26 - એવા ઘણા છે જેઓ સકળને અતિક્રમે / અશરફ ડબાવાલા


એવા ઘણા છે જેઓ સકળને અતિક્રમે,
છે કોઈ જે સ્વયંના છળને અતિક્રમે ?

કાગળ છું, મને બીજ તું અક્ષરનું આપજે;
દે વૃક્ષતાયે એવી કે ફળને અતિક્રમે.

જેને પલાળવા સતત દરિયો મથી રહ્યો;
એ માછલીનું મન તો જળને અતિક્રમે.

જોકે સપાટી પર તું રમે છે રમત બધી;
પાસું તું ફેંકજે કે જે તળને અતિક્રમે.

આ એ જ છે અશરફ જે કસબમાં ભળી ગયો;
નિષ્ફળ ગયો ને તોય અશરફ સફળને અતિક્રમે.


0 comments


Leave comment