પુસ્તકની બીજી આવૃત્તિ થાય કે નહીં એ પ્રશ્ન છે.’ એમને થયું હશે કે વિવેચનગ્રંથો પણ બીજી આવૃત્તિ પામતા નથી ત્યાં આ હસ્તપ્રત-સૂચિની તે શી વાત. પરંતુ, અરધી સદી પછી એની બીજી આવૃત્તિ થઈ, ને એ પણ આમ શાસ્ત્રીય પરિશુદ્ધિપૂર્વક, એણે દેસાઈના પ્રચંડ પુરુષાર્થને ફરી એક વાર સાર્થક બનાવ્યો – વધુ સાર્થક કર્યો.
   આવા મહાન કાર્યનું ગૌરવ કરતી વખતે એક પ્રશ્ન મનમાં એ ઝબકી જાય કે, આપણા સમયનું જે વિદ્યાકીય વાતાવરણ છે એમાં આવા કાર્યની પ્રસ્તુતતા કેટલી? રામનારાયણ પાઠકના ‘બૃહત્ પિંગળ’નું ત્રણચાર વર્ષ પહેલાં પુનર્મુદ્રણ થયું ત્યારે પણ આ જ વિચાર આવેલો - છંદથી દૂર જતા રહેલા આપણા લેખકો- સાહિત્યરસિકો- અભ્યાસીઓના આ સમયમાં આવા વિરલ પુરુષાર્થની પણ પ્રસ્તુતતા કેટલી? ભૌતિકતાવાદે વિદ્યા-કલાઓ પ્રત્યે ઉદાસીનતા વધારી હોય એ વાત કંઈ નવી નથી, આખી સદી દરમ્યાન એ સંભળાતી રહી છે. પણ હવે આ પ્રસાર-માધ્યમોના, વિદ્યાકલાઓને ખૂણે હડસેલવા માંડેલા વેગીલા પ્રવાહે વધુ ભય-ચિંતા ઊભાં કર્યા છે. પણ એથી, વિદ્યાપ્રવાહ નષ્ટ થઈ જશે એવો અતીતરાગી તર્ક કરવાની જરૂર નથી. છંદમાં ને મધ્યકાલીન કલા-સંસ્કૃતિમાં દિલચશ્પી લેનાર પણ નીકળી આવવાના. આમેય, મોટાં વિદ્યાકાર્યોની ઉપયોગિતા મર્યાદિત વર્તુળોમાં રહેવાની. એટલે વિદ્યાના રસ્તે વળનાર થોડાક જણને પણ આગળનો રસ્તો સુઝાડે એવાં કામોનું મૂલ્ય નોંધપાત્ર ને ઉપકારક બનવાનું.

   એટલે આ ગ્રંથ ક્યાંક્યાં ઉપયોગી ને પ્રેરક બને એ વિચારવાનું રહે.
   આ કાર્યની એક પ્રેરકતા તો, હરિવલ્લભ ભાયાણીએ બતાવી છે એ છે, કે મોહનલાલ દેસાઈ ઉપરાંત ચીમનલાલ દલાલ, મુનિ પુણ્યવિજયજી, જિનવિજયજી, મંજુલાલ મજમુદાર વગેરેએ જે મોટાં કામ કર્યા છે એની આવી શુદ્ધિ-વૃદ્ધિ ઊભી જ છે – એ માટે પણ આ ગ્રંથનું કાર્ય પ્રેરક બની શકે. આ કોશપ્રકારનો સંદર્ભગ્રંથ છે – એ કંઈ સળંગ વાંચવા માટેનો નથી, જે અભ્યાસીને જ્યારે જે વિગતોની જરૂર પડે છે ત્યારે જોઈ લેવા – રિફર કરવા – માટેનો છે એટલે એની વિશેષતાઓનો અને, રહી ગઈ હોય તો તે, ત્રુટિઓનો ત્યારે વધુ ખ્યાલ આવે. પણ એક બાબત તો સ્પષ્ટ જ છે કે જે ચોક્સાઈ- શ્રમ- સૂઝ- શાસ્ત્રીયતા અહીં વિનિયોગ પામેલાં દેખાય છે એ કોઈપણ અભ્યાસીને ક્યાંય ગૂંચવ્યા વિના, પથદર્શક બની શકશે. આ વિરાટ કાર્યમાંથી, મધ્યકાલીન સાહિત્ય- સંસ્કૃતિના કાયમી સંશોધક- અભ્યાસીઓને વધારે વખત પસાર થવાનું રહેવાનું.

   પરંતુ મને એની એક બીજી ઉપયોગિતા- પ્રેરકતા પણ જણાય છે. આપણી વિદ્યાસંસ્થાઓમાં જે સંશોધનકાર્યો ચાલે છે એમાં વિદ્યાર્થીપક્ષે પદવી પ્રાપ્તિની તથા માર્ગદર્શક- પરીક્ષકપક્ષે પદવી- દાનની પ્રવૃત્તિ જરૂર કરતાં ઘણી વધારે ઝડપથી બલકે ઉતાવળથી ચાલી રહી છે. વ્યવસ્થિત આયોજન માટે, વસ્તુ-વિગતની ચોક્સાઈ કરવા માટે, શાસ્ત્રીય પદ્ધતિ નીપજાવવા માટે ભાગ્યે જ કોઈ રોકાય છે – એમને એનો ઝાઝો ખ્યાલ પણ નથી. એમની સામે જ નહીં, નિષ્ઠા અને જિજ્ઞાસાથી કામ કરવા માગનાર સામે પણ શાસ્ત્રીય સંશોધનોના બહુ નમૂના (મૉડેલ્સ) નથી. ઘણાખરા માર્ગદર્શકોની પણ આ જ સ્થિતિ છે. એ બધાની સામે, બીજાં થોડાંક કામોની સાથેસાથે, ‘જૈન ગૂર્જર કવિઓ’ના આ દસ ભાગ પણ મૂકી આપવા જેવા છે. પીએચ.ડી.-દીક્ષા- ઉત્સુકો એનાં માત્ર પાનાં ફેરવશે, એની પ્રસ્તાવનાઓ ધ્યાનથી જોશે, ને ખાસ તો વિવિધ-પરિમાણી સૂચિગ્રંથ ઝીણવટથી જોશે તો પણ, સંશોધનની દિશામાં પગ મૂકવો તે કેટલાં સાવધાની- ચોકસાઈ- મહેનત તેમજ પદ્ધતિની સૂઝ માગી લે છે એનો તેને ખ્યાલ આવશે. એની અંધાધૂંધ ગતિ અટકશે ને ધૈર્યભરી એકાગ્રતાની પણ એક રોમાંચકતા હોય છે એનો અંદાજ આવી શકશે. પછી ભલેને એ નવ- સંશોધક મધ્યકાલીન સિવાયના કોઈ વિષય પર કામ આદરવાનો હોય. આ કામ એને પ્રેરક બની શકશે.

   કેમકે જયંતભાઈની સંશોધક તરીકેની સૌથી મોટી વિશેષતા પોતાનું જ એક આગવું ને નક્કર ઉપયોગિતાવાળું પદ્ધતિશાસ્ત્ર નીપજાવવામાં રહેલી છે. આ રીતે, ‘જૈન ગૂર્જર કવિઓ’નું આ સંશુદ્ધ સંસ્કરણ અનેક રીતે મૂલ્યવાન ગણાય. આવાં મૂલ્યવાન ને વળી બૃહતકાય કામ મોટા મૂડીરોકાણની સુવિધા વિના ન થાય, અટકી રહે. એટલે રમણલાલ ચી. શાહ જેવા મધ્યકાળના અભ્યાસની ભલામણથી મહાવીર જૈન વિદ્યાલય જેવી એક વિદ્યાકીય સંસ્થા વળતર વિનાના મોટા રોકાણ માટે તૈયાર થઈ એય અભિનંદનીય ગણાય. કેવળ વિદ્યાપ્રેમીઓ જ નહીં પણ ધર્મ અને સાહિત્યના વિદ્વાનો એવા આચાર્ય શીલચંદ્રવિજયજી તથા આચાર્ય પ્રદ્યુમ્નવિજયજીની પણ સાદ્યંત પ્રેરકતા આ ગ્રંથના નિર્માણમાં રહી છે. આવા એક ચિરસ્થાયી મૂલ્યવાળા ગ્રંથની પૂર્ણાહુતિનો ઓચ્છવ ‘વિમોચન’ શબ્દને પણ સાર્થક કરે છે.

જાન્યુઆરી-માર્ચ ૧૯૯૭


0 comments


Leave comment