16 - લખચોરાસી એકલતામાં ઘટનાઓ છે લખચોરાસી / અશરફ ડબાવાલા


લખચોરાસી એકલતામાં ઘટનાઓ છે લખચોરાસી,
જીવ બિચારો નાનકડો ને ફફડાઓ છે લખચોરાસી.

ક્યાં જાશું ? ને કોને મળશું ? શું દેશું ? ને શું મેળવશું ?
માટીના પગ લૈને હાલ્યા, વગડાઓ છે લખચોરાસી.

એમાંથી થાશે તો થાશે એક મહાનલ તારા સ્પર્શે;
મારી પાસે કાંઈ નથી, પણ તણખાઓ છે લખચોરાસી.

ત્યાં લગ અંધારામાં જોતાં રે’શું સપનાં અજવાળાનાં;
આંખો ને દરશનની વચ્ચે પડદાઓ છે લખચોરાસી.

જનમ જનમનો ગ્રંથ અમારો લખવા બેઠા અંતરયામી;
એક વ્યથાની વાત લખી ને ફકરાઓ છે લખચોરાસી.


0 comments


Leave comment