3 - નિવેદન / ધબકારાનો વારસ / અશરફ ડબાવાલા


૧૯૭૦ની આસપાસ મેં, લલિત ત્રિવેદીએ અને અરવિંદ ભટ્ટે લખવાનું, એકબીજાને સંભળવાનું અને એકબીજાની લાગણીઓ સાથે સંકળાવાનું શરૂ કર્યું હતું. મધુ સાથે મૈત્રી પણ આ અરસામાં જ થયેલી અને તેમાં પણ કવિતા વચ્ચે હતી. મધુ સાથે જીવતા હંમેશા લાગ્યું છે કે જીવનમાં જે કંઈ મેં ઈચ્છ્યું છે તે બધું જ મળ્યું છે. ઘણીવાર માગ્યા પહેલાં મળ્યું છે અને ઘણીવાર માગ્યા કરતાં વધારે મળ્યું છે. ૧૯૭૦થી ૧૯૭૯ સુધી થોડું થોડું લખાતું રહ્યું. ત્યારપછી તબીબી વ્યવસાય અને જીવનમાં એવા મશગૂલ થઈ ગયા કે સોળ વર્ષ સુધી કંઈ જ લખાયું નહીં. શિકાગોમાં ઠરીને ઠામ થયા પછી ૧૯૯૫માં કંઈક ન સમજાય એવી મનમાં ઊથલપાથલ થઈ અને “ફરી લવારો લઈને બેઠાં અમે ટેરવાં પર” આ સંગ્રહની મોટા ભાગની રચનાઓ છેલ્લાં ત્રણ વર્ષમાં લખાયેલી છે. થોડીક પચ્ચીસ વર્ષ પહેલાં લખેલી રચનાઓ પણ લીધી છે.

આપણા રોજિંદા જીવનમાં આપણે આપણી જાતથી દૂર દૂર જીવતા હોઈએ છીએ. મારા માટે કવિતા એ એક એવું આશીર્વાદરૂપ માધ્યમ છે જેના વડે હું મારી સમીપ જઈને મારી જાત સાથે સંવાદ કરી શકું છું, કંઈક સાંભળી શકું છું અને કંઈક સંભળાવી શકું છું. મને વાસ્તવિકતા સાથે લગાવ છે અને સપનાંઓ પર પ્રેમ છે. હું હંમેશા વર્તમાનમાં જીવ્યો છું, પણ સપનાંઓને સાથે રાખીને. બર્નાર્ડ શૉના એક અવતરણે મારા મન પર ખૂબ ઊંડી અસર કરી છે. એક વાર તેમણે કહેલું :

You see things ; and you say, ‘Why?’
But I dream things that never were ;
And I say, ‘Why-not?’

ઘણીવાર મિત્રો પૂછે છે કે આટલી બધી વ્યસ્તતા અને આટલું બધું સુખ હોવા છતાં કવિતા કેમ લખાય છે ? મારા સર્જનની મુખ્ય પ્રેરણા મધુ રહી છે. એ મારી પ્રથમ ભાવક અને વિવેચક છે. ઘણીવાર કવિતા તેની સાથેની વાતચીતનું સ્વરૂપ લઈને આવે છે. એ ઉપરાંત આસપાસના લોકોના અને દરદીઓના જીવનમાં થતી હૃદયદ્રાવક ઘટનાઓ પણ મને લખવા મજબૂર કરે છે. મને હંમેશા લાગ્યું છે આપણી આસપાસની પરિસ્થિતિ આપણી માન્યતાઓ પ્રમાણે હોવી જોઈએ. પણ હકીકતમાં આપણી માન્યતાઓ આપણી આસપાસની પરિસ્થિતિ પ્રમાણે બંધાતી હોય છે. પરિસ્થિતિ અને માન્યતાઓનો આ સંઘર્ષ દરેકના મનમાં સતત ચાલતો હોય છે. અને એ સર્જન માટે અવિરત બળ બની રહે છે. ક્યારેક પરકાયાપ્રવેશ કરીને એરકન્ડિશન્ડ ઑફિસમાં બેઠાં બેઠાં ભરબપોરે લાકડાં કાપતા કઠિયારાની વેદનાની વાત કરવા જેમ કવિતા લખી છે. સ્વ. બચુભાઈ રાવત, સુરેશ દલાલ, આદિલ મન્સૂરી, જવાહર બક્ષી, પુરષોત્તમ ઉપાધ્યાય, જયંત શાહ અને બાબુભાઈ પટેલ (જામનગર) જેવા વડીલ મિત્રોએ મારા કાવ્ય-સર્જનમાં જે ઉત્સાહ અને ઉમંગ બતાવ્યા છે એ પણ મારા માટે પ્રેરણાદાયક બની રહ્યા છે.

સુરેશ દલાલે હું જામનગર મેડીકલ કૉલેજમાં વિદ્યાર્થી હતો ત્યારેથી મારી કાવ્યપ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું છે. આ સંગ્રહની પ્રસ્તાવના લખવા બદલ હું તેમનો આભરી છું. અને ખૂબ જ ઝડપથી આ સંગ્રહ તૈયાર કરવા માટે હિતેન આનંદપરા અને ઈમેજ પબ્લિકેશન્સના બધાં જ સભ્યોનો હ્રદયપૂરવક આભાર માનું છું.

અશરફ ડબાવાલ
(શિકાગો)


0 comments


Leave comment