22 - હદપાર / કિશોર જાદવ


   (કોઈ નહોતું. વસ્તી, શહેર ખાલી કરીને પલાયન થઈ ગઈ હતી યા તો ઊંચાં મકાનમાં ભરાઈ ગઈ હતી. ક્યાંય કોઈ દેખાયું નહિ. પણ ક્યાંક શેરીમાં જાણે ટોળાબંધ માણસે ઘૂમતાં હોય એમ લાગ્યું. વિનાયકની સાથે બીજુ કોઈ નહોતું. આમ છતાં, ઘણા બધા સાથીદારો એની પીઠ લઈ ને જાણે ચાલતા હતા. ચારેકોરથી અરેરાટી સંભળાતી હતી–હુલ્લડ કરવા, જમીનમાં ઊતરી ગયેલા હુમલાખોરોની એ તલપાપડ ચુપકીદી હતી અથવા તો પાયમાલી ફેલાવ્યા પછીની છિન્નતા. શિથિલ અને ખાલીખમ હવાને જોઈને બીધેલાં કૂતરાં ભસી ઊઠે એમ, એણે શેરીના ખૂણેખાંચરે છુપાઈ ગયેલા હરામીઓને પડકાર્યા. ‘કાગવાશ... કાગ...વાશ..’ ઊલટપલટ પડતી જીભને સુધારીને એ કરાંજ્યો. ‘બહાર નીકળો... બહાર આવી જાઓ...’ એનો અવાજ પટ્ટાબાજી ખેલતા, ઊંચાં મકાનોને ફટકારતો હતો. કશીક તંગ હિલચાલ થતી જણાઈ પણ કોઈએ છડેચોક આવવાની હામ ભીડી નહિ. કદાચ કોઈ નહોતું. વળી પગલાંઓની પડાપડી થતી લાગી. આખરે, એ બંધ બજારના મોં સામે આવી ઊભો. અહીંયાં ભાંગી ગયેલા કિલ્લાનો એક ચોસલો–ભાગ ખડો હતો. એની રાંગ પર અર્ધ–ઉઘાડા શરીરે, રુવાંટીવાળા હાથ પહોળા રાખીને, એક ‘વાઈકિંગ’ જેવો મરણિયાખોર, જાણે ડાંવા ભરતો, સમસમી ઊભો હતો. એની દાઢી પરના વાળના છૂંછા, તૂટી ગયેલા બરછાના ઠૂંઠાની જેમ ટટ્ટાર હતા. રસ્તા પર જાણે ભારગાડીના ડબ્બામાં પૂરેલાં જાનવરોના કશાક ખીચોખીચ ધસારામાં, કાગારોળમાં પેલાએ પડતું મૂક્યું. ઝંપલાવ્યું. ઇતિહાસ સર્જાતો હોય એમ લાગ્યું. પળવારમાં પેલો અલોપ થઈ ગયો. ભૂંસાઈ ગયો. ક્યાં, કેવી રીતે, એ સમજાયું નહિ. બાદમાં, વિનાયક કિલ્લાની ભીતરમાં આવી ઊભો. અહીં સહેજ ભેજવાળો અંધકાર હતો— જાણે સૂર્યનો તેજપેસારો અહીં કદી થવા પામ્યો નહોતા. પડું પડું થતા ઘરને ટેકવી રાખવામાં આવતા બે-ત્રણ થાંભલાઓ નજરે પડ્યા. એની પાછળ પેલા મરણિયાખોરની ઓરત ઊભેલી જણાઈ. એટલા ભાગને રોકીને પથરાઈ રહેલી એની સ્થૂલ મહાકાય જોતાંવેંત એને કંઈક રાજવૈભવ યાદ આવ્યો. સિનેમાના પરદા જેવી એની ચૌડી છાતી પર નવજાત શિશુને બે હાથમાં એણે ઝુલાવી રાખ્યું હતું. તાજું જ જન્મેલું બાળક–લંબગોળ બોટલમાં ભરેલા સમુદ્રના ભૂરા પાણી, યા તો એ બેઠા પાણીમાં સ્થિર થઈ રહેલી એક માછલી યા તો કાચનો જાદુઈ ગોળો, યા તો સબમરીન આકારવાળું રમકડું, અથવા તો કશોક પારદર્શક પદાર્થ જેમાં પારાશીશી જેવી આંખો જડી દેવામાં આવી હતી–એવું જ કંઈક એણે જોયું. ઓરતની દૃષ્ટિ હજી સુધી વિનાયક તરફ દોરવાઈ નહોતી કારણ કે એ નીચા મોંએ એના બાળકને નીરખવામાં રત હતી. ત્યારે એના પહોળા, બખ્તર જેવા ખભા ધીમું ધીમું હલતા હોય એમ લાગ્યું. શું બોલવું, એ નક્કી કરી શક્યો નહિ. આજુબાજુ મરણિયાખોરના સંબંધીઓ, સ્ત્રીઓ, ડોકાઈને ઉપેક્ષાભર્યા શબ્દો ઉચ્ચારી જતાં લાગ્યાં- ઓરતને હડધૂતવા. ઓરતની હળાહળ અવહેલના થતી એણે જોઈ—એને પતિ મરી પરવાર્યો હતો. એનું કારણું જાણે એ પોતે જ હોય એમ- એણે ક્યાંક કશોક અપરાધ કર્યો હતો. આ વિષેની મનોમન ઘેરી છાપ અનુભવતો, એટલામાં એ નિરુદ્દેશ આડુંઅવળું જોતો થંભી રહ્યો. ઓરત સાથે કશી વાતચીતને સ્થાન નહોતું. કશા પણ માઠા બનાવની અસર પહોંચી ન હોય એમ નિર્લેપ ભાવે, માથું નીચે ઝૂકેલું રાખીને એ ખડી હતી. ખુલ્લાશમાં સુક્કા છોડ-ઝાંખરાં પર દીવા જલાવવામાં આવ્યા–જાણે કાઈકની મરણશૈયા ફરતે, એકાએક ગાંડાતૂર અવાજે એક સ્ત્રીએ બૂમ પાડી : ‘પાછો ફર્યો છે. પાછો ફર્યો છે.’ આસપાસ ડોકાતા ચહેરાઓ ઝળહળી ઊઠ્યા. ક્ષણાર્ધમાં એક ઝાપટ સાથે સઘળા દીવા હોલવી નાખવામાં આવ્યા–પેલાના આગમને સર્જેલા વંટોળમાં હોલવાઈ ગયા ! યુદ્ધમાં ઝઝૂમીને, વિજય- સ્મિત સાથે પાછા ફરેલા વીરને જાણે વધાવવા, મહોત્સવ ઉજવવા, નવેસરથી એ દીવાઓનું આકાશ, છોડ-ઝાંખરાં પર ચેતાવવામાં આવ્યું. પણ પેલો મરણિયાખોર ક્યાંય દેખાયો નહિ યા તો એને એ જોઈ શક્યો નહિ. ને ‘કાગવાશ... કાગવાશ...’ એવું જ કંઈક વિનાયક ગણગણ્યો.)

   વિનાયકને ચાંચ અને પાંખો ફૂટી ત્યારે...
   વેગભેર દોડતી ‘કાર’ નો અવાજ બંગલા આગળ આવીને એક આંચકા સાથે જડાઈ ગયો. બંગલા તરફ પડખું ફેરવીને, અલાયદા નીચાણ પર ઊભેલા એના મકાનમાંથી વિનાયક કુતૂહલવશ બહાર આવ્યો. ‘કાર’માંથી ઊતરીને એક તાજો નવપરિણીત યુવક, દબદબાભેર આવતો દેખાયો. વિનાયકે એનું અભિવાદન કર્યું. સીધી કારને પોતાને ત્યાં નહિ લાવવા બદલ એણે વહાલભર્યો ઠપકો આપ્યો. ‘બંગલાનો મોભો જાળવવો રહ્યો.’ યુવકે લાચારી વ્યક્ત કરી. બંગલામાં, વિનાયકના પિતાજી, સત્તા પરથી કાળો કે’ર વર્તાવતા હતા. જે કામસર યુવક આવ્યો હતો એને અનુલક્ષીને પિતાજી તરફથી નકારાત્મક જવાબી પત્રવાળું કવર, વિનાયકે યુવકને બતાવ્યું. લાંબા સમયથી લગ્નની ધમાલમાં એને પત્તો લાગતો નહોતો. ને પિતાજી જાણતા નહોતા કે આ અરસામાં એ કવરને હાથોહાથ પહોંચાડી શકાયું નહોતું. એની ફડક એને રહ્યા કરતી હતી. કવર પર એણે યુવકનું નામ મરોડદાર અક્ષરે લખી રાખ્યું હતું. એ જોઈને, યુવકે કવરને હાથમાં રમાડતાં, એના નામના પ્રથમ અક્ષર ‘જ’ પેનથી ઘૂંટીને, અચ્છા કલાકારની અદાથી ‘જ'ની બન્ને પાંખને નીચે વાળી, અદ્દલ ‘તુલા' નો આકાર દોર્યો. પ્રભાવિત બની જઈને વિનાયકે ખૂબ ખૂબ પ્રશસ્તિ કરી. યુવક મનોમન હરખાયો. એનાથી છૂટા પડીને વિનાયક એની પ્રિયતમાને ત્યાં પહોંચ્યો. એની પ્રિયતમાને વર્ષોથી ભેટ્યો નહોતો. એના એ મિત્ર એકાંતમાં ચૂપચાપ બેઠા હતા. પણે એની પ્રિયતમાની પહેલાંની ગૌરવર્ણ કાયા, કશીક અણજાણ ઉદાસીનતામાં શેકાઈને, જાણે કાળી પડી ગઈ હતી. એક ક્ષણ તો એને લાગ્યું કે આ એની પ્રિયતમા નહોતી. અણધાર્યો એને આવતા જોઈને, બંનેએ નિષ્કારણ ભોંઠાશ અનુભવી. એનો આ મિત્ર વર્ષો પહેલાં, એનાં કાળાં કૃત્યોમાં હમેશાં સામેલ રહેતો. સાથ પુરાવતો. આ સ્થિતિમાં, બન્નેને વહેમદૃષ્ટિથી જોતો નહોતો એમ દર્શાવવા, પૂરવાર કરવા, વિનાયક ઊડતું હાસ્ય વેરતો, પ્રિયતમાના પહોળા રહી ગયેલા અબૂધ હોઠ પર નજર વંકાવતો, કશીક ઉદ્ધતશીલતા દાખવતો હોય એમ એ આગળ નીકળી ગયો. બીજા ખંડમાં એની પ્રિયતમાની ફૂટડી બહેનને એ મળે. આ યુવતીને કંઈ કેટલીયવાર એણે સ્વપ્નમાં સેવી હતી. હરતાં ફરતાં, એની પ્રિયતમાની સાથે યા તો એકલી, એના મકાનમાં રોજબરોજ અમસ્તી જ પલકારો આપી જતી. પણ એની બાલિશ મસ્તી આગળ પોતાની સ્વનિલ મનોદશાને પ્રદર્શિત કરવાનું કદી શક્ય બન્યું નહોતું. અત્યારે, એણે કશો વિરોધ પ્રગટ કર્યો નહિ. એની કાચી કાયાના તલખાટનો એણે અભિષેક કર્યો ને એટલી જ ઝડપે એ બહાર આવ્યો. પણ એની પ્રિયતમા અને એનો મિત્ર જ્યાં બેઠાં હતાં એ જગ્યાએ કોઈક બે વ્યક્તિઓ એની રાહ જોતી ઊભી હતી. એમાંનો એક, અહીં લાકડાંનાં મકાનો બાંધવામાં, વહેરકામ કરતો હતો. ખભે ભેરવેલા થેલામાં એનાં ઓજારો સાથે એ રજૂ થયો હતો. બીજી વ્યક્તિએ એ કારીગરની સિફારસ કરી; કારણ કે, પેલાની પાસે આ પ્રાંતની સરહદમાં દાખલ થવા માટે, અહીંની સત્તાનું ‘એન્ટ્રી પરમિટ’ નહોતું. ચોરીછૂપીથી પેલો આ પ્રદેશમાં ઘૂસી આવ્યો હતો. એણે દ્રોહ કર્યો હતો.

   ‘ના...નહિ...' વિનાયકે કઠોરતા ધરી. પાસેની દીવાલ પર ચોંટાડેલા ફેન પરથી રીસીવર ઉઠાવ્યું– પેલાની ધરપકડ કરાવવા. ‘હલ્લો...પોલીસ અફસર મિસ્ટર... ને કે ? હલ્લો... હલ્લો... મિસ્ટર..’

   આવા કિસ્સાઓમાં, પોતાની ધાક બેસાડવા, આમ એ પોલીસ અફસરનું ધ્યાન દોરતાવેંત, એમની આત્મીયતાની રૂએ એ ત્વરિત હાજર થઈ જતો. પણ અત્યારે, એના તરફથી કશો પ્રત્યુત્તર મળતો નહોતો યા તો સામેના છેડા સુધી એનો અવાજ પહોંચતો નહોતો. વચ્ચે ઝિલાતી બીજી જ આડ લાઈનનો સતત ઘોંઘાટ, કોઈકના બૂમબરાડા સંભળાતા હતા : ‘હલ્લો... હલ્લો... મિસ્ટ...૨ મિ...’
   ‘એક્સચેન્જને પૂછો...’ બાજુમાંથી કોઈકે ઈશારો કર્યો.
   ‘હલ્લો... એક્સચેન્જ...’
   ‘પણ આજે તો રવિવાર...’ વળી પીઠ પાછળથી કોઈક બેલી ઊઠ્યું.

   પેલા બન્ને ગળગળા થઈને સમસમી રહ્યા હતા. ‘ચાલો બંગલામાં જઈએ...’ સિફારસ કરવા આવેલી વ્યક્તિએ કારીગરને કહ્યું. વિનાયક જાણતો હતો કે આવી વ્યક્તિઓ, એના પિતાજીના પગે પડતી, કરગરતી, ત્યારે મહાનતાનો ડોળ કરતા પિતાજી, ખુશ થઈને ક્યારેક એમને છોડી મૂકતા હતા. પણ પિતાજી વિષે કશું ચોક્કસ કહી શકાય નહિ.

   એ ઉત્તેજાઈ ગયો. ‘ના.. નહિ.’ જાણે નાસીપાસ દશામાં, કશોક ઉપાય શોધવા, રીસીવર ફેંકી દઈને આગળ વધ્યો. સામે દૂર મેદાનમાં અસંખ્ય સૈનિકો તાલીમી પરેડ ચલાવી રહ્યા હતા. ને એના સળીકડા જેવા મોરના પગ તરફ પેલા બન્નેની નજર મંડાયેલી હતી એ પાછળ ગરદન વાળીને એણે જોયું. એ પગને ક્યાંક સંતાડવા એ મથ્યો. એટલામાં, ક્યાંકથી આવી ચઢેલા ભિખારીએ પેલી બે વ્યક્તિઓ સામે હાથ લંબાવ્યો.

   ‘હું તો અહીંથી દૂર દૂર ચાલ્યો જવાનો છું. એમની પાસે જા...’ ગરીબડા અવાજે બોલતાં, કારીગરે વિનાયક તરફ આંગળી ચીંધી. એના બેલવા પરથી વિનાયકને લાગ્યું કે એની વસ્તી, ક્યાંક ગિરની તળેટીમાં આવેલી હતી. એ આ પ્રાંતની હદ વટાવીને ચાલ્યો જવાનો હતો. આમ છતાં વિનાયકે ચીસ નાખી: ‘ના... હદપાર...’

   પણ એનો અવાજ માત્ર એને જ સંભળાયો.
* * *


0 comments


Leave comment