4.39 - કાયાને કોટડે બંધાણો / રાજેન્દ્ર શાહ


કાયાને કોટડે બંધાણો
અલખ મારો લાખેણા રંગમાં રંગાણો.

કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે
ઝાઝાની ઝંખનાઓ કીધી,
ઘેરાં અંધારકેરી મૂંગી તે શૂન્યતાને
માયાને લોક ભરી લીધી.
અલખ મારો.

અનાદિ અંકાશકેરી અણદીઠ લ્હેરુંમાં યે
રણૂંકી રહ્યો રે ગીત-છંદે
અંગડે અડાય એને, નયને લહાય એવો
પરગટ હુઓ રે ધૂળ-ગંધે.
અલખ મારો.

નજરુંનો ખેલ એણે રચ્યો ને જોનારથી જ્યાં
અળગો સંતાણો અણજાણ્યો.
જાણ રે ભેદુએ જોયો નિજમાં બીજામાં, જેણે
પોતે પોતાનો સંગ માણ્યો.
અલખ મારો.


0 comments


Leave comment