13 - કાંઠાનું જળ / કંદર્પ ર. દેસાઈ


   સામસામે મેડીબંધ મકાનોવાળા અમારા ફળિયામાં ખાસ્સી વસ્તી. બધાં મળીને આઠેક કુટુંબો રહેતાં હશે, વાડામાં રહે તે જુદાં. એમાં મેડીબંધ મકાનોને સળંગ અગાશી એટલે ઉપરના માળેથી એકબીજાનાં ઘરે જવું-આવવું; ડોકિયાં તાણવાં એ કોઈ નવી વાત નહીં. એકવાર કરાનો વરસાદ થયેલો તે આખી ગેરુઆલાલ રંગની અગાશી ઉપર સફેદ ચાદર પથરાઈ ગઈ ! પછી ધીમે ધીમે બરફ ઓગળ્યો એટલે અગાશીનો અસલ રંગ વધારે ઊજળો થઈને બહાર આવ્યો, એવું તો સુંદર લાગે ! જોકે આ સરસ કંઈ હંમેશા નથી હોતું. મોટાભાગે તો ધૂળ ઊડ્યા કરે, ઊડ્યા કરે એટલે આખી અગાશી સાવ મટ્ટમેલી. રોજ રોજ-ધોવી હોય તો મુસીબત, પાણી લાવવા છેક વાડાની પાછળ જવાનું. ત્યાં કૂવો છે, સીંચી સીંચીને બાવડાં રહી જાય. ઉનાળામાં તો પાણી વધારે ઊંડાં જાય તે સીંચણિયાંય ટૂંકાં પડે. જોકે જસીબા હોંશે હોંશે બે ઘડા પાણી સીંચી આપે, ‘એમાં ક્યાં ઘસઈ જવી ’ તી ?’ જસીબા ગજુભાને ઘણીવાર કહેતાં, ‘એક આ વાડામાં કૂવો ગળાવી દ્યોને, નિરાંત તો થાય.’ પણ ગજુભા સાંભળે તો થઈ રહ્યું ! વર-બૈરી વચ્ચે, એવો ઝઘડો તો કાયમનો. આ આખો વાડો ને ફળિયું એમનું, ખાસ્સી જમીન છે. ખેતરાંમાં કૂવો ગળાવ્યો છે ને ત્યાં મશીને ય મુકાવ્યું છે. મશીન ચાલુ હોય તો એનો અવાજ છેક અહીં સુધી સંભળાય ‘ઠક્ ઠક્ ઠક્.....’

    ફળીમાંથી બહાર આવીએ એટલે વાડો આવે, મોટા જબ્બર વાડામાં, લીમડા, પીપર ને વડનાં ઝાડવાં, ઢોરાંની નીરણ માટેના પૂળાના ગંજ ઠેકઠેકાણે ખડક્યા હોય. કરસાંઠીના ય ઢગ. જસીબા ભૂંસીમાં છાણ ભેળવી-રગદોળી છાણાં થાપતાં નજરે પડે. વાડામાં દી' આખો એમને કામ પહોંચે, ઢોરાંને દોહવાથી લઈ કૂતરાંને રોટલો નીરવા સુધીનાં બધાં કામ ને તોય જ્યારે જુઓ ત્યારે જસીબા ગપાટા મારતાં નજરે પડે. કો'કવાર કહીએ : ‘ભાભી વાતો ઓછી કરો તો કામ ફટાફટ થાય.'
   ‘આંઈ ફટાફટ કરીનેય ક્યાં જાવી 'તી ? ને હાચું કઉં નાનભૈ, હું વાતો નો કરું તો મારાથી કામ ઊકલે જ નહીં.’ કહેતાં હી... હી... કરતાં એવો ઠાઠીયારો કરે !

   એમને વાતો માટે કંઈ પણ, કોઈપણ ચાલે. મારી આગળ સ્કૂલથી માંડીને બાવાની મઢી સુધીની વાતો કરે, કઢાવે. કંઈ નહીં તો છેવટે કોંઢારમાં બાંધેલા કાળિયા ગમી જોઈ કે’ય :
    ‘છે ને અસલ !’

   જબરો હટ્ટોકટ્ટો ને મારકણો, આખલાનેય ભુલાવે એવો એ કાળિયો મરવા પડ્યો ત્યારે દુઃખીયે ખૂબ થયેલાં. જોકે પછી પાલવથી આંખ લૂછી બોલેલાં ય ખરાં, ‘ભલે ને ગમે એવો હતો, છેવટે તો ગોધલ્યોને !’

   આ ગોધલ્યો એટલે શું ? તેય જસીબાએ જ સમજાવેલું. અગાશીમાં ચોપડી લઈ બેઠો ’તો તે પાછળથી આઈ ચોપડી ઝૂંટવી લીધી ને કે : ‘આંઈ શું બેઠાં છો ? જાઓ વાડામાં કાંક નવતર જોવા જેવું છે !'
   ‘શું ક્યો તો ખરાં-’
   ‘ઇ તમીં કે’જો, જોઈ આવ્યા પછી... હંતઈને જો જો.’

   તે દી વેડવા વાઘરીને તેડાયેલો. કોંઢારના છેક છેવાડાના ભાગે નાલ્લા વાછડાને ધારદાર ચીપિયાથી પાછલા ભાગે પગ વચ્ચેની નસ દબાવી દીધેલી. વાછડું એવડુંક અમથું પણ શું ઊછળે શું ઊછળે... એવો જીવ સટોસટનો તફડાટ તો જોયેલો જ નહીં. જીવનેય કેવાં કેવાં વળગણો હોય છે !

   એ પછી પ્રાથમિક આરોગ્યકેંદ્રની બસમાંથી ઊતરતા જણની મશ્કરી કરવાની મઝા આવતી, ‘એ ગોધલ્યો થઈ આવ્યો !’ કો’ક શરમાઈને નીચી મૂડીએ હાલ્યા જાય, કો'ક વળી રૂવાબેય ઠોકે, ‘તૈણ્ય છોકરાંનો બાપ છું.’
   ‘તેની ક્યાં ના, પણ હવે તો...’ કહેતાં રાજેન્દ્ર જેવું કો’ક અધૂરા વાક્યે જ હસવા માંડે.

   આ ભાભીયે ખરાં છે, આવું તેવું કંઈ વિચારતાં હઈએ ત્યારે જ પૂછે, ‘એં નાનભૈ શું કરો છો ! બહુ વાંચ્યું અવે. બોલો શું ભણ્યા સ્કુલમાં ? કે પછી તળાવની પાળોને ભણાવી ?’
    મને સ્કૂલ કરતાં, એની બાજુમાં આવેલું તળાવ વધારે ગમે, એવું એ પાછાં જાણે. ને તળાવે એવું મોટું – આ કાંઠે ઊભા હોઈએ તો પેલા કાંઠે ઊભેલો જણ સાવ કીડી ભળાય. આખું છલોછલ તળાવ તો બે-ચાર વરસે ભરાય. બાકી તો ઊણું જ હોય. જે વરસે વરસાદ ઓછો હોય ત્યારે તો કાળી જમીનમાં વેંત વેંત પહોળી ચિરાડો પડી જાય. તોય તળાવની રોનક ખરી. ચારેબાજુએ ગાડાવાટ – પહોળી પાળો, એક મંદિર ને વડ, આંબા ને જાંબુનાં મોટાં મોટાં ઝાડવાં. આંબા તો મોટાભાગે વાંઝિયા પણ કાળાં તસતસતાં જાંબુ ચૂસી ચૂસીને ખાવાની મઝા તો કંઈ ઓર જ ! લાંબી વડવાઈઓ ઝાલીને કણબીના છોકરાઓ જે ધુબાકા મારે ! પાછા પાણીમાં ખાટલી થાય, મડદું થાય, કોક વળી દીવોય કરે, મગર જેમ પડ્યા હોય પાણીમાં. પાણીમાં જવાનું તો મનેય ઘણું મન થાય પણ તરતાં આવડે નહીં. એકવાર ડૂબતો બચેલો, જોકે તોય તળાવે જવાનું છોડ્યું નહીં. આકર્ષણ જ એવું હતું કે આ બૈરાં બધાં, જસીબા જેવાં. પાણી ભાળે એટલે પત્યું. કશું ભાન જ નહીં ! દી આખો ઘરમાં લાજમલાજામાં રહેવાનું એટલે અહીંની મોકળાશ મનભરીને માણે પણ એમાં અમારા જેવાનું આવી બને એનું શું? ચણિયાભેર ખાબકે ને પછી ભીનાં લથબથ શરીરો તડકામાં ચમક્યાં કરે, પછી રાત આખી આંખો આગળ ચઢતી-ઊતરતી લહેરોની જેમ એ શરીરો લહેરાયાં કરે. જોકે એવું ખાસમખાસ તો કંઈ ભળાય નહીં પણ જોવા મળશે એવી આશાએ છુપાઈને બેઠા હોઈએ ત્યારે અચૂક થાય કે ભગવાને આ આંખો ભેગાં બાયનોક્યુલરેય દીધાં હોત તો !

   આ તળાવે જવાનું ના મળે એનું જસીબાને બહુ ઓછું આવે : ‘બળ્યો આ બૈરાંનો અવતાર ! તળાવ તો મને એવું ગમે... એય ને છૂટાં પગે ન્હાવાનું ને માછલીની જેમ સરકવાનું ને... ને... પછી અડવાનું પાણીની અંદર, પોતાને અડવું હોય જેમ ને જ્યાં ત્યાં...’
   ‘તે તમને તરતાં આવડે-’
   ‘તે નંઇ ? એવું અસલ - નાની હતી ત્યારે ગામના તળાવે ન્હાવાનું. એવી મઝા આવે.’ પછી પોતાના લાંબા કાળા વાળનો જથ્થો આગળ ધરી કહે, ‘આ વાળ તળાવની માટીથી આવા કાળા નાગ જેવા કર્યા છે તંઈ તો આજેય આવા છે !’ કહેતાં મારા મોં માથે વાળનો ઢગલો ફેંકે.
   ‘તમેય શું....’ કહેતાં હું આઘો ખસું પણ પછી જ્યારે ભીના લથબથ શરીરે કાંઠે ઊભેલાં બૈરાંઓની હાર યાદ આવે તો એમાં પાછાં ક્યાંક જસીબાય હોય. આમ કંઈ દેખાવે ખોટાં નહીં તોય ચણીયાભેર ઊભાં હોય તો કેવાં વરવાં લાગે તે પાછાં જોવાંય ગમે એ વિચારે હસવું આવે.

   એ વરસે બહુ પાણી પડેલું. ધોબીઘાટના પથરા તો ડૂબેલા જ, તળાવની પડખે આવેલી સ્કૂલના ઓરડામાંય પાણી પેઠેલાં ને વરસાદ તો અટકવાનું નામ જ ના લે. આમ ને આમ વરસ્યા કરે તો તળાવ ફાટે. પાળા ગમે એટલા મોટા કેમ ન હોય, છેવટે તો માટીના જને ?
   ‘ભર્યું તળાવ ભોગ માંગે...’ પૂજારીએ કહ્યું : ‘તળાવને ભોગ આપી દો તો એની મેળે ઠરવા માંડશે.’ ગામના મુખીએ કહ્યું, ‘ભલે, ગામનું સારું થતું હોય તો હું મારું લોહી ચઢાવીશ.’ વરસતા વરસાદે હાથમાં શ્રીફળ અને ખુલ્લી તરવારે મુખી સાથે સૌ તળાવની ઓતરાતી દિશાએ પહોંચ્યાં. પાણીની આય અહીંથી. પૂજારીએ અબીલગુલાલ ને અક્ષતચંદનથી જળદેવતાને પૂજ્યા પછી શ્રીફળ વહેતું મૂક્યું ને તરત મુખીએ જમણા હાથની પહેલી આંગળીએ તલવાર સેરવી. દડદડ દડડ...દડ..... જળને અંજલિ ભરીને લોહી ચઢાવ્યું. આંખ મીંચી, ખરા મનથી પ્રાર્થના કરી. કલાકમાં તો પાણી વરસતું અટક્યું ને તળાવેય ઊભરાતું અટક્યું. ગામમાં મુખીની વાહ વાહ થઈ : કેવો પરગજુ ને છાતીવાળો આદમી ! ફળિયામાં ય વાતો થઈ ત્યારે ગજુભા બોલ્યા, ‘જળદેવતાને આમ તે ઠગાતા હશે ? ગામને જ ભારે પડશે. ભોગ દેવાનું કીધું તે કંઈ લોહી છાંટીને થોડા હાલ્યા અવાય ?

   સાંભળતાંક જસીબા ભભક્યાં, ‘તયેં શું ? માણસ કાંઈ ગરદન કાપી આપે ?’ પછી મુખીનાં વખાણ કરતાં કે’ : ‘ખરો મરદ તો ઇ દેખું ! ઘડીનોય વચાર નોં કર્યો ને એક તમે છો - કોઈના હાટું એક સળીના બે કટકાય કરો છો ? બધું પોતાના સવારથનું...'
  
   જોકે એ ચોમાસું મારે માટે ભારે. ઘરેથી બધાંની ના હોય એટલે તળાવે ન્હાવાનો કે તરતા શીખવાનો તો સવાલ જ ન ’તો પણ પાણી જોઈને મન અવળસવળ ને ઊંચુંનીચું થાય. ક્યારે જઈ કપડાં ઉતારી આ બીજાં બધાંની જેમ છલાંગ ભરું ? પણ આમાંનું કંઈ થઈ શકે નહીં એટલે સ્કૂલેથી છૂટતી વખતે ક્યારેક છબછબિયાં કરી લઉં.

   એવી જ એક સાંજે કાંઠાળા જળમાં ઊતરતો હતો અને પાછળથી કોઈનો ધક્કો આવ્યો કે આગળથી કોઈએ પગ ખેંચ્યો; કંઈ સરત ન રહી પણ અચાનક હું પાણીની વચ્ચોવચ ! આગળપાછળ-આજુબાજુ-ઉપરનીચે બધે પાણી જ બસ પાણી ! શ્વાસમાંય પાણી. છાતીમાં જબ્બર ભીંસ, આંખે અંધારાં. ચારેબાજુથી પાણી દબાણ કરવા માંડ્યું. મન મૂંઝાવા માંડ્યું ને શરીર પરનો કાબૂ સાવ ગયો. જરા આગળ ખેંચાયો કે પાછળ ? હાથ ને પગ ફડફડવા માંડ્યા. આ શરીર ઊડ્યું કે શું ? કાનમાં સુસવાટા મારતી તમરીઓ બોલી ને વળતી ક્ષણે ડોક અધ્ધર ઊંચકાઈને પાણીની બહાર. વળી, પાછા હાથપગ ઊછળ્યા. જરા જોરમાં શ્વાસ લીધો, મૂક્યો ને ખાંસતો, કાંઠા ભણી ખેંચાતો... એ પછી કદી પાણીમાં પગ મૂક્યો નથી. ના, છબછબિયાં કરવા પણ નહીં.

   જસીબાને આ વાતની ખબર પડે તો બાપ રે ! દેકારો મચાવી દે ‘તે નાનભૈ, તળાવે ગ્યા જ શું કામ’થી માંડી ‘હાળાવને સબોસબ ઝૂડી કાઢીએને, એમ કંઈ કોઈને ધક્કો દેવાય છે ?’ પૂછે, બધું તંતોતંત પૂછે ને યાદ પણ રાખે. પડી, જસીબાને ખબર પડી તો કહે, ‘ઝૂડી નાંખીએને સાલાને ?’
   ‘કોને ?’
   ‘ધક્કો માર્યો એને.'

   પણ ખબર તો હોવી જોઈએને ? ને આ તો નક્કીય નથી કે ધક્કો વાગ્યો કે એમનેમ પડ્યો.’ ‘હં.’ પછી ગંભીર ભાવે બોલ્યાં, ‘આવું ના ચાલે નાનભૈ, તમારે તરતા તો શીખી લેવું જોઈએ. હાલો, હું તમને શીખવીશ; અમારા ફળીવાળા ખેતરે.....’ હું હસ્યો તો કે, ‘નાનભૈ હાવ હાચું કઉં છું, તમારા સમ.’

   પણ આ નાનભૈને એ દિવસોમાં તરતા શીખવાનું તો ઠીક; ભણવામાંય રસ ન ’તો. અંદરની ભોંયની એક નવી સપાટી બહાર આવવા મથી રહી હતી. નર્યું કુતૂહલ અને તે સંતોષવા છૂપું છૂપું કાન દઈ, આંખ માંડી, નાક સંકોરી સામું આવી મળે તે સઘળાંને ઊંડા શ્વાસે અંદર ઉતારી, પટારે ઘાલી, પોતીકું કરવા આઠે ઈન્દ્રિયો ઊભા પગે !

   એવું બધું હાથવગું જ છે, બસ જરાક મન મંડાવું જોઈએ. સ્કૂલની જ વાત કરોને ! પશા પટાવાળા અને રુખી પાણીવાળી વચ્ચે કાયમના સનકારા ચાલુ જ હોય, પચા માણસની વચ્ચે પશાએ જે સંદેશો રુખીને આલવો હોય એ આલી જ દે ને તોય કોઈ ભડને ખબર ના પડે. એવું એક ઠેકાણું સ્કૂલનો અધૂરો બંધાયેલો બીજો માળ છે. ઘણાંયનું એ મિલનસ્થાન છે.
  
   તે દિવસે રાજેન્દ્રએ સારિકા, પુષ્પા ને માલતીની હાજરીમાં ચંદુનો કાંઠલો ઝાલ્યો. ચંદુએ ઓલી સારિકાને કાંક જરીક અમથી આંખ મારી 'તી. એમાં તો રાજુએ એને ખાસ્સો ખંખેરી નાખ્યો. ચંદુડો કે’ ‘બાપુ છોડી દ્યો તમારી ગા.’
   ‘પણ કરીશ ફરી કદી આવું?’
   ‘પણ મેં કાંય નથ્ય કર્યું.'

   ને બાપુને રંગ ચડ્યો. ‘કાં, આને આંખ નો ’તી મારી ? લે, હાલ કે’ કેમની મારી ’તી ?’ શું બોલે ? ડાઘિયાની વચ્ચે ફસાયેલી બિલ્લીની ચકળવકળ થતી આંખોથી એ જુએ છે ને આ બાજુ રાજુએ સારિકાની સામે જોતાં જોતાં ‘કઈ આંખ પહેલાં દાબી ’તી, ડાબી કે જમણી ? ને પછી આડું જોઈ સીટી ન 'તી મારી ? કે છેવટે તેં આમ જાળિયું કરીનેય આંખ મારી હશે' કરતાં શક્ય એટલી જુદી જુદી રીતે આંખો માર્યા કરી. સારિકા થોડું હસી. એના ખીલભર્યા ચહેરા પર એવું હસવું બહુ ભદ્દું લાગે છે. છાતી સહેજ ટટ્ટાર કરીને પુસ્તકો ચાંપ્યાં.
   ‘ચાલ પુષ્પા હવે જઈએ.’

   એકદમ જ રાજુએ ચંદુને છોડી દીધો, ‘જા, ભાગ સાલા' કહેતાં મા-બેન સમાણી ગાળ બોલવા જતો ’તો તે અડધી મૂકી પૂછ્યું, ‘બસ જવું જ છે ?’ ‘હા, તારા કરતાં તો ચંદુ સારો, એણે એક જ વાર આંખ મારેલી ને તેં તો ?..... તેં તો...’ વળી, એક વિજયી સ્મિત સારિકાએ કર્યું. રાજુ તો બિલકુલ ચીત. છોકરીઓનું ટોળું જવા માંડ્યું. રાજુ હજીયે ત્યાં ઊભો છે. છોકરી હતી તો ફસી. થોડીવારે એકદમ જ પુષ્પા દોડતી આવી.
   ‘કેમ પાછી આવી ?’
   ‘મારું ઇનામ લેવા –' કરતી રાજુના પડખામાં ભરાઈ. ‘કેટલી પડ્ય કરી ત્યારે તો સારિકા અહીં સુધી આવવા રાજી થઈ. તો હવે એક-’ પુષ્પાએ પોતાનું મોઢું રાજુના મ્હોં પાસે લાવી મૂક્યું.

   મારા કાન ગરમ અને તાળવું ચિક્કટગુંદર..... બસ, બહુ જોયું. કબૂતરાં ઊડતાં હોય એમ કાચી દીવાલ પાછળથી બહાર આવ્યો ને પુષ્પા જે ભાગી છે – રાજુને તો કશો વાંધો ન’તો.
    ‘જોયું ? ઉપરથી પડતી આવે છેને ?’

   મને હસવું એનું આવ્યું કે આ પુષ્પા પાછળ પેલો કાંતિ ઘેલો છે ! પેલા ખેલમાં દીઠેલા રાજા ભરથરીનો વૈરાગ હવે થોડો થોડો સમજાવા લાગ્યો છે. પણ આ બધું શું ખરેખર છોડી દેવા લાયક છે ? હજી તો મેં જોયું છે જ શું ? ઊંડી ખીણોમાં દરિયો થઈ રેલાવાનું છે ને – અરીસામાં જોઉં છું : ઊજળી રતાશ પડતી ચામડીમાં ખુશીની લહેરો નાચે છે. પુષ્ટ, દાણા ભરાયેલી ઘઉંની ઊંબીઓ લહેરાય છે, કપાસથી ફાટું ફાટું થતાં કાલાં જેમ. જસીબા માથે ટપલી મારી પૂછે છે, ‘કાં, નાનભૈ આટલા ખુશ છો ? આજે કોણ તમારી સામે જોઈ હસ્યું ’તું – ગીતા કે રેણુ ?’

   ઘરમાં – વાડામાં બેઠાં બેઠાં જસીબા બધી ખબર રાખે છે. અમારા દસમાના ક્લાસમાં બે નવી છોકરીઓ આવી છે. રેણુ ને ગીતા. સાવ અંધારી દિશા જેવી, કોઈને એ બે વિશે ખબર નથી. બધાય છોકરા, ફૂટતા ખેતરમાં વા આવે ને ડૂંડાં હાલી ઊઠે એમ ખળભળી ઊઠેલા. રેણુ ઊજળી ને સુક્કી, હાથ હલાવ્યા વિના ચાલે. કશીય ટાપટીપ વિનાની ને ભણવામાં સાધારણ. એનું આકર્ષણ બહુ ઝડપથી દૂધના ઊભરાની જેમ ઓસરી ગયું. પણ ગીતાએ મચાવેલો ગોકીરો એમનેમ રહ્યો. જુદી ઢબે વાળ ઓળ્યા હોય કે કોઈ બીજી છોકરી સાથે વાત કરી હોય; કશુંય કોઈની નોંધ બહાર ના જાય. એને વર્ષા સાથે ફાવી ગયું. બંને થોડી ટાપટીપ કરે, આઈ-બ્રો પણ સેટ કરાવે, શનિવારે સુંદર કલરફૂલ કપડાં ને ઊંચી એડીનાં સેન્ડલ પહેરે. એમાં વાસુએ મેળ પાડવા કંઈક ધમપછાડા કરેલા. વાસુ જ શું કામ ? બીજાય દસ-બાર એની લાઇનમાં હતા. ધીમે ધીમે સમય વીતવા માંડ્યો એટલે ‘આપણે તો એની સાથે વાત કરી છે’થી લઈને ‘અડી આવ્યો છું’ – કહેનારાની સંખ્યા વધવા માંડી. જો આ બધું સિરીયસલી લઈએ તો એમ જ લાગે કે ગીતા તો સાવ ઊઘાડી ફટ્ટ, બજારમાં છે ને જે આવે તે બધાં એની દુકાનમાં આંટો મારી લે છે પણ ગીતાને જુઓ તો, એ તો આનંદથી ભણે છે, પરીક્ષાની તૈયારી કરે છે ને એય મઝાની હસે-બોલે છે !

   ત્યાં મહેન્દ્રએ કહ્યું, ‘વર્ષાનાં સીલ તૂટ્યાં.’
   પહેલાં તો હું ‘સીલ તૂટયાં’નો મતલબ સમજેલો જ નહીં પછી બત્તી થઈ... પણ દુનિયા તો ગીતા પાછળ દિવાની હતી, એમાં વર્ષા ક્યાંથી ફૂટી નીકળી ?
    ‘એ તો એવું જ હોય. કહીં પે નિગાહેં કહીં પે નિશાના. પણ તું સાંભળ તો ખરો. સાયકલ ચલાવે છે તોય હાળી બહુ મજબૂત હતી. શું લોહીનો ફુવ્વારો છૂટ્યો છે !’ જાણે હમણાં જ જાતે જોઈને-જઈને આવ્યો હોય ને એનાં પેરણ ઉપર પેલીના લોહીના છાંટા ના ઊડ્યા હોય એમ એણે કહેવા માંડ્યું.

   ‘પણ તોડ્યાં કોણે ?’ મેં મુદ્દાનો સવાલ ઉઠાવ્યો. એ જ પળે જસીબાનો વિચાર આવ્યો. એમને આ ખબરેય મળી જશે ? શી ખબર – પણ મહેન્દ્રે કશો જવાબ ના આપ્યો એટલે ફરી પૂછ્યું.

   એ સહેજ ઓઝપાયો કેમકે એ તો નહોતો જ. ‘ચંદુ’
   મને તરત જ રાજેન્દ્રના હાથનો માર ખાતો ચંદુ દેખાણો. એમ, ભલે માર ખાધો પણ..... ‘જા જા હવે ફેંક નહીં.’

   ‘લે તારે, ના માનીશ, પૂછી લેજે કોઈને બી...’ પૂછવાનું શું ? કહેવાતા બધા વીર ઝાંખા પડ્યા છે, રાજેન્દ્ર હથેળી મસળતો હતો અને વાસુ ઝનૂનભેર આંટા મારે છે. બધા રાહ જુએ છે ક્યારે વર્ષા લોબીમાંથી પસાર થાય અને – લો, આ આવી, એ અને ગીતા સાથે જ છે. ડાબા હાથથી છાતીએ પુસ્તકો વળગાડ્યાં છે, સ્કર્ટની ઝૂલ આમતેમ ઝૂલ્યા કરે છે. સૌ એકીટસે એને, સામેથી આવતી, પસાર થતી અને જતી રહેતી તાકતા ઊભા છે. વાતાવરણમાં ન સમજાય તેવો સન્નાટો છે. છેવટે બંને ગર્લ્સરૂમમાં ગઈ કે તરત પાણી ડહોળાયું.
   ‘કેવી મીંઢી છે ! મોઢા પરથી કંઈ ખબર પડે છે ?’
   ‘પણ એની ચાલ જોઈ ? બદલાઈ ગઈ છે.'
   ‘હા, પગ સ્હેજ ત્રાંસો પડે છે.'

   તો એક વાત પાકી. સિક્કો વાગી ગયો. વર્ષા તો ગઈ. સેકન્ડ ક્લાસ છોકરીને સેકન્ડ ક્લાસ છોકરો મળે. એમાં ખોટું શું ? આપણે તો ફર્સ્ટ ક્લાસ ને ગીતાય ક્યાં કમ છે – એમ કંઈ કોઈનેય હાથ થોડી મૂકવા દે ? પણ તોય, વર્ષા જાય તો આય જાય. બસ બધા પોતાની પોઝીશન લઈ ગોઠવાઈ ગયા છે. ગીતા પાકેલું ફળ છે; ગમે ત્યારે હાથમાં આવી પડશે !

   મેં મારો જમણો હાથ જોયો. ગયા અઠવાડિયે ગીતાએ મારી પાસેથી વિજ્ઞાનની નોટ્સ લીધી'તી; આંગળી જરા અડકી હતી, એની આંખોએ સ્મિત પણ ફરકાવેલું. બને કે એ પડું પડું થતું પાકું ફળ આ હાથમાંય આવે. એમાં ખોટું શું ? એ રાત્રે ફરી એકવાર ઊછળતા દરિયાની ભીનાશનો અનુભવ થયો.

   સ્કૂલ સિવાય પણ ક્યાં જોવા જેવું નથી ? ઇયળ તો ખૂણે ખાંચરે ચોંટી હોય પણ લક્કડખોદ એને શોધીને જ ઝંપે. આ જસીબા જ લો, બઈને છાણાં થાપતાં ભાનેય નથી પડતી કે પગ પહોળા કરીને બેઠી છે તે ઘાઘરો ઊંચે ચઢ્યો ને – ગોરી ગોરી માખણના પિંડા જેવી પગની પિંડીઓને... આંખોને માંડ માંડ ઊંચે જતી અટકાવું છું પણ ભાભી તો જાણે સાવ શરમ વિનાનાં હોય એમ પાછા હાંક મારીને બોલાવે,

   ‘એ... નાનભૈ, જરા આંઇ આવો ને આ ભૂંસીનો સૂંડલો ઓરો કરો ’તો.’ આમેય જસીબા કંઈ ઓછાં નથી. પંચાયતે તળાવકાંઠે બોર કરાવેલો. આમ તો તળાવે ચોકડીઓની હાર બાંધેલી પણ તળ સુકાય ત્યારે ત્યાં પાણી ના આવે. પછી આ બોરનું પાણી વાપરવાનું. ગામના બૈરાંઓને સુખ તો ખરું. વાતોય પાછી જબરી એવીઓની.

   ‘એવું સરસ પાણી છે ! દાળ તો ફટાફટ ચડી ગઈ. મારે તો બઈ, ખારો નાખવો જ નો પડ્યો !’
   ‘ને કેવું ગરમાગરમ ! ડિલે ચોળીને નાઈએ તો બધો થાક નીતરી જાય.' ફાટફાટ થતાં જસીબા કે, ‘મરદના હંગાથ જેવું હુંફાળું લાગે.'
   ‘તે, તને તો બઇ જ્યાં હોય ત્યાં એ જ દેખાય.’
   ‘બઇ શું કઉં, ગળા સુધી ઠસોઠસ છું, કોઈ રાતે.....’
 
   રતનબા વળી, એમના ઘરવાળાની માંડે, ‘આમ તો ભાભી, તમારા ભઈ દેખાય છે એટલા જ ભોળા છે હોં.'
   ‘કાં વળી, શું નવું થ્યું ?'
   ‘નવું તો શું – એ રોજેરોજનું, હજી વરસાદને તો કેટલી વાર છે – તો ય બે દિ' પહેલાં છાપરે ચડ્યાં 'તાં, નળિયાં સંચરવા.’
   ‘હા તે મીં જોયા 'તા. પછી ?’
   ‘પછી શું ? રાતે કેય આ ચાંદરડાં તારા ડિલે કેવાં સરસ લાગે છે ! મુઈ, મું તો એવી શરમાઈ એવી શરમાઈ કે પછી એમનાથી છૂટી જ ના પડી.’

   કાનની બૂટ તો અંગારા જેમ તપે છે ને હથેળીઓમાં પસીનો વળવા માંડ્યો. આ મેં ક્યાં કાન માંડ્યા ? તરત દોડતો મેડીનો દાદર ચઢી જઈ ચાદર ઓઢીને સૂઈ જઉં છું ! મોડી રાત સુધી ઊંઘ નથી આવતી. ગરમગરમ સીસાની જેમ કાનમાં શબ્દો સસણ્યા કરે છે. આંખમાં તો જાણે કાળી બળતરા ઊઠતી હોય એમ લ્હાય લ્હાય થાય છે. પાણીની છાલકો લગાવું છું તો જાણે પાણી વરાળ બની ઊડી જાય છે. ઊભો થઈને અગાશીમાં આવું છું. તેરસનો ચાંદો ઠંડક આપે પણ આ તો જાણે એમાંથી જ આગ વરસતી હોય એમ લાગે છે. બાજુમાં જ જસીબા અને ગજુભાની મેડી છે. મોટો જબ્બર, ચાર માણસ સૂએ એવો ઢોલિયો. બારીમાંથી બધું દેખાય. કાચ જડેલા લાકડાના કબાટો, એક લાંબું પહોળું ટેબલ તેની ઉપર પિત્તળનો લેમ્પ, પટારા ઉપર ગોઠવેલો ડામચિયો. આછા અજવાળામાં ડોકિયું કરું છું. તળેઉપર થતા બે શરીરના ઓળા. શ્વાસ જાણે સુસવાટા મારતો પવન હોય એમ વીંઝાય છે. ત્યાં અવાજ સંભળાયો :
   ‘બસ, બસ હવે રહેવા દે. બહુ થ્યું... બહુ થ્યું !’
   ‘અરે એમ તે હોય ? તમે તો....'

   આ કોનો, જસીબાનો અવાજ કે ? તરત જ એક ઓછાયો અળગો થઈને પથરાયો. બૂમ પાડતાં હોય એવા દબાયેલા અવાજે જસીબા ધમકાવે છે.
   ‘જરાય પાણી જ નથી. કાંઠે લાવી ડુબાડી દો છો. આ અંગારા મારે ક્યાં ઠારવા ? ચડ્યા ઘોડે દોડતા આવો તો ખરા પણ....' કહેતાં ઊભા થયાં. વેરવિખેર શરીર કે કપડાંની જરાય દરકાર વિના શરીર મરડતાં ઊભાં રહ્યાં. પૂરું ઉઘાડું શરીર. ના, આ તો ઓછાયો માત્ર ! સામેની તરફ વળ્યાને બારી બાજુ આવવા પગલાં માંડ્યા. અહીં આઘે ઊભા મારા શરીરમાં શીત વળવાં લાગ્યાં. શરીર પાણી પાણી ને બધી બળતરા એકદમ ગુમ.

   એ રાતે જોયેલું સપનું દિવસો સુધી મમળાવ્યા કરેલું. કાળા પાણીદાર ઘોડા ઉપર સવાર થઈ હું એક પછી એક રૂપસુંદરીઓના શિકારે નીકળ્યો છું. એકે એક સ્ત્રી એના આકર્ષણની, જાત જાતની માયાજાળ પાથરીને બેઠી છે પણ હું ક્યાંય રોકાતો નથી. છેવટે લજવાતી કન્યાની જેમ બારસાખે-ટોડલે હાથ ટેકવીને ઊભેલી ગીતા નજરે પડી. મારો ઘોડો ત્યાં જ અટકી પડ્યો...

   તે દિવસોમાં કૂવાનાં તળ ઊંડે ગયાં 'તાં એટલે સરખી રીતે ન્હાવાનું મન થાય તો સૌ ગજુભાના ખેતરે જતાં. ગજુભાનું ખેતર બારે મહિના લીલુંછમ તે એન્જિનના પ્રતાપે. ઢોરાંને ખાવા જુવાર ને રચકો કરે. સિઝનમાં ઘઉં ને એરંડા. એન્જિન ચાલુ હોય ત્યારે ઠક્ ઠક્ ઠક્ અવાજ આવે. આપણે તંદ્રામાં હોઈએ તો જાણે કોયલ જેવું કોઈ મીઠું પંખી ગાતું હોય એવું લાગે..... પાણીયે ચોખ્ખું ને મીઠું. જોશભેર ફેંકાતું ધોળું ફીણવાળું હુંફાળું પાણી... તે ન્હાવાની મઝા આવે ! તળાવનું પાણી તો ગંદુ ને પાછી ડૂબી જવાની બીકે ખરી. ને આ તો કૂંડીમાં વેગથી ફેંકાતાં પાણી હેઠળ ઊભા રહી જવાનું. શાવર-બાવર બધા એની આગળ પાણી ભરે ! આ જ તો મઝા છે ! જોકે ખુલ્લું આકાશ ને લીલાંછમ ખેતરોય જબરાં લાગે. ડૂંડાના ભારથી નમી નમી જતા છોડવાઓની હારની હાર... ને મોટાં પાંદડાંની બથ ફેલાવી ઊભેલા એરંડાની એક ખાસ ટિપિકલ વાસ. લીલા તંબુ તાણ્યા હોય એવું ખેતર. દિવસ આખો છાંયો. કોઈ બેઠું હોય તોય ખબર ન પડે.

    પણ તોય જસીબાએ મને ગોતી કાઢ્યો. ‘એ નાનભૈ, આ જરા ટેકો કરોને ?’ કરતાં એ ચારાનો ભારો મૂકી મારા ભણી વળ્યા. તાજો જ નાઈને કેડે ટુવાલ વીંટી હું એરંડાનાં ખાણ ભણી નીકળી આવેલો. એમાં આ વળી, ક્યાંથી ફૂટી નીકળ્યા ?

   ‘આ પંચીયું વીંટાળીને નેંકળી પડ્યા છો તે શું કરો છો અમારાં ખેતરાંમાં ?’ કહેતાં જસીબાએ ઢેફું ઉઠાવી મારી છાતી પર માર્યું. આખી છાતી માટી માટી. ‘રેવા દોને, ભાભી, મારે ફરી ના’વું પડશે.’
   ‘તે નાઈ લેજો –' વળી, એ ઢેફું ઉઠાવવા વાંકા વળ્યાં. પણ આ વખતે ઢેફાંનો માર નથી ઝીલવો એમ નક્કી કરેલું તે દોડીને એમનો હાથ પકડીને રોકવા કર્યું. સામું એમણેય અરધી છાતી ને ખભો મારીને જોર કર્યું. એમ અડતાંવેંત શરીર આખું ધગી ઊઠ્યું. બઈ માણસ હાથે આમ કંઈ થોડું બથોબથ અવાય છે ? વિચારી મેં એમનો હાથ મૂકી દીધો ત્યાં એમણે પાછો બાવડેથી હાથ ઝાલ્યો ને બોલ્યાં,

   ‘કેવાં જબરાં બાવડાં છે ને જોરય કેવું ? બતાવો તો ખરા એકફેરા...’ કરતાં ટુવાલને કેડેથી ખેંચી કાઢ્યો ને... હું તો ગબડ્યો તે સાવ એમની માથે. એ સાથે જ બોલ્યાં, ‘નાનભૈ, એમ છાનુંછપનું શું જોવાનું ? લ્યો જુઓ, મન ઠારીને જુઓ ને મને ય ઠારો... ફક્ત ગોરી ગોરી પિંડીઓ જ નહીં પણ સવારના સૂરજ જેવી સોનલવરણી એમની લથપથ કાયા દેખાઈ ના દેખાઈ ને કાળું અંધારું ઘેરી વળ્યું. સૂરજ ડૂબી ગયો કે શું ?

   સૂરજ તો શું ? ડૂબ્યો તો હું હોઉં એમ લાગે છે. છાતીમાં જબ્બર ભીંસ ઊઠી છે. શરીર ચોતરફથી કચડાય છે. ખભે ઝીણા દાંત ભિડાય છે મીઠું મીઠું. આંખે અંધારાં આવ્યાં. શરીર સાવ બેકાબૂ ને જરા આગળ ખેંચાયો કે પાછળ ? હાથ ને પગ ફડફડવા માંડ્યા. આ શરીર ઊડ્યું કે શું ? કાનમાં સુસવાટા મારતી તમરીઓ બોલી ને વળતી જ ક્ષણે.....
[‘પરબ’ ઑગસ્ટ, ૧૯૯૯]


0 comments


Leave comment