5 - પ્રકરણ - ૫ / કૂવો / અશોકપુરી ગોસ્વામી


    સ્વપ્નેય ખ્યાલ ન આવે એવું ડુંગર બોલ્યો.
   મુખીની બાજુમાં ચાલતા ત્રંબક શેઠને થાય, માન ન માન પણ કશીક નવાજૂની તો થઈ જ છે. ‘સું થયું અસે ?’ એમ મનમાં ગણતા શેઠે મુખીને શિયાવિયા જોઈ પૂછવાનું જ માંડી વાળેલું.

   માંદો, જોમ વિનાનો માણસ જેમ લથડતાં લથડતાં ચાલે એમ મુખી ચાલે. કાયમ ધીમું ચાલતા શેઠથી મુખી આજ પાછળ પડી જવા લાગ્યા. એટલે શેઠ પાછા ઊભા રહે, મુખીનો સંગાથ કરે અને પાછા ચાલે. ગામ સુધી આવતાં તો ઘણો એવો સમય થયો. શેઠની દુકાન આવી એટલે ‘શેઠ, જરા તાવ જેવું સે હાહરું, ઘેર જઈ જરા આડો પડું. લ્યો તાર રોંમરોંમ.’ કહી મુખી ઘરના રસ્તે ફંટાયા. બાકી આડે દિવસે તો એ કાયમ શેઠની દુકાને બેસે. ગામની, વેપારવણજની કે લેવડદેવડની વાતો એક બીજાને કહે, પૂછે. મુખી ચોરામાં ન હોય તો હોય શેઠની દુકાને. એ આખું ગામ જાણે.

   મુખી આવ્યા એવા ચડી ગયા સીધા ડહેલાને મેડે. ડહેલાનો મેડો વિશાળ. મેડાની રસ્તા પર પડતી બારીઓ તરફની દીવાલે પાંચ-પચ્ચીસ જણ બેસી શકે એવો આથર કાયમ પાથરી રાખેલો. દીવાલે અઢેલવાના આઠદસ તકિયા પડેલા, અને મેડાની વચ્ચોવચ મોગલ બાદશાના સિંહાસન જેવો મુખીનો રજવાડી પલંગ. મુખી તો ધબ્બ દઈને પલંગમાં બેસી પડ્યા. કોઈ દિવસ નહીં અને આજ એમને દાદરો ચઢતાં કૂવામાંથી બહાર નીકળ્યા વખતે ચઢતા હાંફ જેવો હાંફ ચઢ્યો. એ ખાસીવાર સુધી બેસી રહ્યા ત્યારે એમનો શ્વાસ બેઠો, પછી પગને એકબીજા જોડે ખંખેરી એ તો થઈ ગયા પલંગમાં લાંબા, એમણે આંખ મીંચી.

   મીંચાયેલી આંખમાં બપોરે કૂવા પર ભજવાઈ ગયેલાં દ્રશ્યો દેખાતાં એમણે ફટ્ આંખ ઉઘાડી નાખી.
   ‘કિયા કાળ ચોઘડિયે હું કૂવે ગ્યો ? તે પેલાં બે ભૂતાં અનં તીજી પેલી ડાકણ મનં વળગી ! હારાં જીવ લેઈને જ ઝંપત; પણ વખત વરતી લીધો તે ઠીક થયું, નૈંતર...’ એવું બબડી મોં કડવું થઈ ગયું હોય એમ એ પલંગમાંથી ઊઠી બારી પાસે જઈ રસ્તામાં થૂંક્યા.

   પાછા પલંગમાં બેસતાં વિચારે : ટકાનો કરી મેલ્યો મારાં હાહરાંએ – એમ બોલતાં એમણે ગળે હાથ ફેરવ્યો. એમને આડા પડવાનું મન થયું પણ એમ કરવાને બદલે એ ઊભા થઈ મેડે આંટાફેરા કરતા જાય અને બબડતા જાય.

   ‘ડુંગરિયા ! વખત આયે તનં લોઈ ના મૂતરાવું તો હું સવજી મુખી નંઈ ! મારી નોંની હાહૂ ! તારી બોલતી બંધ ના કરું તો હું બે બાપોંનો – સાલી બારિસ્ટરની જેમ ચપચપ બોલતી’તી. આવ્વા દે વખત મારો !

   જેમજેમ એમના વિચારોનો વેગ વધ્યો એમ એમ એમના આંટાફેરાની ઝડપ વધી. આખરે એ થાક્યા. એમણે વિચારવાનું પડતું મૂક્યું ત્યારે એમને તરસ લાગ્યાનું ભાન થયું. એમણે ઉપરથી નીચે બૂમ પાડીને પાણી મંગાવ્યું અને ગળે હાથ ફેરવતા પલંગમાં બેઠા.

   ઘણીવાર થવા છતાં કોઈ દેખાયું નહીં તેથી એ સાવ નબરી ગાળ બોલી ઊઠ્યા અને ધડાધડ કરતો દાદરો ઊતરીને ગયા પાણિયારે. ડાબે હાથે બુઝારું ઉઘાડી જમણા હાથે પાસે પડેલો કળસ્યો લઈ એમણે માટલામાંથી બોળી બહાર કાઢ્યો ત્યાં જ-

    ‘ખૂંધિયા ! એ કળસ્યો તારું પૂંછડું ધોવા આલ્યો...’ એ એમના કાનમાં ફરી સંભળાતાં એમણે ભરેલા કળસ્યાને જોરથી ભોંયે પછાડ્યો. કળસ્યો ખડિંગ ખડિંગ કરતો આખા ઓરડામાં ગબડ્યો. કળસ્યો પછડાવાના અવાજે ઘરનાં સૌ ભેગાં થઈ એમને ઘેરી વળ્યાં.
(ક્રમશ:...)


0 comments


Leave comment