4.34 - જુઈની મ્હોરી વેલ / રાજેન્દ્ર શાહ


જુઈની મ્હોરી વેલ.
હો મારે મંદિરે
જુઈની મહોરી વેલ.

નીલમ એની પાંદડી, એનાં
નમણાં ધવલ ફૂલ,
શિવ - જટામાં જાહ્નવી જેવાં
સોહ્ય છે રે અણમૂલ;
જોઈને એને રીઝતાં ભૂલું
બકુલ, ભૂલું કેળ.

પાતાળ કેરાં જલથી વિમલ
રસિયા સકલ અંગ,
વ્યોમનાં ઝીલી તેજ હો તરલ
મલકી રહ્યા રંગ,
વેણ નહિ, નહિ ટહુકો તોયે
ગીતની રેલંછેલ.

સુરભિની તે ચાલનું મધુર
મેં સુણ્યું શીંજન,
પ્રાણને મારગ ઉરને મીઠું
કરતી આલિંગન :
રાન વેરાને વરષા જેવી
જલભરી ઝૂકેલ.


0 comments


Leave comment