4.38 - દૂરનો વસનારો ઓરો આયો રે / રાજેન્દ્ર શાહ


દૂરનો વસનારો ઓરો આયો રે;
પરવાસી વીરા !
ઓરો તે થૈ અપનો ઓળખાયો.

આલી લીલી છોડી તેં તો ઘરકેરી છાંયડી ને
પોતાનાંથી બનિયો તું પરાયો,
વગડાની વાટે તરુમાં, ફૂલમાં, જીવલોકમાંહીં
હૈયાને ધબકારે તું લહાયો રે. – પરવાસી

દુનિયાના દવને ઠંડા દવથી તેં ઠારિયો ને
કાંટાને કાંટાથી બ્હાર આણ્યો,
ઘડી પળના રંગ સામે મીંચી દીધાં પોપચાં ને
અંધારાંનો અંજવાસ માણ્યો રે. – પરવાસી

મનખાનો બોજો જ્યારે શિરથી ઉતારિયો ને
હવાથી ય હલકો થ્યો સવાયો,
ઊંડા અંકાશમાંહીં ઝંખાની જાહ્નવીને –
તીરે વણપાંખે તું ઊંચકાયો રે.- પરવાસી


0 comments


Leave comment