2 - અશરફની શરીફ કવિતા…/ પ્રસ્તાવના / ધબકારાનો વારસ / સુરેશ દલાલ


ઘડતરકાળમાં શબ્દ સાથે જે પ્રેમ થાય છે તે કદીયે ભૂલ્યો ભૂલતો નથી. હા, એવું બને ખરું કે રોજિંદી ઘટમાળમાં કે જીવનની જંજાળમાં એનાં પ્રત્યે ક્યારેક પૂરતું ધ્યાન ન અપાયું હોય. પણ વીજળીની જેમ અચાનક એ આભ ચીરીને પ્રગટે છે. આવું પ્રાગટ્ય ક્ષણવાર માટે તેજની ઝાંખી કરાવે અને ફરી પાછું વિસ્મરણનું અંધારું એને ઘેરી લે. આપણે સૌએ એવો અનુભવ કર્યો હશે કે કાળીડિબાંગ રાતે આપણે આપણી કારમાં ક્યાંક દૂર દૂર જતાં હોઈએ અને કારની ફ્લડલાઈટમાં રસ્તા પર એક સસલું દેખાય ત્યાં તો એ કોઈક ઝાડીમાં છુપાય જાય. કેટલાકનો નાતો શબ્દ સાથે બંધાય છે, પછી અચાનક એ નાતો સસલાની જેમ ઝાડીમાં છુપાઈ જાય છે. અશરફ ડબાવાલાનું પણ શબ્દની સગાઈ સાથે કંઈક અંશે આવું જ થયું છે. હવે એ ઝાડીમાંથી બહાર નીકળ્યા છે. સડક પર અચાનક આવવું અને ફ્લડલાઈટમાં દેખાઈ જવું અને ફરી પાછા ઝાડમાં છુપાઈ જવું એટલે કે જીવનના અનુભવને સંચિત કરીને પછી શબ્દરૂપે પ્રગટ થવું. કહેવાય છે કે કવિ જયારે દેખીતી રીતે કવિતા લખતો ન હોય ત્યારે પણ એ અંદરથી કશુંક ને કશુંક ઘૂંટતો હોય છે. આ ઘૂંટવું એ જાહેરમાં પ્રગટ થતાં પહેલાંનો અંગત રિયાઝ છે.

અશરફ ડબાવાલા પોતાની શબ્દપ્રીતિ અને શબ્દપ્રવૃત્તિ વિશે સભાન અને જાગૃત છે. એ સાફ દિલે ઓછા શબ્દોમાં પોતાની સર્જનપ્રવૃતિના નકશાની એકાદ રેખા આંકી પણ આપે છે. માન્યતા પ્રમાણે પરિસ્થિતિ કે પરિસ્થિતિ પ્રમાણે માન્યતાની વાત છેડીને પ્રમાણિક એકરાર પણ કરે છે. “ક્યારેક પરકાયાપ્રવેશ કરીને, ઍરકન્ડિશન્ડ ઑફિસમાં બેઠાં બેઠાં, ભરબપોરે લાકડાં કાપતા કઠિયારાની વેદનાની વાત કરવા જેમ પણ કવિતા લખી છે” ખરેખર તો કોણ કોને લખે છે એ એક સનાતન પ્રશ્ન છે. કવિ કવિતાને લખે છે કે કવિતા કવિને લખે છે ? આ પ્રશ્નને પ્રશ્નરૂપે જ રહેવા દઈએ. કવિતા કવિને લખે તો આપણે કવિતાના જીવનમાં અને એના જીવંતપણામાં પ્રવેશ નહીં કરી શકીએ અને એને બદલે આપણે કવિના જીવન સુધી પહોંચી જઈશું. આપણે કાવ્યરસને ભૂલીને અન્ય કોઈ રસમાં જઈ ચઢશું અને કવિતાપદાર્થને ભૂલી બેસશું. દરેક કવિતાનો “હું” એટલે કે દરેક કવિતાનો નાયક કવિ જ છે એવાં સમીકરણો ન કરાય. અને શબ્દમાંથી જે પ્રગટે છે એ કવિ નહીં, પણ કવિને નામ તો એ જ છે, એ વાતનો છેદ પણ સહેલાઈથી ઉડાડાય એવો નથી. કવિ તો બે શબ્દોની વચ્ચે જે અવકાશ છે એમાં ક્યાંક છુપાયેલો હોય છે, મૂળ માણસરૂપે. આ માણસને આપણે માણસ તરીકે સંગોપી રાખીએ અને કવિને એની કવિતા દ્વારા જ પ્રગટ થવા દઈએ. ( આ કવિ ડૉક્ટર છે અને પરદેશમાં જ રહે છે એ મારે માટે, તમારે માટે આપણા સૌ માટે સાહિત્યેતર વાત છે.)

કૉલેજકાળથી શબ્દનાં બીજ વવાઈ ગયાં હતાં. બીજ જયારે અંધકાર ભોગવે છે ત્યારે જ ધરતી પર એ કશુંક થઈને પ્રગટે છે. જમણો હાથ મોં ભણી વળે એમ અશરફ ડબાવાલાની કલમ સહજ ભાવે ગઝલ તરફ વળેલી છે, ઢળેલી છે. ઉદ્દ્ગારની સરળતા એમની ગઝલની મોટી મિરાત છે. શીલ એવી શૈલી એ વાતને સહેજ પણ અન્ડરલાઈન કર્યા વિના મારે એટલું જ કહેવુ છે કે ક્રોસવર્ડપઝલ જેવી દુર્બોધ કવિતા ઘણી વાર જટિલ મનનું પરિણામ હોય છે. ક્યારેક આવી દુર્બોધ કવિતા સાહિત્યની સૃષ્ટિમાં ફૅશનનું ફરજંદ છે.

અશરફ ડબાવાલાની કાવ્યસૃષ્ટિ એક એવા ઉંબરાનો પરિચય આપે છે જે ઉંબરા પર એક દીવો છે. આ દીવો બે બાજુ પ્રકાશ ફેંકે છે. એક બાજુના પ્રકાશમાં નર્યા આનંદનું અજવાળું છે તો બીજી બાજુના પ્રકાશમાં ધુમ્મસિયો વિષાદ છે. આ વિષાદ તમને બેચેન કરી મૂકે એવો નથી, પણ તમારી આસપાસ એક આબોહવા ઊભી કરે એવો છે. એમના જ શબ્દોમાં કહીએ તો :

ભેદ ના પામી શક્યો અંધાર કે અજવાસનો,
સાંજનું ટાણું સમજવા આ જનમ લીધો હતો.

સાંજનો સ્વભાવ જ ભલભલાને વિવશ કરી મૂકે એવો છે. સાંજ પાસે જતાં દિવસનું તેજ હોય છે અને એની બંધ મુઠ્ઠીમાં આવનારી રાતનો અંધકાર હોય છે. જે માણસ સાંજના મિજાજને સમજે છે એ તેજ અને તિમિરનાં દ્રંદ્રોને સમજીને, બંનેની પાર જઈ શકે છે.

આપણે ત્યાં ગઝલ વિશે અનેક ભ્રમ પ્રવેશ્યા છે. ગઝલ એટલે લાગણી, રોદણાં ને રોતલવેડા. મુશાયરાની ચીજ. તાળીઓ પડવાનું માધ્યમ. હવે સમય પાક્યો છે કે આપણે બને એટલા આવી ગેરસમજણમાંથી જલદી મુક્ત થઈ જઈએ અને ગઝલને સાવકી આંખે જોવાનું માંડી વાળીએ.

અશરફ ડબાવાલાએ પરંપરાને છોડી કે તરછોડી નથી. એનો અર્થ એવો નથી કે એ જે કંઈ લખે છે તે પરંપરાગત છે. મારે એટલું જ કહેવું છે કે પરંપરા પ્રત્યે એમનું વલણ છે. પણ પરંપરાનું વળગણ નથી. પરંપરાનું જે કંઈ ઉત્તમ છે એ એમણે જતનપૂર્વક સાચવ્યું છે. આધુનિકતા પ્રત્યે એમની ગતિ છે. પણ એમાં કોઈ આંધળી દોટ નથી. એમણે ગઝલના વિવિધ છંદો અજમાવ્યા છે. ટૂંકી બહર અને લાંબી બહરની પણ ગઝલ આપી છે. “ઐસીતૈસી” જેવા રદીફને પણ નિભાવી જાણ્યા છે.

એમણે ગઝલ ઉપરાંત ગીતો પણ લખ્યા છે. આ ગીતનો સ્વાદ પણ અનેરો છે. ભલે વર્ષોથી અમેરિકામાં સ્થિર થયા હોય, પણ એમની કલમ અસલ મૂળિયાંને ભૂલી નથી. દાખલા તરીકે :

નાનપણથી રમતાં મારી સાથે કોડના ભેરુ,
કાલ પાંચીકા જીતતા હતા આજ પડ્યા છે પગમાં મેરુ;
આભને અડીને મેઘધનુમાં કેટલા બોલો હીંચકા ખાશું ?
ઓય માંથી હાશની લગી પહોંચ્યા પછી કેમના જાશું ?

અતીત એમની નોળવેલ છે. કેમ જાણે એ એમ કહેવા ન માગતા હોય કે “Bloom where you are planted” . એ તબીબનો વ્યવસાય કરે છે એ વાત પણ ક્યાંક તો પ્રગટ થઈ જાય છે. નીચેની પંક્તિ જોઈએ.

ડાક્ટર !
તમારી વાત હાવ હાચી છે
મને schizophrenia થ્યો છે

ગઝલ, ગીત અને અછાંદસ કાવ્યોનું અહીં પ્રયાગ પણ સર્જાયું છે અને પ્રયોગ પણ સર્જાયો છે.

કોઈ પણ કવિતા ભાગ્યે જ પૂર્ણ હોઈ શકે, કારણ કે એ અપૂર્ણ માણસમાંથી આવી છે. માણસ જો પૂર્ણ હોય તો એ દેવદૂત કે ઈશ્વર થઈ જાય. ઈશ્વર જેવા ઈશ્વરની સૃષ્ટિ પણ ક્યાં પૂર્ણ છે ? અશરફ ડબાવાલની કવિતાને કેટલીક મર્યાદા છે અથવા એમ કહી શકીએ કે કેટલીક લાક્ષણિકતા છે. લય, નાદ, ઝાંઝર, છાંયડા આ શબ્દો અવારનવાર પુનરાવર્તન પામે છે. સાતત્યથી લખતો કોઈ પણ કવિ પુનરાવર્તનથી ભાગ્યે જ બચી શકે. કેટલાંક પુનરાવર્તનનો અર્થપૂર્ણ હોય છે, ત્યારે મર્યાદા નથી થતી. જો અર્થપૂર્ણતાનો અભાવ હોય તો એણે મર્યાદા કહી શકાય.

ઘરમાં એવાં કોક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.

અશરફ ડબાવાલાની કવિતામાં આવાં ચોઘડિયાં અનેક વાર આવ્યા છે. કોઈ પણ સહૃદય ભાવક આ સંગ્રહ વાંચતા આવી અનેક પંક્તિઓ ગઝલ અને ગીતમાંથી શોધી શકશે. ઉદાહરણોથી આ લેખને ફુલાવવાનો લોભ જતો કરીને થોડાક શેર અને ગીતોને ટાંકુ છે, કવિતાની પ્રક્રિયાને પ્રગટ કરતો આ શેર જુઓ :

કાગળ ને કલમ લઈને લડવાની વાત છે,
ખંજરના જખ્મો લયથી ભરવાની વાતછે.

અનેક શેર અને ગીતોની પંક્તિ જે અન્ડરલાઈન કરી છે એમાંથી માત્ર થોડીક જ મૂકું છું જેને આધારે અશરફની સંવેદનાશીલતા અને તાજગીનો સ્પર્શ થયા વિના રહેશે નહીં :

સ્તબ્ધ જંગલ ને બધી બાજુ પવન પર પહેરા,
એમાં એક ડાળ હલી જાય અને વાત વધે.
*

તું દ્વાર ઉઘાડીશ તો ભરમ પણ નહીં રહે,
સાંકળ કે ટકોરા કે પ્રતીક્ષાની મજા દે.
*
તરસને બંધ બેસે એમ જળ તું શોધતો હો તો,
તને ટીપું નહીં મળશે, બધા શ્રાવણ તપાસી લે.
*
હું રાજવી ચરણનો ભલે રસ્તે મર્યો છું,
પગલાંની એક મોટી રિયાસત મૂકી ગયો.
*
આ પ્રતીતિના નગરમાં આપણું તો શું ગજું !
આપણે છળમાં હતાં તે આટલું જીવી ગયાં.
*
અંતરઘટમાં હોળી મેં તો શબદ રંગથી ખેલી રે !
વાત કરું તો નિર્મળ લાગુ મૌન રહું તો મેલી રે !
*
શબ્દોને કંકુથી પોંખી બેસાડો બાજોઠે,
કાગળિયાની અંદર ઝળહળ દીવા બત્રીશ કોઠે.

ગઝલનું ઘર કોઈ ઊંચા શિખર પર હોય છે. અને ત્યાં પહોંચવા માટે રદીફ-કાફિયા પગથિયાંની ગરજ સારે છે. આ પગથિયાં કેટલાંક અખંડિત પણ હોય અને કેટલાંક ખંડિત પણ હોય. જે શાયર આ રદીફ-કાફિયાનાં પગથિયાં પર બેસી જાય તે શિખર પર પહોંચી ન શકે. પણ જે આ બધાં પગથિયાંને એક પછી એક પાર કરતો જાય તે કદાચ આ શિખરની ટોચ પર પહોંચી શકે.

અશરફ ડબાવાલા આ શિખરની ખૂબ પાસે ને પાસે આવતા જણાય છે. કોઈ પણ કવિ પોતાનો પ્રથમ સંગ્રહથી આટલી પ્રતીતિ આપી શકે એ આનંદ અને આશ્ચર્ય બંનેની વાત છે.

“ધબકારનો વારસ“ કાવ્યસંગ્રહને હું હૃદયપૂર્વક આવકારું છું. અને અશરફ ડબાવાલાને અભિનંદન આપું છું – એવી અપેક્ષા સાથે કે આવનારાં વર્ષોમાં આપણને એમની કલમમાંથી ઉત્તરોત્તર આજે છે એનાથી પણ ઉત્તમ કાવ્ય સંગ્રહો મળતા રહે.

૧૯ એપ્રિલ ’૯૯
સુરેશ દલાલ


0 comments


Leave comment