4.40 - હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણાં હોજી / રાજેન્દ્ર શાહ


હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણાં હોજી.
હરિ હું ય એ જ ઘરનું બાળ,
તારા ઓરડાની ભાળ,
આદુનાં વિજોગી તોય આપણે,
આપણ બેની અંતરિયાળ
પડદા પડ્યા છે કિનખાબના હોજી.

હરિ તારે ઓરડે અગરુની ઊડે ફોરમો હોજી.
હરિ એના ધૂપનો બહાર,
આવે અહીં વારવાર;
આખા યે વરમાંડ મહીં વ્યાપતો :
મારા સુખનો નહિ પાર,
કાળજે અમલ ચડે કારમો હોજી.

હરિ મારે પ્રાણને એકતારે ગીત ઊપડ્યાં હોજી.
હરિ મારી ભાંગીતૂટી વાણ,
આઠે પ્હોર એનો જાણ,
શબદ ઘુમ્મટ મહીં ગુંજતો,
એના સૂરમાં અભાન
આયખાને અમરત લાધિયા હોજી.

હરિ તારા ઓરડાનાં હજી બંધ બારણાં હોજી.
હરિ એને પડદાની આડ,
નયને તિમિરની વાડ,
ક્યારે રે મંગળ વેળ આવશે
ધરશે તેજનો ઉઘાડ?
કાળના અવધાને માંડી ધારણા હોજી.


0 comments


Leave comment