4.37 - અરુણ વેળા વહી જાય ! / રાજેન્દ્ર શાહ


અરુણ વેળા વહી જાય !
નદી-જલ-દલ નિજ કલકલ રવ મહીં
એક હિ કથા કહી જાય !

વનવન દેખ વસંત રમે, પ્રિય !
કુસુમ ખીલ્યાં કરીએ મધુ-સંચય,
કંઠ થકી ઝરીએ ગુંજન-લય,
કાલ ઉપર રહીએ ક્યમ નિર્ભ૨?-
કાલ દીઠી નહીં જાય !

આંહીં ચડી પૂનમની ભરતી ,
તરલ તરણી સાગર ભણી સરતી,
ચલ, ચલ, આજ પ્રયાણ તણી ઘડી,
ઓટ થતા જલ વિણ તટ પર બસ
ભીની વેળુ રહી જાય !

ગગનતણી દ્યુતિનાં ઉર તરસ્યાં,
ગરુડ-પાંખ ફૂટી, પ્રાણ શું હરખ્યા?
કવણ શૃંગ અવ પ્રિય વણ પરણ્યાં?
થનગન થનગન થતું બલ, ત્યહીં પલ
અલસ તે ક્યમ સહી જાય ?


0 comments


Leave comment